ભુજ શહેરના હાથલારી વિક્રેતાઓને સંગઠિત થવા આહવાન્ !

Printer-friendly version

ભુજના હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન અને અર્બન સેતુ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ એગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ ૨૦૧૪ મુજબ આયોજિત કાર્યક્રમમાં હાથલારી વિક્રેતાઓને સંગઠિત બની જાગૃત થવા આહવાન કરાયું હતું. સંભવિત ભુજ શહેર શેરી ફેરિયા અધિકાર સંગઠનના સાંન્નિધ્યમાં યોજાયેલી કાર્યશાળામાં ભુજમાં વેપાર ધંધો કરીને સ્વરોજગાર મેળાવતા શેરી ફેરિયાઓ જેવા કે ખાણીપીણી, ચા-નાસ્તો, ફળ ફળાદી, શાકભાજી, કટલેરી, ફૂલઝાડ, ટાયર રીપેરિંગ, ઠંડાપીણા, પાથરણા પાથરીને જૂના કપડા વેચવાનો વેપાર કરનારના અધિકારો, રક્ષણ અને ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ભુજના સો જેટલા શેરી ફેરિયાઓની હાજરીમાં આયોજિત કાર્યશાળાના પ્રારંભમાં અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ફેરિયાઓને અનુરોધ કર્યો હતો. હુન્નરશાળાના ભાવના જૈમીનિએ સ્ટ્રીટ વેન્ડર એક્ટની જોગવાઇઓ વિશે સમજ આપી હતી. મહંમદ લાખાએ શેરી ફેરિયાઓના અધિકારો અને સંગઠનની વાત પર ભાર મુક્યો હતો. ભુજ નગરપાલિકાની એનયુએલએમ શાખાના કિશોરભાઇ શેખાએ ટાઉન વેન્ડિંગ કમીટિની જોગવાઇઓ અને નીતિનિયમો તેમજ ફાયદાઓ અંગે વાત મુકી હતી. જ્યારે હેડક્લાર્ક જયંત લીંબાચીયાએ સ્વચ્છ ભારત મિશન સંદર્ભે ફેરિયાઓને સ્વચ્છતા જાળવવા અપિલ કરી હતી. સેતુ અભિયાનના બોર્ડ મેમ્બર ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિકસતા ભુજને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વેન્ડિંગ ઝોનની જરુરિયાત, બાકી રહેલા વેન્ડર્સનો સરવે, નવી ટાઉન પ્લાનિંગ કમીટિની રચના, પ્લાસ્ટિક ઝબલાંના વપરાશ વગેરે બાબતો પર થયેલા પ્રશ્નોના પ્રત્યુત્તર નગરપાલિકાના પ્રતિનિધિઓએ આપ્યા હતા અને સહકારની ખાતરી પણ અપાઇ હતી.

સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીશ આચાર્ય, એચઆઇસી કોઓર્ડિનેટર અસીમ મિશ્રા, અર્બન કોઓર્ડિનેટર ભાવસિંહ ખેરના માર્ગદર્શન હેઠળ વિશાલ કડીયા, કરમણ મારવાડા, મયુર રાઠોડ, આશા મહેશ્વરીએ કાર્યક્રમની સફળતામાં સહયોગ આપ્યો હતો. સંચાલન અને આભાર વિધિ મહંમદ લાખાએ કરી હતી.

લેખક
vishram.vaghela's picture