“સમાજ, તંત્ર ઉઘાડે આંખ તો દીકરીઓ પર ન આવે આંચ" ભુજમાં મૌન રેલી !

Printer-friendly version

તાજેતરના સમયમાં કચ્છમાં સ્ત્રી પર થતી હિંસાના અનેક કિસ્સાઓ નોંધાઇ રહ્યા છે ત્યારે કચ્છમાં મહિલાઓના મુદ્દે કાર્યરત કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા, સંગઠનો તેમજ ભુજની સ્થાનિક સંસ્થાઓ દ્વારા મૌન રેલી યોજી મહિલાઓ પર વધતા જતા હિંસાના બનાવોને નાથવા તેમજ તંત્રને સાબદું કરવા આગેકુચ કરવામાં આવી.

“સમાજ, તંત્ર ઉઘાડે આંખ તો દીકરીઓ પર ન આવે આંચ" જેવાં અનેક સુત્રો સાથે ભુજમાં મહિલાઓના વિશાળ સમુદાયે રેલી સ્વરુપે સ્ત્રી હિંસા સામે વિરોધ દર્શાવી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ સૈંયરે જો સંગઠનના ભુજ, નખત્રાણા તેમજ મુન્દ્રા તાલુકામાંથી અનેક મહિલાઓ આ રેલીના સમર્થનમાં ઉતર્યા હતા. હમીરસર કાંઠે એકત્ર થયેલી બહેનોએ હિંસાના બનાવો ન થાય, તંત્ર સચોટ પગલાં લે અને ગુનેગારોને સત્વરે સજા મળે એ માટે અવાજ ઉઠાવ્યો ! કેએમવીએસના પ્રિતિબેન સોનીએ માહિતી આપતાં જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં કચ્છમાં ૯૩ બળાત્કાર અને છેડતીના કેસ નોંધાયા છે તેમજ 'હેલ્લો સખિ'માં ૨૦૯ કેસો નોંધાયા છે જે કચ્છમાં મહિલાઓની સુરક્ષા પર વિશાળ પ્રશ્નાર્થચિહ્ન ઉભો કરે છે. મહિલાઓ પરના આવા અત્યાચાર જરા પણ ક્ષમ્ય નથી અને ગુનેગારોને કડક સજા થવી જોઇએ એવી નેમ સાથે અનેક મહિલાઓ વિશાળ મૌન રેલીમાં જોડાઇ. અનેક પ્રકારના સુત્રો સાથે ભુજના જાહેર માર્ગો પર ફરી આ રેલી કલેક્ટર કચેરીમાં સભામાં ફેરવાઇ. જિલ્લા કલેક્ટરશ્રી અન્ય કામમાં વ્યસ્ત હોતાં પુરવઠા અધિકારી શ્રી વાળાને ૨૫ બહેનોએ આવેદનપત્ર પાઠવી કચ્છની મહિલાઓની સુરક્ષા માટે આહવાન કર્યું.

મહિલા સુરક્ષાના મુદ્દે આયોજિત રેલીમાં ભુજની સહજીવન, કચ્છ નવનિર્માણ અભિયાન, સેતુ અભિયાત, કસબ, ભુજ બોલે છે સહિત સંસ્થાના કાર્યકરો જોડાયા હતા.

લેખક
jayanjaria's picture