કોલી સમુદાય

રિવાજોને જીવંત રાખનાર કોલી સમાજનો ઇતિહાસ...

“અડ્ધો રોટલો પણ મહેનતનો ખાવો" આ વાક્યને ચરિતાર્થ કરનારા એક સમુદાયની મુલાકાત થઇ ! સમાજમાં ખાસ સ્થાન ન ધરાવનાર એક એવો સમુદાય જે શહેરના છેડે વસીને, નાનીસુની મજુરી કરીને ભુજની "નગર રચના"માં પોતાનો ફાળો આપી રહી છે. નાનો પણ ઉચ્ચ સવર્ણ સમાજને પણ શરમાવે એવા ચુસ્ત રિત રિવાજોને સાચવી રાખનાર કોલી સમાજની એક મુલાકાત જ તેમના આજ પર્યંતના જીવનની ઝાંખી કરાવવા પર્યાપ્ત છે.

પ્રથમ પરિચય :

રોજી-રોટી માટે છેક વાગડ કે માંડવીથી દરરોજ સાઇકલથી આવ-જા કરી, ભુજમાં બારદાન એટલે કે કોથળા સીવવાનું કામ કરતા આ કોલી સમાજના લોકોએ આજે પણ તેમનો આ વ્યવસાય ટકાવી રાખ્યો છે. એક દિવસના રોજનું મહેનતાણું મળે માત્ર રોકડા રુપિયા ત્રણ ! તેમ છતાં આ સમુદાયના યુવાનો તેમના પરિવારને પોષવા માટે છેક ભુજ સુધી આવતા. પણ રોજની આ અવર-જવર થકવી દેનારી બનતી ચાલી અને એ કારણભુત બન્યું આ સમુદાયના ભુજમાં આવવાનું ! દરરોજ ૭થી ૮ અલગ અલગ પરિવારના ભાઇઓ જે સાઇકલથી ભુજ આવતા તેઓ સ્થળાંતર કરીને ભુજ આવ્યા અને તેમાંથી માત્ર ૫ ભાઇઓના પરિવાર ભુજમાં સ્થાઇ થયા.

dsc_0843.jpg

કોલી સમાજમાં માતાજીના "ભોપા"નું માનવંતુ સ્થાન પામનારા લખધીરભાઇએ આ "સ્થળાંતર" પાછળનું કારણ જણાવતાં સાથે સમાજના વડિલો પોતીકિ જમીન ધરાવતા હોવાનું કહ્યું પણ કચ્છ અને વરસાદને ક્યાં સારા સબંધ છે ?! પાક વિહોણી જમીનો ધીરે ધીરે કાં તો વેંચી નાખી અને કાં તો બીજાને ભાગીદારીમાં આપવી પડી. અને અંતે એક સમયે પોતાની જમીનના માલિકો નાછૂટકે મજુરી તરફ વળ્યા. માત્ર મજુરી જ શા માટે તેનો ઉત્તર પણ આ વડિલે નિખાલસતાથી કબુલી સમાજમાં ભણતર ના બરાબર હોવાનું જણાવ્યું.

આજીવિકા :

કોથળા સીવવાનો મજુરી સાથેનો સબંધ ધીરે ધીરે બદલાયો અને કોલી લોકોએ આ વ્યવસાયને માલિકીનો બનાવી લીધો. અલબત્ત હજી કેટલાક "નબળા" લોકો મજુરીમાં જ જોડાયેલા છે. અને હા, પેલાં જે રોજનું મહેનતાણું ત્રણ રુપિયા હતું એ હવે ત્રણ સો સુધી પહોંચ્યું છે. અલબત્ત મોંઘવારીની સરખામણીમાં પહેલાં જેટલું જ ગણાય ! વ્યવસાયના ધોરણે ભુજ આવ્યા પહેલેથી લોહાણા સમાજ સાથેના સબંધો આ સમુદાયે આજે પણ જાળવી રાખ્યા છે. અને સમાન રીતે લોહાણા અને વાણીયા સમાજ તરફથી પણ તેમને માન આપવામાં આવે છે.

img_5474.jpg

સામાજિક વ્યવસ્થા :

કોલી સમાજ તરીકે ઓળખાતા આ સમાજમાં "ઠાકેડા", “પારકરા"અને "કચ્છી મેટા" આ મુખ્ય ત્રણ નુખ છે તેમજ કેટલીક પેટા અટકો છે. ભુજમાં વસ્યા પહેલાં જ્યારે આ સમુદાય વાગડ કે માંડવી હતા ત્યારે તેમના સમાજની નાત એટલે કે પાટોત્સવ થતો પણ જ્યારથી તેઓ રોજગારી અર્થે સ્થળાંતરીત થયા ત્યારથી તેમના સામાજિક સબંધો પર અસર જોવા મળી છે. ભુજમાં આશાપુરાનગર, પાંજરાપોળ, રામનગરી, ગણેશનગર, ફુલપાટીયા સહિતના વિસ્તારોમાં આ સમાજના લોકોનો વસવાટ છે. ભુજમાં જ વસતા હોવા છતાં આખો સમાજ એકઠો થઇ શકતો નથી. લગ્ન કે પારીવારિક પ્રસંગે જ કેટલાક વિસ્તારના લોકો ભેગા થાય છે. ખાસ કરીને નવરાત્રિની આઠમે સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે. પણ અમુક પરિવારોના સબંધીઓ પાકિસ્તાનના કરાંચીમાં હજુ પણ છે અને કચ્છથી તેમની સાથે પત્રવ્યવહાર ચાલે છે!

