ભુજમાં ઓએસીસ દ્વારા "મિસાલ" અંતર્ગત સંવેદનશીલ નેતા તૈયાર કરવાની અનોખી પ્રક્રિયા

Printer-friendly version

દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા રહેલી છે તથા એ દેશની કીમતી મૂડી છે, તે આજની પેઢી ‘મારો જન્મ કૈક મહાન કાર્ય કરવા માટે થયો છે’ એવું સમજે, કાર્યલક્ષી અભિગમ ધરાવવા સાથે હિમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશીલ નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે “મિસાલ”. નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ વિચારતી અને એ દિશામાં કામ કરતી વડોદરાની ઓએસીસ સંસ્થા દ્વારા દેશભરમાં ચાલી રહેલ અનેક અભિયાનોમાં કચ્છમાં છેલ્લા એક વર્ષથી એક્ઝામ કી એસી તેસી અને રીઝલ્ટ કી એસી તેસી, હાકલ, ઓએસીસ જીવન શિબિરો જેવા અનેક અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે હાલે સમાજ ઉપયોગી તથા ભારતના ભાવિ નાગરિકોની  નેતૃત્વશક્તિને ઓળખવાનું તથા એ અંગે તાલીમ આપવાનું અભિયાન “મિસાલ” સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં ભુજ અને આદિપુર ખાતે યોજાયું હતું. જેમાં વિજેતા થનાર તથા ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાનો અને તેની ઉજવણીનો કાર્યક્રમ ભુજના સહયોગ હોલ ખાતે તા. ૦૫ ઓગસ્ટ ૨૦૧૮ રવિવારના રોજ યોજાઈ ગયો. ‘અન્યને માર્ગદર્શન આપવા પહેલા સ્વયં ઉદાહરણરૂપ બને’ એ હેતુથી યોજાયેલ આ સ્પર્ધાના અભિયાનમાં જોડાયેલા સહુ કિશોરો અને યુવાનોને મળેલી તકથી ખુબ ખુશ હતા. સ્વાનુભવો વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે ત્રણ તબક્કાઓમાંથી પસાર થયા પછી અને એમાંથી પસાર થતી વખતે અમને પણ ખબર નહોતી કે અમારામાં આટલી શક્તિ રહેલી છે. પોતે કરેલ કામ અંગે આશ્ચર્ય સાથે આત્મસંતોષની લાગણી વ્યક્ત કરતા યુવાઓએ જણાવ્યું કે અત્યાર સુધી અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધેલ પણ આ એક અનોખા પ્રકારની સ્પર્ધા કરતા સ્વને ઓળખવાની તક મળી કહેવાય. જે દ્વારા ખરેખર અમારું ઘડતર થયું છે. એક મિશન મળ્યું અને જીવનમાં ચોક્કસ ધ્યેય માટેનું નિશ્ચિત વિઝન મળ્યું છે.  કેટલાક બાળકોએ આત્મવિશ્વાસ સાથે પ્રથમ વખત સ્ટેજ પર સુંદર રજૂઆત કરી. તે માટે ઓએસીસ અને કાર્યકર્તાઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

મિસાલની ઉજવણીમાં ત્રણેય તબક્કાના નિર્ણાયકો, ભાગ લેનાર સહુ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક વિભાગના શિક્ષકો, આચાર્ય, રીટાયર્ડ શિક્ષકો, ઓફિસર્સ, પ્રોફેસર્સ, પીટીસી અને બી.એડ. કોલેજના વ્યાખ્યાતાઓ, મોટીવેશનલ સ્પીકર્સ, ડોક્ટર્સ, પત્રકાર, ધારાશાત્રી, સામાજિક કાર્યકર્તા, શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જીલ્લાના શિક્ષણ ખાતાના અધિકારીઓ સહીત અન્ય સામાજિક સંસ્થાઓના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી બાળકોને સાંભળી, તેમના વિશ્વાસના સ્તરને જોઈ ખુબ આનંદિત થયા હતા અને કહ્યું હતું કે કચ્છમાં આવી સ્પર્ધા પ્રથમ વખત થઇ છે ત્યારે આનંદ સાથે યુવાનોને સતત આવી તક પૂરી પાડતી પ્રવૃતિઓ ઓએસીસ કરતી રહે અને સદા સહુનો સાથ મળતો રહે તેવી ઈચ્છા દર્શાવી હતી. સહુએ દેશ માટે કૈક કરી છૂટવાની સંવેદનશીલતા બતાવી હતી.

