ભુજમાં માહિતીમિત્ર દ્વારા સરકારી સામાજિક યોજનાઓ પર કાર્યશાળા યોજાઇ

Printer-friendly version

સરકાર અને વંચિત નાગરિકો વચ્ચે સંકલનની ભુમિકા ભજવનાર સેતુ અભિયાનના માહિતીમિત્ર વિભાગ દ્રારા વિવિધ સરકારી વિભાગોની સામાજિક સહાયની યોજનાઓ વિશે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ભુજના વિવિધ વિસ્તારોના નાગરિકોની બહોળી હાજરીમાં સરકારી અધિકારીઓએ માહિતી પુરી પાડી ચર્ચા કરી હતી.

અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ શાબ્દિક આવકાર આપી કાર્યશાળાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ઉપસ્થિતોના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ કાર્યશાળાના અધ્યક્ષા નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ આ કાર્યશાળા શહેરના અનેક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું જણાવતાં આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાંધકામ શ્રમિક વિભાગના હિમેશભાઇએ બાંધકામ સાથે જોડાયેલા કડીયા, કલર કામદારો, સેન્ટ્રિંગ કામદારો સહિત વિવિધ કાર્યોમાં જોડાયેલા આ યોજનામાં લાભાર્થી બની શકે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે અકસ્માત, મૃત્યુ સહાય, તાલીમો તેમજ કુલ્લ ૨૬ પ્રકારની યોજનાઓ, તેના લાભો, લાભ લેવા માટે જરુરી આધારો વિશે વિસ્તૃત સમજ આપી. સમાજ કલ્યાણ વિભાગના નિલેશભાઇ તથા શિલ્પાબેને અનિસુચિત જાતિ માટેની આંબેડકર આવાસ યોજનાની માહિતી આપી હતી જેમાં ૧ લાખ ૨૦ હજાર સુધીની સહાય મળે છે તેમજ તેમણે મરણોત્તર સહાયની યોજના પણ સમજાવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા વિભાગના પદ્માબેન શ્રીમાળીએ બાળ કલ્યાણની યોજનાઓ વિશે માહિતી આપતાં અનાથ બાળકો, સીંગલ પેરેંટ બાળકો માટે પાલક યોજના તેમજ યુડીઆઇ કાર્ડ વિશે વિસ્તૃત પુરી પાડી હતી. તેમજ તેમણે કચ્છમાં ૨૨૦ જેટલા બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તેવું જણાવ્યું હતું. ભુજ નગરપાલિકામાં એનયુએલએમ (રાષ્ટ્રિય શહેરી આજીવિકા મિશન)નો વિભાગ સંભાળતા કિશોરભાઇએ ૨૬૨ નગરપાલિકા અને ૮ મહા નગરપાલિકામાં આ યોજના અમલીકૃત હોવાનું જણાવ્યું હતું. તેમણે શહેરી ફેરિયા, ઘરવિહોણા માટે આશ્રય સ્થાન, સામાજિક ગતિશીલતા, સંસ્થાકિય વિકાસ, સ્વરોજગાર, કૌશલ્ય તાલીમો જેવી વિવિધ યોજનાઓની બહોળી સમજ આપી હતી તેમજ નાગરિકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. માહિતીમિત્ર સંભાળતા અર્બન સેતુના મયુર રાઠોડે માહિતી મિત્રના ઉપયોગ અને તેના લાભો વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. કાર્યશાળામાં વોર્ડ નં. ૨ના કાઉન્સીલર કાસમભાઇ, એચઆઇસી સંસ્થાના કાર્યકરો તેમજ વિવિધ કાર્યક્ષેત્રોના કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

સેતુટીમના ભાવસિંહ ખેર, મામદ લાખા, આશા મહેશ્વરી, સીટિ ફેલો હાર્દિકભાઇ, વિશાલભાઇ, ગીતાબેન, પ્રતીકભાઇ સહિત કાર્યકરોએ કાર્યશાળાને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

લેખક
jayanjaria's picture