ભુજમાં “કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર સેમીનાર યોજાયો

Printer-friendly version

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”! ભુજની સહજીવન સંસ્થા અને ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ભુજના આર્ય સમાજ હોલ ખાતે આયોજિત સેમીનારમાં ડો. જાનીએ કચ્છથી ઇજિપ્ત સુધી કાંકરેજ ગાયનું ઘી પહોંચતું હોવાની માહિતી સાથે ગાયના માત્ર દુધ નહિં પરંતુ જીવીત અને મૃત બન્ને સ્વરુપે ગાયના અનેક ઉપયોગો વિશે વાત કરી હતી. બાળક ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પામે એ દરમ્યાન ગાયની પેદાશોના ઉપયોગ વિશે ખુબ જ રસપ્રદ અને ઉપયોગી મુદ્દાઓ સચિત્ર રજૂ કરાયા હતા. સંગીતના લલીત, વિભાસ, ભૈરવી અને આસાવરી જેવા રાગોથી ગાયના ઉત્પાદનની ક્ષમતા વધે છે તેવું જણાવવા સાથે ઇતિહાસમાં ગાયોના દાન દેવાતા સહિતની બાબતો ડો. જાનીએ નાગરિકોને જણાવી હતી. ગાયના દુધમાં રહેલું CLD તત્વ કેન્સર સામે રક્ષણ આપે છે જ્યારે દુધનું 'કેરોટીન' તત્વ આંખને રક્ષણ આપે છે, તેમજ ખુંધ હોવાના કારણે ગાય સુર્યકિરણો પોતામાં સમાવતી હોવાથી તેનું સુર્યપિત દુધમાં ઉમેરાય છે જે કોઇપણ પ્રકારના ઝહેર સામે રક્ષણ આપનારું હોવાની માહિતી તેમણે આપી હતી.

સેમીનારમાં ઉપસ્થિત સજીવખેતીના નિષ્ણાત અને ખેડુતો માટે હમેશાં માર્ગદર્શક રહેનારા રામકૃષ્ણ ટ્રસ્ટના શ્રી મનોજભાઇ સોલંકીએ કહ્યું હતું કે, માલધારીયત વિસરાઇ રહી છે ત્યારે દેશી ગૌવંશના હિતમાં સહજીવન સંસ્થાના નીતાબહેન ખુબચંદાણીએ ચોખ્ખા દુધની જે પ્રક્રિયા હાથ ધરી છે તેમાં સહભાગી થઇ આપણી કાંકરેજ ગાયના જતન અને માલધારીઓના જીવનધોરણને સુધારવામાં સહયોગ આપીએ તો જ આપણે આપણી જાતને જીવદયા પ્રેમી કહી શકીશું.

ભુજના નાગરિકો ચોખ્ખું દુધ મેળવતા થાય એ માટે માલધારીઓ સાથેનું સંકલન ઉભું કરનાર સહજીવનના નીતાબેન ખુબચંદાણીએ નાગરિકોને સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ અને શુધ્ધ આહાર ખાતી કાંકરેજ ગાયનું દુધ ખરીદવાનો અનુરોધ કરી "જીઓ દેશી"ના સુત્રને સાર્થક બનાવવામાં સહયોગની અપેક્ષા સેવી હતી. સેમીનારનું સંચાલન અને આભારવિધિ સહજીવનના ધર્મેશ અંતાણીએ કરી હતી. એચઆઇસીના ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, અસીમ મિશ્રા, કૃપાબેન ધોળકિયા, કવિતાબેન મહેતા તેમજ અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અર્બન સેતુના ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, મામદ લાખા, આશા મહેશ્વરી, મયુર રાઠોડ, પુનીતાબેન તેમજ ભુજ બોલે છેના જય અંજારિયાએ વ્યવસ્થા સંભાળી હતી.

Author
jayanjaria's picture