ઉતમ નાગરિક નિર્માણ કરનાર આ વિશિષ્ટ અભિયાનના વિજેતાઓને પુરસ્કાર પણ વિશિષ્ટ આપવામાં આવ્યો હતો. જે તેમના જીવન ઘડતર માટે ઉત્તમ રહેશે. વિજેતાને મહાન બનવાની કેળવણી આપતો ઓએસીસ સંસ્થાનો કોર્સ, હિમાલય ટ્રેકિંગ શિબિર, જીવન વિકાસ માટેનું માર્ગદર્શન આપતી શિબિર ઇનામ તરીકે આપવામાં આવી તથા તમામ સહભાગીઓને ઓએસીસ તરફથી પ્રેરણાદાયી પુસ્તકો આપવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મિસાલ સહભાગીઓને જીવન બદલી નાખતા એવા બે કોર્સ ‘લાઈફ કેમ્પ’ અને ‘હાકલ શિબિર’ પણ સરપ્રાઈઝ ભેટ સ્વરૂપે અપાતા સહુમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. કચ્છમાં મિસાલ સ્પર્ધામાં હાઈસ્કૂલના ૪૫૪ બાળકો અને કોલેજ કક્ષાના ૩૮ યુવાનોએ ભાગ લીધો હતો જેમાં ભુજ, માધાપર, માનકુવા, કોટડા(ચકાર), લોડાઈ, બળદીયા, આદિપુર, ગાંધીધામ અને કચ્છ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ સામેલ હતા તે પૈકી હાઈસ્કુલના ૫૮ બાળકો અને કોલેજના ૧૦ યુવાનો વિજેતા થયા હતા. દરેક વિજેતાને ઓએસિસનો ચાર વર્ષનો કોર્સ કે જેમાં વાર્ષિક ૧૨ દિવસની શિબિર, જેનું આર્થિક મુલ્ય રૂ.૫૦,૦૦૦ થાય છે એ ઇનામ તરીકે આપવામાં આવી. તથા આ કાર્યશાળા ઓગષ્ટ ૨૦૧૮ થી શરુ થઇ જશે. અને એક વર્ષ બાદ તેમને હિમાલય ટ્રેકિંગ કેમ્પ જેનું આર્થિક મુલ્ય રૂ.૧૫,૦૦૦ છે એ આપવામાં આવશે. આ વિશિષ્ટ અભિવાદન કાર્યક્રમમાં શાળા કોલેજના ૩૫૦ થી વધારે બાળકો અને યુવાનો તથા ૪૦૦ થી વધારે મિસાલ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ વાલીઓ, શિક્ષકો, આચાર્યશ્રી તથા આમંત્રિતોએ હાજરી આપી બાળકો યુવાનોને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે આ કાર્યક્રમ બાળકોનો હોઈ પરંપરાગત ઔપચારિક કાર્યક્રમને બદલે બાળકોને જ મહત્વ આપવામાં આવ્યું હતું. મોટા ભાગનું સંચાલન બાળકો દ્વારા સ્વયં કરવામાં આવ્યું હતું. સામાન્યતઃ જોવા મળતા ફૂલહાર અને શાલોથી થતા સન્માનની ગેરહાજરીથી ઉપસ્થિતોને સુખદ આશ્ચર્ય થયું હતું. જે ખરેખર અનુસરવા યોગ્ય પહેલ છે તેવું હાજર રહેલ લોકોએ જણાવ્યું હતું. ઓએસીસના આગામી કાર્યક્રમોમાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થાઓ, શાળાઓએ ભુજ ખાતે સંસ્થાનો ૭૨૧૧૧૫૧૩૨૦ મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે


 

લેખક
jayanjaria's picture