હજરત મહોમદ પન્નાહ મસ્જિદ

ઇસ્લામિક સ્થાપત્યની બેનમૂન મિશાલ, "હજરત મહોમદ પન્નાહ મસ્જિદ"
કચ્છની રણકાંધિએ આવેલી પ્રખ્યાત દરગાહ હાજીપીર (ર..અ.)વલિના ઉર્સ ના એ દિવસો હતા. ગુજરાત -સૌરાષ્ટ્રમાંથી ઘણા મૂસ્લિમો તેમની મન્નતો પૂરી કરવા વલીની સલામે આવ્યા હતા. તે દિવસે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે એક ભાઈ મને મળી ગયા અને પુછ્યું; અહી જીન્નાત મસ્જિદ ક્યાં છે? થોડીવાર માટે તો હું પણ મુંજાઈ ગયો ભુજમાં વળી જીન્નાત મસ્જિદ કઈ હશે? ક્ષણો બાદ તુરંત જ ખ્યાલ આવી ગયો કે હું પણ મુંજાઈ ગયો એ મસ્જિદ મહોમદ પન્નાહ મસ્જિદ હતી. લોકોમાં પણ એવી માનયતા છે અને કિતાબોમા પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માણસ સાથે જિન્નાતોએ પણ મસ્જિદ ની તામીરમાં ભાગ લીધો હતો. કુરાન મજીદ માં પણ જિન્નાતો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇઝરાઇલમાં આવેલ જેરુસલામની મસ્જિદનું કામ પૂરું કર્યું  જેનો ઉલ્લેખ કુરાન શરિફમાં છે.

