છકડા: ભુજની અનૌપચારિક પરિવહન વ્યવસ્થા

જાહેર પરિવહનના વાહનોમાં છકડો છેલ્લા સાતેક વર્ષથી ભુજમાં લોકપ્રિય છે. જેનું એક કારણ છે છકડા બહુ સરળતાથી મળી રહે છે અને ભાડા પણ વ્યાજબી હોય છે. ઉપરાંત બીજા ઉતારુઓનો સંગાથ પણ મળી રહે છે અને જે સ્થળે કહો ત્યાં ઉતારે છે. એટલે જે લોકો સિટીબસની રાહ જોવા નથી માંગતા, ભીડમાં પીસાવા નથી માંગતા અને રિક્ષાના મોંઘા ભાડા આપવા નથી માંગતા એ બધા ભુજનિવાસીઓ છકડાની સવારી માણે છે. સવારના આંઠ વાગ્યે ટિફિન લઈને ઘરેથી નીકળતા અને સાંજે આંઠે પાછા આવતા ભુજવાસીનો સાથી બની ગયો છે છકડો. રોજ-રોજ છકડામાં મુસાફરી કરતાં લોકોને છકડા-ચાલક સાથે જાણે એક અંગત સંબંધ બંધાઈ ગયો છે. છકડાચાલકો પણ પોતાના મુસાફરોને જવાબદારીપૂર્વક જેતે ઇચ્છિત જગ્યાએ પોંહચડે છે. 
છકડામાં કોઈ મુસાફર સીગરેટ કે બીડી ન પીવે તેનું ધ્યાન રાખે છે. કોઈ છકડાવાળો દારૂ પીધેલા વ્યક્તિને છકડામાં બેસવાની છૂટ નથી આપતો. જેથી શહેરની બહેનો પણ છકડાની મુસાફરીને સલામત વિકલ્પ માને છે. 

શહેરની અંદર એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ લઈ જતાં નાના છકડા અને નજીકના ગામ જેવા કે માનકુવા, કુકમા અને લાખોન જતાં મોટા છકડા સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી સતત ભુજના લોકોની સેવામાં રહે છે.

આ છકડાના ડ્રાઈવર ભાઈઓએ સ્વૈછિક સમજણથી બહુ સરસ વ્યવસ્થા ઊભી કરી છે જે સમજવા જેવી છે. શહેરના વિસ્તાર પ્રમાણે રુટ નક્કી કરીને એક આસોસિએશનની રચના કરી છે. જેમકે, વાણિયાવાડ વિસ્તારથી પેસેંજર લેતા છકડા વાણિયાવાડ આસોસિએશનમાં જોડાય શકે. આમ દરેક વિસ્તારનું એક છકડા આસોસિએશન હોય છે. આ આસોસિએશનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટવામાં આવે છે. આસોસિએશન છકડા ડ્રાઈવરને પીઠબળ પૂરું પડે છે. ડ્રાઈવરને આર્થિક કે બીજી કોઈ કાનૂની સહાય અને સમજણ આપે છે. રુટ અને અંતરને ધ્યાનમાં રાખી આસોસીશન હેઠળ આવતા તમામ છકડા માટે એક સરખી ભાડાની કિંમત નક્કી કરી આપે છે. બધા વિસ્તારના આસોસિએશનના છકડા ડ્રાઈવર પરસ્પર સમજણથી એક-બીજાના રુટમાં દખલ નથી કરતાં જેથી કરીને સૌને ધંધો મળી રહે અને પેસેંજરને પણ સરળતા રહે. કેટલાક વિસ્તારોમાં વારાફરતી છકડા ભરવાની પ્રથા પણ છે.  આ વ્યવસ્થાને મોટાભાગના છકડા ડ્રાઈવર્સ અનુસરે છે.

ભુજ સિટીમાંજયુબિલીસર્કલ ઉપરાંત કુલ ચાર મુખ્ય છકડા સ્ટેન્ડ છે:
1. ગણેશનગર
2. વાણિયાવાડ
3. રાવલલવાડી
4. આવાસ

થોડા વધારે અંતરે આવેલા સ્થળો જેમકે માનકૂવા માટે છે “માનકૂવા-સુખપર આસોસિએશન” છે જેમા 76 છકડા ડ્રાઈવર ભાઈઓ જોડાયા છે. જેમાં કુલ બે પ્રમુખ છે: અનવર સમા અને લાગધીરસિંહ ઝાલા જે પોતપોતાના સમુદાયનું પ્રતિનિધિત્વ કરી સાથે એક જ આસોસિએશન હળી-મળીને સફળતાપૂર્વક ચલાવે છે. કુકમાં, માંડવી ના રુટ પર પણ આસોસિએશન્સ છે.

આ આસોસિએશનએ એક ઉદાહરણ છે કે નાના એવા વ્યવસાયને એક સમજણ આપીને પરસ્પર અનુકૂળ થઈ, સંગઠિત તંત્ર બનાવી શકાય અને ઉચ્ચ ધ્યેય સાધી શકાય જે થી સૌને આગળ વધવાની સમાન તક મળી રહે.

ભુજની છકડા સવારી અને રસ્તાઓ વિષે વધારે માહિતી માટે નીચે નક્શાઓ જુઓ:

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.