બેનમુન શાહી સંભારણું : આયના મહેલ તેમજ પ્રાગમહેલ.

કચ્છ ઐતિહાસિક આકર્ષણોનો અદભૂત સંપૂટ છે. આ સરહદી જીલ્લાના તમામ વિસ્તારો અનેરું આકર્ષણ ધરાવે છે. આવું જ એક બેનમુન શાહી સંભારણું ભુજ શહેરમાં મહારાવ શ્ની લખપતજી દ્વારા બાંધવામાં આવેલ આયના મહેલ છે. ગામતળમાં આવેલા દરબાર ઘઢ વિસ્તારમાં આયના મહેલ ને વર્ષ ૧૯૭૭ ના જાન્યુઆરી માસ થી જાહેર જનતા માટે પર્યટન સ્થળ તરીકે ખુલ્લો મુકવામાં આવેલ છે. મહેલના નામ મુજબ ખરેખર આ અરીસાઓનો મહેલ છે.
આયના મહેલમાં મનોરમ્ય ફુવારા, કાચના ઝુમ્મરો, અરીસાથી મઢેલ દિવાલો, હાથીદાંતના નકશીકામથી જડેલ દરવાજા અને અનેક પુરાણી વસ્તુઓ અહીં રાજાશાહી સમય નું દ્રશ્ય ખડું કરાવે છે. મહેલના દરબાર ખંડમાં સુવર્ણ પાયે ઢાળેલો મહારવ લખપતજીનો ઢોલિયો અને તેના પર હિરે જડિત તલવાર પણ મૂકવામાં આવેલ છે.
આયના મહેલ ની બહાર નીકળતાં જ ઐતિહાસિક પ્રાગમહેલ અને બુલંદ ટાવર જોવા મળે છે. પ્રાગમલજી બીજા એ ૧૮૬૫ થી ૧૮૭૯ ના સમય માં ઈટાલીથી ખાસ ઇજનેરો અને કારીગરોને બોલાવી બંધાવવામાં આવ્યો. અહીં ઝાકઝમાળ દરબાર હોલ રજવાડી ચીજોથી અલંકૃત છે.
મહેલ ની ઉપર ૪૫ મીટર ઊંચા બુલંદ કલોક ટાવરના વતૃળાકાર પગથિયાં ચડી ટોચ પર જઇ ભુજ શહેરનું દર્શન માણવા જેવું છે.
શહેરનો આ શાહી ઐતિહાસિક વારસો બેનમૂન કલાકારીગરીથી સુશોભીત છે, જેની મુલાકાત લેવી એક લ્હાવો છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.