ભુજની ઓળખ સમી પંક્તિ ! “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી"

“અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી"

ભુજ વિશે તમને કોઇ પુછે કે ભુજમાં શું શું છે ? તો તમે આ બે પંક્તિમાં ભુજની ઓળખ આપી શકો. હા, રાજાશાહિ જમાનામાં જે રીતે ભુજની નગરરચના કરવામાં આવી તે પ્રમાણે કોઇએ આ ટુંકી ને ટચ પંક્તિ રુપી વ્યાખ્યા આપી છે. પણ આ વ્યાખ્યામાં જેઠ્ માહિતી આપી છે એ કદાચ બહુ ઓછાને ખબર હશે ! કાંગરા, કટારી, છઠ્ઠીબારી, આરા, પાવડી ને ચાવડી, આ બધાં નામ કદાચ કોઇએ સાંભળ્યાં હશે પણ એ ક્યાં આવેલ છે અને તેનો ઇતિહાસ શું છે તેની માહિતિ જાણવી ખુબ જ રસપ્રદ છે.
સૌ પ્રથમ વાત કરીએ "અઢી કાંગરા"ની ! આલમ પનાહ મસ્જિદની પાછળ અને અત્યારની ઓલ્ફ્રેડ હાઇસ્કુલના સામેના ભાગમાં મહાદેવ નાકાથી જોડાયેલી દિવાલ પર બે આખા અને એક અડધો એમ અઢી કાંગરા બનાવવામાં આવ્યા હતા. આ કાંગરા એટલે દિવાલ પર બનાવેલી એક પ્રકારની પથ્થરની બનાવેલી આક્રુતિ ! અને તેની પાછળનો ઇતિહાસ એ છે કે જ્યારે ભુજ શહેરની સ્થાપનાને ૨૫૦ વર્ષ પુરાં થયાં ત્યારે મહારાવે મહાદેવનાકાની દિવાલ પર આ પ્રતીકરુપ અઢી કાંગરા બનાવ્યા હતા. અલબત્ત હાલમાં આ કાંગરા અસ્તિત્વ ધરાવતા નથી.

“એક કટારી", આ કટારી રાજાશાહિ જમાનામાં સ્વ રક્ષણ માટેનું યોગ્ય સાધન હતું. અને એ કટારીને આજે પણ યાદ કરાય છે. મહાદેવનાકાની દિવાલ પર જુની ટંકશાળ તરફ રણછોડરાય મંદિરને અડેલી દિવાલ પર નાના ગોખલામાં આજે પણ પથ્થરની બનેલી કટારી રાખવામાં આવી છે જે તેની ઐતિહાસિકતા દર્શાવે છે.

એ હકિકત તો આપણે સૌ જાણીએ છીએ કે ભુજ પાંચ નાકાઓથી બનેલા કિલ્લા વચ્ચે વસેલું હતું. આ પાંચ નાકા એટલે મહાદેવ નાકુ, પાટવાડી નાકુ, વાણિયાવાડનું નાકુ, સરપટ નાકુ અને દરબાર ગઢનું નાકુ(તોરણીયું નાકુ). મહારાવના સમયમાં ભુજ નગર આ પાંચ નાકાથી સુરક્ષિત રહેતું. સાંજના સમયમાં મહારાવના આદેશ સાથે આ બધા નાકા બંધ થઈ જતા. આ નાકાઓની વિશેષતા એ છે કે તેના દરવાજા પર ખીલા રાખવામાં આવતા જેથી દુશ્મનો તેના હાથીના જોરથી દરવાજા તોડીને નગરમાં પ્રવેશી ન શકે. પણ અમુક દુશ્મનોએ તેનો પણ ઉકેલ શોધી લીધો હતો અને દરવાજો તોડવા માટે દરવાજો અને હાથી વચ્ચે ઉંટને ઉભો રાખતા જેથી હાથી ધક્કો મારે તો ખીલા ઉંટમાં ઘુસી જાય અને દરવાજો પણ તુટી જાય !

ભુજમાં પાંચ નાકા ઉપરાંત "છઠ્ઠી બારી" પણ હતી.  જે વિસ્તારને આપણે છઠ્ઠીબારી તરીકે ઓળખીએ છીએ ત્યાં જ આ જગ્યા હતી. તેની હકીકત એ છે કે મહાદેવના નાકાથી વાણીયાવાડના નાકા તરફ વચ્ચે એક નાનું નાકુ રાખવામાં આવ્યું હતું જેને "છઠ્ઠીબારી" કહેવાતી. જ્યારે કોઇ મરણું થઇ જાય ત્યારે મહારાવની પરવાનગી સાથે એ નાકુ ખોલી તેમાંથી શબને બહાર લઇ જવામાં આવતું. હાલમાં આ નાકું નથી પણ એ જગ્યા તેના નામથી જ ઓળખાય છે. આ નાકુ નાનું હોવાથી તેને બારી કહેવાતી.

હવે આવે છે "ત્રણ આરા". આ ત્રણ આરામાંથી "રઘુનાથજીનો આરો" વિશે ઘણા જાણતા હશે પણ એ જ રીતે પંચહટડી વિસ્તારમાં આવેલો આરો "ભોંઇ વાળો આરો" તરીકે ઓળખાય છે. તેમજ ઉપલીપાડ રોડ ઉતરતાં એક આરો આવે છે જેનું નામ છે "ઇંદ્રાક્ષિનો આરો" ! આ આરા ન્હાવા કે બહેનો માટે કપડાં ધોવા માટે બનાવવામાં આવ્યા છે.

ત્રણ આરા ને "ચોથી પાવડી"! આ પાવડી એટલે પુરુષો અહિં સ્નાન કરવા માટે બનાવેલી જગ્યા જ્યાં થી હમીરસરમાં ઉતરી શકાય એવાં પગથીયાં પણ બનાવવામાં આવ્યાં છે. જુના બહેનોના સ્વામિનારાયણ મંદિરની પાછળ આ પાવડી આવેલી છે.

અને અંતે ઉલ્લેખ છે બજાર વચ્ચે આવેલી "ચાવડી"નો. રાજાશાહિ સમયમાં કોઇ નાના મોટા ગુન્હા થાય તો તેની ફરિયાદ કરવા માટે શહેરની મધ્યમાં પોલીસ ચોકી હોવી જોઇએ એ વિચારે મહારાવે ભુજની જુની શાક માર્કેટ પાસે ડાંડા બજાર તરફ જતા માર્ગે ચાર રસ્તા મળે છે ત્યાં એક ચોકી ઉભી કરાવી જે "ચાવડી" કહેવાય છે. પહેલાં આ ચોકીમાં કોઇ પણ ફરિયાદ નોંધાય પછી જરુરિયાત પ્રમાણે રાવ સુધી તેના અહેવાલ પહોંચાડવામાં આવતા.

આ રીતે ભુજની ઓળખ સમા આ ઐતિહાસિક સ્થળોના નામોલ્લેખ સાથે આ પંક્તિ બનાવવામાં આવી  છે.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.