dsc_0861.jpg

વેશભુષા :

રહેણી કરણી અને વેશભુષાની બાબતે આ સમાજ સાદો છે પણ રિવાજો કંઇક અનોખા જ છે. લગ્ન સમયે દીકરાવાળા પક્ષે દીકરી પક્ષને ઘરેણા કરવાં પડે છે અને રોકડ રકમ પણ આપવાની હોય છે ! અરે હા, ઘરમા આવક જે થતી હોય એ પણ સોના-ચાંદીના ઘરેણા માટે આ સમાજ બચત કરી લે છે !

dsc_0857.jpg

રામરામી, કડલા કાંબી, ચુડલા, વાડલો સહિતના દાગીનાઓ પા કિલો થી એક કિલો વજનના હોય છે. પહેરવેશની વાત કરીએ તો આજની ૪ મહિલાઓના કપડાં તૈયાર થઇ જાય એવાં સાત-સાત મીટરના ઘાઘરા, કાપડો અને કાળા રંગનો ઓઢણો આ સમાજની સ્ત્રીઓ પહેરતી. એવી જ રીતે પુરુષો પણ નીચે થી કસોકસ અને ઉપરથી ખુબ જ મોટી ઘેરવાળી "ચાપણી" અને જભો-કોટી જેવાં પહેરણ પહેરતા. આ ઉપરાંત આ સમાજની મહિલાઓ હાથ પર વિવિધ પ્રકારની આક્રુતિઓ ત્રોફાવે છે જેને તેઓ "ત્રાજવા" કહે છે. જ્યારે આ પરિવારો વાગડમાં વસતા ત્યારે તેઓ પોતાના હાથે સોઇ થી પોતાના હાથ પર આવા ત્રાજવાની આક્રુતિઓ બનાવતા. આજે પણ કેટલીલ મહિલાઓના હાથ પર આવાં ત્રાજવા કે છુંદણા જોઇ શકાય છે.

img_5509.jpg

સંસ્ક્રુતિ :

રિવાજોની વાત છે તો એમનો એક અનોખો રિવાજ એવો છે કે જ્યારે કોઇ પુરુષની પત્ની અવસાન પામે ત્યારે જો તે પુરુષને બીજા લગ્ન કરવા હોય તો તે પત્નીની સ્મશાનયાત્રામાં ન જાય અને જો જાય તો સમાજમાં માની લેવામાં આવે કે એ વ્યક્તિ બીજા લગ્ન કરવા ઇચ્છુક નથી ! જ્યારે કોઇ સ્ત્રી વિધવા થાય તો એ ક્યારેય બીજા ફેરા ન લઇ શકે પણ સમાજ તેને કોઇ વિધુર સાથે સંસાર માંડી આપી સામાજિક જવાબદારી નિભાવે છે. તેમના સમાજની એક અન્ય ખાસિયત એ રહી છે કે કોલી સમાજમાં આજ સુધી કોઇ પણ વ્યક્તિએ પર નાતમાં લગ્ન કરેલ નથી. તેમજ નવ નાતરાં એટ્લે કે નવ સબંધ જોયા પછી જ સમાજમાં લગ્ન થાય ! કોઇ કિસ્સામાં જો કોઇ પર નાતમાં લગ્ન કરે તો તે નાતબાર કરી દેવામાં આવે !

સંગીત :

માતાજીના આરાધક એવા આ સમાજનાં સંગીતમાં પણ માતાજીની આરાધના, સ્તુતી, પ્રાચીન ગરબા અને ભાવગીતનો સમાવેશ થાય છે. ભુજના આશાપુરાનગરમાં એક પરિવારના ચાર ભાઇઓએ સંગીતને જીવંત રાખવાની જવાબદારી ઉઠાવી હતી જેમાંથી એક જ ભાઇ દિલીપભાઇ ભુરાભાઇ કાસવીયા આજે પણ ગાયન વાદન સાથે સંકળાયેલા છે. તેમના સંગીતના વાજિંત્રોમાં ખાસ કરીને માતાજીની આરાધના માટે "ડાક" વગાડવામાં આવે છે તેમજ અન્ય વાજિંત્રોમાં મોટો ઢોલ, રામસાગર(એક તારો), મંજીરા, ઢોલક અને ઝાંઝ પખાજ હોય છે.

dsc_0884.jpg

શિક્ષણ :

શિક્ષણની દ્રષ્ટીએ જોઇએ તો તેમના કહેવા મુજબ આ સમાજમાં ભણતર નહિંવત રહ્યું છે. અહિં એક વાત ઉમેરીએ કે કેટલાક વર્ષો પહેલાં આ સમાજ બક્ષીપંચમાં હતો અને તેના લાભ મેળવતો. તે સમયમાં માત્ર ૮ ચોપડી પાસ પણ સરકારી નોકરી મેળવી લેતા હતા પણ અમુક કારણોસર આ સમાજને બક્ષીપંચમાંથી બાકાત કરવામાં આવતાં હવે તેમના સમાજમાં ૧૦ ધોરણ પાસ યુવાન પણ બેરોજગારીનો સામનો કરી અંતે મજુરી કરવાનું અપનાવી લે છે !

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!