સીદી સમુદાય

કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલા "સીદી"ઓનો રસપ્રદ ઇતિહાસ !
ભુજ શહેરની સ્થાપના થઇ ત્યારથી ભુજમાં વસતા અને રાજ દરબારમાં પોતાની ઇમાનદારીના કારણે સ્થાન પામેલા, કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલા "સીદી" સમાજનો ઇતિહાસ એ પ્રતિતિ કરાવે છે કે જાણે અજાણે હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમાજની કુરબાની કચ્છના ઇતિહાસમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે ! મહારાવ જેના પર બંધ આંખે વિશ્વાસ મુકતા એવા આ સમાજનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે.

પ્રથમ પરિચય :

મુળ દક્ષિણ આફ્રિકાના વતની એવા આ સીદીઓ પોતાની રીતે કચ્છમાં આવ્યા નથી. પરંતુ તેમના ઉંચા મોટા કદ અને દેખાવને કારણે તેઓ રાજ્યના રક્ષકો તરીકે ઉપયોગી બની શકે તે માટે કચ્છના મહારાવે દક્ષિણ આફ્રિકાથી વહાણમાર્ગે કેટલાક સીદીઓને કચ્છનાં સંરક્ષણ માટે બોલાવ્યા. જખૌ બંદર, અબડાસાના વિંઝાણ તેમજ વાગડ વિસ્તારમાં સૌ પ્રથમ સીદીઓ વસ્યા. કચ્છના વિવિધ વિસ્તારમાંથી આવ્યા હોવાને કારણે તેઓ ચોબારીવાલા, ફોજદાર, મકરાણાવાલા, વાગડવાલા જેવા નામે ઓળખાતા. એ સીદીઓમાંથી જે સક્ષમ હતા એ રાજમાં જોડાયા અને અન્ય રાજની સેનામાં જોડાયા. તેમજ જે પરિવારોને કચ્છની આબોહવા માફક ના આવી તેઓ સૌરાષ્ટ્ર જઇ વસ્યા. જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, તલાલા, ગીર, જાંબુર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં પરિવારો વસ્યા.

img_5178.jpg

આજીવિકા :

ભુજ નગર રચનામાં રક્ષક તરીકેનું યોગદાન આપનારા આ સમાજના લોકો સત્ય, માન અને વિશ્વાસ જેવાં મુલ્યોને કારણે મહારાવના દરબારમાં સેનાપતિ, ખજાનચી સહિત હોદ્દાઓ પર પણ રહી ચુક્યા છે ! એક માહિતિ મુજબ કચ્છ રાજના ખજાનચીના હાથમાં સંપુર્ણ રાજની તમામ મિલ્કતની જવાબદારી હતી પણ જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના ઘરમાં તેમના પરિવારનું ગુજરાન ચાલે એટલું ધાન પણ નહોતુ નિકળ્યું ! આટલી વિશ્વસનીયતા ધરાવતા સીદીઓને એક વાતનું દુ:ખ છે કે ૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવા છતાં આજે ઇતિહાસમાં તેમના સમાજનો ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી !

સામાજિક વ્યવસ્થા :

ભુજના સેજવાલા માતમ વિસ્તારમાં સીદીઓના ૧૫૦ જેટલા પરિવારો એક ફળિયામાં રહેતા. અને આ પરિવારોમાં ગજબની એકતા !!! કોઇ પણ સમયે સમાજની "હઝરત મુબારક" બાવા ગોરની  દરગાહમાંથી મુતવાસાહેબ "નાફિર" જે એક પ્રકારનો શંખ હોય છે તેનો નાદ કરે એટલે દરેક ઘરમાંથી કોઇ પણ સંજોગોમાં તરત જ બાવાના દરબારમાં હાજર થઇ જાય. આ વિસ્તારમાં આરબ, મુસ્લિમ તેમજ પઠાણ સમાજ સાથે સીદીઓએ ઘરોબો કેળવ્યો હતો. તેમજ તેમના કહેવા પ્રમાણે હિન્દુઓ સાથે રહેવાથી તેમનું શિક્ષણ ધોરણ સુધર્યું તેમજ તેમના પરિવારોમાં કન્યાશિક્ષણ પણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું. તેમના સમાજની એક દીકરીએ કર્ણાટક યુનિવર્સિટિમાં ગોલ્ડ મેડલ પણ હાંસલ કર્યું છે ! તેમ છતાં હજી પણ આ સમાજના યુવાનોને કચ્છમાં રોજગારીની તકો ન મળતી હોવાના અનુભવ રહેલા છે. સરકારી નોકરીમાં પણ જુજ પરિવારના સભ્યો પોતાની કાબેલીયતના આધારે નોકરી મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સામાજિક દ્રષ્ટિએ ભુજમાં રહેતા સીદીઓ કચ્છ-સૌરાષ્ટ્રમાં રોટી-બેટીનો વ્યવહાર ધરાવે છે. રિત-રિવાજોમાં કચ્છ અને  સૌરાષ્ટ્રમાં સમાનતા છે. ભરુચ જિલ્લા પાસે આવેલ રતનપુરમાં બાવાએ લીધેલી સમાધિના સ્થાનકે જુન-જુલાઇ માસમાં સમસ્ત સીદી સમાજ એકત્ર થાય છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીદી સમાજની રહેણી કરણી તેમજ તમામ સમાજ વ્યવસ્થા સમાન હોવા છતાં સૌરાષ્ટ્રના સીદીઓને સામાજિક પછાત વર્ગ તરીકે માન્યતા આપવામાં આવે છે જ્યારે કચ્છના સીદી સમાજને શૈક્ષણિક પછાત તરીકેની માન્યતા આપવામાં આવેલ છે જેથી તેઓ સરકારી લાભોથી વંચિત રહેતા હોવાની લાગણી જોવા મળે છે.

