સાત સૈકા જૂની જન્નત મસ્જિદ

કોઈ પણ શહેર કે ગામડાના અસ્તિત્વની શરૂઆત થઈ રહી હોય અને તે સમયના લોકોએ પોતાના રક્ષણ માટે બંધાવેલા કિલ્લા, તળાવ, મંદિર, મસ્જિદ કે ગુફાઓનું વર્તમાન સમય સુધી હયાત હોવું, સચવાઈ રહેવું તે એક મોટી વાત છે. તેની હિફાઝત કરી તેના સ્વરૂપને ટકાવી રાખવું તે શહેરના લોકો માટે ગૌરવ લેવા જેવું છે. વર્ષોથી નહીં પણ સદીઓથી કોઈ એક કોમ હિન્દુ હોય, મુસ્લીમ હોય કે અન્ય કોઈપણ કોમ હોય જે તેમના પૂર્વજોના સમયથી અત્યાર સુધી એ જ સ્થળે માથું ટકાવતી આવતી હોય એ પણ એક કરિશ્મા જ છે.

અહીં ઉલ્લેખ ભુજ સ્થિત મસ્જિદોનો કરવો છે. કેટલીક મસ્જિદોમાં ક્યાક ખૂણે - ખાંચરે અથવા દીવાલો પર તેના નિર્માણ ની તારીખો, સાલ તકતીઓ પર અથવા મહેરાબો પર કોતરવામાં આવી છે. તકતીઓની ભાષા અરબી, ફારસી કે ઉર્દુ હોય છે. અહી ભુજની ઐતિહાસિક મસ્જિદ જન્નત મસ્જિદનો ઉલ્લેખ કરવો છે. આ મસ્જિદ મહાદેવ નાકાથી પાળેશ્વર ચોક તરફ જતાં ઉપલીપાળના રસ્તા પર છે. હાટકેશ્વર મંદિરની બાજુમાં અત્યારે મસ્જિદના આગળના ભાગમાં રસ્તા પર દુકાનો બની જતાં મસ્જિદ દેખાતી નથી, જે કેટલાક વર્ષો પહેલા જોઈ શકાતી હતી.

એમ કહેવાય છે કે, ભુજમાં આવેલી મસ્જિદોમાં આ મસ્જિદ જૂનામાં જૂની છે. કદાચ પ્રથમ મસ્જિદ હતી. તેનું નિર્માણ - બાંધકામ હી. સ. ૭૦૮ માં થયેલ છે. અત્યારે હી. સ. ૧૪૩૫ ચાલે છે. એટલે ૭૨૭ વર્ષ જૂની છે. તેના નિર્માણ સાલ હી. સ ૭૦૮ તેની મહેરાબના પથ્થર પર કોતરાયેલી છે. જે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ મસ્જિદની કેટલીક વિશેષતાઓ છે. અત્યારે પણ જોઈ શકાય છે.
અત્યારે ઉપલીપાળનો જે રસ્તો છે તેની લેવલથી આ મસ્જિદ આશરે દસ - અગિયાર ફિટ નીચે બાંધવામાં આવેલી છે. હમીરસર તળાવની અંદરનો ગઢ જે મહાદેવના નાકાથી પાટવાડીના નાકા સુધી બાંધવામાં આવેલ છે. તે ગઢની દીવાલથી પણ મસ્જિદ નો અમુક ભાગ બહાર દેખાય છે. જે બતાવે છે કે, પહેલા મસ્જિદ બંધાઈ અને ગઢ પછીથી બાંધવામાં આવેલ છે. મસ્જિદની ખાસ ધ્યાનાકર્ષક વિશેષતા તેની કચ્છી કામ - રાઈ પથ્થરની બાંધણી. મસ્જિદ બહુ નાની છે. ૨૪X૨૪ જેટલી લંબાઈ – પહોળાઈ હશે. ઉત્તર – દક્ષિણ દીવાલો વચ્ચે પશ્ચિમ દિશાએ કાબા શરિફ તરફ મહેરાબ છે.  જેને અરેબિક ભાષામાં કિલ્લો કહેવામાં આવે છે. મુસ્લિમો હમેશાં મક્કા શહેરમાં આવેલા કાબા શરિફ તરફ મુખ રાખી નમાઝ અદા કરે છે. મહેરાબ એ જગ્યા છે જ્યાં ઇમામ ઊભા રહી નમાઝ પઢાવે છે.  મહેરાબના જે સ્તભ છે તથા કમાન છે તેની ઉતર કોતરણી કરવામાં આવી છે. તથા મસ્જિદના નિર્માણની હી. સ. ૭૦૮ પણ તેના પર કોતરાયેલી છે. તેની અંદરના ભાગમાં લીલા કલરના આરસ મઢવામાં આવ્યા છે. જેના પર અર્થસૂચક એરો - તીર જેવી નિશાનીઑ બતાવેલ છે. અને મહેરાબની ઉપરના ભાગમાં ત્રણ વર્તુળાકાર પથ્થરો પર કુરાન શરિફની અલગ - અલગ આયતો કોતરવામાં આવી છે. તેમના એક આયત ન. ૯૫ સુરી આલે ઇમરાન છે. મસ્જિદના કમ્પાઉન્ડમાં એક કૂવો તથા કેટલીક કબરો છે. જે કદાચ મસ્જિદ બનાવનારાઓની હોય છે. ૨૦૦૧ના ભૂકપમાં મસ્જિદ ના ગુબજને નુકશાન થયું તેની જગ્યાએ અત્યારે પથ્થરોનો રૂફ બેસાડવામાં આવેલો છે. પણ મસ્જિદની દીવાલો મહેરાબ, તેની ઉપર કોતરેલી કુરાનની આયતોને જરા સરખું પણ નુકશાન થયું નથી.  ભુજમાં ૭૨૭ વર્ષ દરમ્યાન કઈક વાવાઝોડાં, વરસાદ, ભૂકંપ જેવી કુદરતી આફતો આવી હશે છતાં મસ્જિદનું માળખું - સ્ટ્રક્ચર તેના અસલ સ્વરૂપમાં જળવાઈ રહ્યું છે. ભૂકંપ બાદ કોટ વિસ્તારની બહાર જ્યાં મુસ્લિમ વસ્તી રહે છે ત્યાં ઘણી નવી મસ્જિદો બની છે, જરૂરી પણ છે. છતાં કોટ વિસ્તારમાં આવેલી જે જૂની મસ્જિદો અને દરગાહ ક્ષતિગ્રસ્ત થઈ છે. તેમનું રિપેરિંગ કામ થવું પણ એટલું જ જરૂરી છે. જે ઈસ્લામિક સંસ્કૃતિ અને ભુજ શહેર માટે હેરિટેજ - વારસા સમાન છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!