તંત્ર અને સંસ્થાના પ્રયાસે ઓરિસ્સાવાસીનું પરિવાર સાથે મિલન !

Printer-friendly version

છેલ્લા સાત મહિનાથી ભાષાના અભાવે કચ્છમાં ભટકી રહેલા એક ઓરિસ્સાવાસીને તંત્ર અને સંસ્થાઓના સહિયારા પ્રયાસ દ્વારા તેના પરિવાર સાથે મળાવવામાં સફળતા સાંપડી છે.

મુળ ઓરિસ્સાના વતની બાલાભાઇ શાન્તા કેરળ ખાતે મજુરી કરતા હતા. મજુરીકામ ન ફાવતાં બાલાભાઇ તેના વતન જવા ટ્રેનમાં બેઠા પણ તેનું અજ્ઞાન તેને કચ્છ લઇ આવ્યું. ઉરીયા સિવાય કોઇ પણ ભાષા ન આવડતી હોતાં બાલાને ફરજિયાત એક ભિખારીનું જીવન જીવવું પડ્યું. ફરતે ફરતે બાલા નારાયણ સરોવર પહોંચતાં બીએસએફે તેને અટકમાં લઇ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને સોંપ્યો. પોલીસ સ્ટેશનના સ્ટાફે દુભાષીયાની મદદથી તેની વિગત લઇ ઓરિસ્સા પોલીસ અને તેના પરિવારને જાણ કરી. જરુર જણાતાં બાલાને દયાપર કોર્ટના હુકમ અનુસાર ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો. બાલાના પુત્ર મુના શાન્તાને ત્યાંની સંસ્થા 'એઇડ એટ એક્શન'નો સહકાર મળ્યો અને સંસ્થાના દયાસાગરભાઇ પ્રધાન સાથે એ ભુજ પહોંચ્યો. ભુજની સેતુ અભિયાન સંસ્થાને અમદાવાદની આજીવિકા સંસ્થા તરફથી બાલા વિશે માહિતી આપવામાં આવી હતી એ આધારે સેતુટીમે સ્થાનિક સ્તરે ચક્રો ગતિમાન કર્યા.

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના દામજીભાઇ અને અન્ય સ્ટાફનો પુરતો સહકાર મળતાં કાયદાકીય કામગીરી પુર્ણ કરી દયાપર કોર્ટમાં એડવોકેટ શ્રી ગઢવીભાઇની મદદથી બાલાને તેના પુત્ર મુનાને સોંપવા અરજી કરવામાં આવી. કોર્ટના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબે ન્યાયના હિતમાં ચુકાદો સંભળાવી બાલાને તેના વતનમાં સારવાર કરાવવાની શરતે તેના પુત્ર મુનાને સોંપવાનો હુકમ કર્યો. હુકમ અનુસાર માનસિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.ટીલવાણીસાહેબે જરુરી સુચનો સાથે બાલાનો કબ્જો તેના પુત્રને સોંપ્યો હતો.

ન્યાય તંત્ર, સામાજિક સંસ્થા અને આરોગ્ય કેન્દ્રનો પુરતો સહકાર મળતાં સાત મહિનાથી ભટકતું જીવન ગાળતા બાલાભાઇ શાન્તા આજે તેના પરિવાર પાસે પહોંચી ગયા છે.

લેખક
jayanjaria's picture