img_0224_0.jpg
કહેવાય છે,  કે મસ્જિદનું કામ પાંચથી સાત વર્ષ ચાલ્યું અને હકીકત અત્યારે પણ તેની ભવ્યતા વિશાળતા તેના પીલરો,  ગુમબ્જ,  કમાનો મિનાર દરવાજા, વિશાળ હોજ, ઊંચાઈ, કિલ્લા જેવી વગેરે જોઈએ તો એમ જ લાગે કે તે સમયના એટલે કે ૨૫૦-૨૬૦ વર્ષ પહેલા યાંત્રિક સાધનોની કમી અને ટેક્નોલોજીની સગવડો ન હોવા છતાં આટલા ટુંકા સમયના ગાળામાં કામ પૂરું થઈ શકે નહીં? બલ્કે માનવ શક્તિથી બહારની વસ્તુ હતી, સિવાય જિન્નાતોએ મદદ કરી હોય. કહેવાય છે કે હજરત મોહમ્મદ પન્નાહ સાહેબ ( રદીઅલ્લાહ -તાલા -અન્નહો ) ના તાબામાં  જિન્નાતો હતા. આ મસ્જિદ બંધાવનાર તેના પ્રણેતા હજરત મોહમ્મદ પન્નાહ સાહેબ (રદીઅલ્લાહ -તાલા -અન્નહો)ના વિષે ટૂકમાં કેટલાક લેખકોની કિતાબોને આધાર જણાવવાનું કે ' ગુલઝાર  ગૌષિયતના લેખક પીર સૈયદ વઝીરઅલી કાદરી સાહેબ લખે છે કે કચ્છના મહારાઓશ્રી ગોડજીના શાસન દરમિયાન ઇ.સ.૧૭૬૩ની સાલમાં હજરત મોહમ્મદ પન્નાહ સાહેબ(રદીઅલ્લાહ-તાલા-અન્નહો) કચ્છ પ્રદેશમાં તશરિફ લાવ્યા. સૌપ્રથમ આપે ભુજમાં એક શેરીના છેવાડે આવેલ મસ્જિદમાં ક્યામ કર્યો. આ મસ્જિદ તે વખતે લોહાર વાઢા જમાત મસ્જિદના નામે ઓળખાતી. ભુજ મેઇન બજાર માં આવેલ માનબાઇ મસ્જિદના સામેની ગલીમાં આજે પણ મસ્જિદ છે.
મસ્જિદ : મહાદેવ ગેટની અંદર જમણી બાજુએ તથા ઓલ્ફ્રેડ હાઇસ્કુલ(નવી)ની સામેના ગઢ, દુકાનો અને બાવળીયા વચ્ચે આવેલ મહોમદ પન્નાહ સાહેબ (રદીઅલ્લાહ-તાલા-અન્નહો)ની આલીશાન અને વિશાળ મસ્જિદ બહારથી જોઈ શકાતી નથી. છતાં તેના અચળ અને અડીખમ ગુંબજો અને મિનાર તેના અસ્તિત્વ નો સાદ આપી રહ્યા છે. મસ્જિદ ઈસ્લામિક સ્થાપત્યની એક બેનમૂન મિસાલ છે. કચ્છમાં આટલી વિશાળ મસ્જિદ ક્યાં પણ નહીં હોય. તે  સમયની ભુજની વસ્તી પ્રમાણે તેનું કદ અને ભવ્યતા અનેકગણી હતી અને તે હજરત મોહમ્મદ મોહમ્મદ પન્નાહ સાહેબ ( રદીઅલ્લાહ -તાલા -અન્નહો ) ની દીર્ઘદ્રષ્ટિ, સુઝબુઝ, અનુભવ અને કુશાગ્રહતાના પ્રતીક સમાન છે. અત્યારે જ્યાં ઊંચા પાણીનો ટાંકો છે, ત્યાંથી મસ્જિદનો મુખ્ય પ્રવેશદ્વાર હતો. મુખ્ય દ્વારની અંદર થઈને મસ્જિદના કમ્પાઉન્ડમાં અવાતું. કમ્પાઉન્ડમાં બે હોજ હતા. એક નાનો હતો  અને બીજો આશરે 100 ફિટ ઊંડો અને જબરદસ્ત હોજ હતો. હોજમાં ઉતારવા પૂર્વ-પશ્ચિમ બને બાજુ સીડીઓ બનેલી હતી અને તેની આસપાસ વજૂ કરવા બેઠકો બનેલી હતી. ( હોજની જગ્યા જ્યાં આજે દુકાનો બનેલી છે) જે મસ્જિદના સેહનના નામે ઓળખાય છે, કેમ તેનો ઉપયોગ ઈદગાહ તરીકે પણ થઈ શકે. પૂર્વમાં અર્ધો ભાગમાં સેહન, સ્ટોર, રૂમ, ખાનકાહ માં આવવાનો દરવાજો અને મધ્ય ભાગમાં અઝાન આપવા માટે નાનો બુર્જ હતા. સેહનની પશ્ચિમી બાજુએ વિશાળ ૨૫ ગુંબજ, ૨૪ મિનારા તથા બે મોટા મિનાર અને બે ઊંચા મોટા બુર્જ હતા. આ આલીશાન મસ્જિદની  ફૂટ ઊંચાઈ ૮૦ બાય ૮૦ની લંબાઈ, પહોળાઈ, ૧૧ પ્રવેશદ્વાર, ૨૦ તીરદાર આંતરિક દીવાલો, ૨૦ ઊંચી સ્પેનિશ ઢબની કમાનો, જેને ૫ મહેરાબો અને ૨ મિમ્બરોથી સજાવવામાં આવી છે. એક મસ્જિદ અંદર અને એક બહારના ભાગમાં જેની અંદર એકીસાથે ૫૨૫ નમાજીઓ નમાજ અદા કરી શકે, અને બહાર સેહનમાં બેથી અઢી હજાર નામજીઑ નમાજ અદા કરી શકે.  મસ્જિદના બાંધકામમાં મરિયાન સફેદ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલ છે તથા ગૂગળ સાથે કાળી ચુનાની સિમેંટિંગ કરવામાં આવેલું છે. દરવાજામાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવેલ છે, જે આજે પણ એટલી જ મજબૂતાઈથી ઊભા છે.
મસ્જિદના કમ્પાઉન્ડમાં હજરત મોહમ્મદ પન્નાહ સાહેબ (રદીઅલ્લાહ-તાલા-અન્નહો) ની દરગાહ તથા હજરત રાયધણજીની દરગાહો આવેલી છે. તે સિવાય ખાનકાહો અને હુજરાઓ જર્જરિત અવસ્થામાં નજરે પડે છે. ભૂકંપ દરમ્યાન ક્ષતિગ્રસ્ત  થયેલી મસ્જિદનું રિપેરિંગ કામ ઠીકઠીક થયું છે તેમ છતાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.(મસ્જિદની વિગત ગુલજારે ગોષીયત પુસ્તકમાંથી લેવામાં આવેલ છે -આભાર સાથે)

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.