સંસ્ક્રુતિ :

૨૦૦૧માં આવેલા ભૂકંપ બાદ અને વધતા જતા વંશ વેલાના કારણે ધીરે ધીરે આ સમાજના લોકો ભુજના વિવિધ વિસ્તારોમાં રહેવા લાગ્યા. હાલમાં કચ્છી ભાષા બોલતા આ સમાજની મુળ ભાષા "સ્વાલી" ભાષા છે. તેમજ આ સ્વાલી ભાષા કોઇને શીખવી શકાતી નથી પણ એ વારસામાં આવે તો જ નવી પેઢી બોલી શકે છે ! અને હા, જ્યારે પણ તેઓ ધાર્મિક આવેશમાં હોય છે ત્યારે માત્ર સ્વાલી ભાષામાં જ બોલતા હોય છે. તેમનાં સંગીતમાં રહેલી ૬૦ થી પણ વધારે જીકરો "સ્વાલી" ભાષામાં આજે પણ ગવાય છે જેમાં વડીલો, યુવાનો તેમજ બહેનો પણ જોડાય છે અને એક સારો કોરસ જામે છે.

સંગીત :

સંગીતની વાત આવે ત્યારે સીદી સમાજ સાથે તરત જ "સીદી ધમાલ" આંખ સામે આવી જાય. રણોત્સવ, કચ્છ ઉત્સવ જેવા આયોજનોમાં આપણે સૌ આ સીદી ધમાલ જોતા હોઇએ છીએ તેનો પણ જાણવા જેવો ઇતિહાસ છે. સીદીઓ સ્ટેજ પ્રોગ્રામ, ઘરના પ્રસંગો પર તેમજ દરગાહમાં એમ ત્રણ પ્રકારે "ધમાલ" કરતા હોય છે. અને હા, ધમાલ કરવી એટલે બધા ભેગા થયા અને કરો શરુ એમ નથી ! ધમાલ પહેલાં સૌને આહવાન કરવામાં આવે છે અને વિધિવત "સીદી ધમાલ" ખેલાય છે. એક હકિકત પ્રમાણે જો કોઇ વ્યક્તિ ધમાલમાં પગરખાં પહેરેલ હોય તો ધમાલ જામતી નથી, તે વ્યક્તિ પગરખાં કાઢે, બાવા ગોર સમક્ષ માફી માગે પછી જ "ધમાલ" જામે ! આ સીદી ધમાલની જમાવટ માટે ઉપયોગમાં લેવાતું સંગીતનું વાદ્ય "સહેલાની" તરીકે ઓળખાય છે જે "મુગરનુમા" એટલે કે ચાર પગાવાળો ઢોલ હોય છે. આ ઢોલને તપાવવાથી તેનો અસ્સલ ધબકાર નીકળે છે જે ધમાલ કરતા લોકોને ધાર્મિક આવેશ પુરો પાળે છે. આ "સહેલાની" સાથે લાલ કપડામાં ગુંથાયેલ ગુગરા જેવું વાદ્ય "માઇમિશ્રા" અને મસ્તકલંદર જેવો નાદ ઉત્પન્ન કરતું વાદ્ય "સીદી મલુંગા" સોનામાં સુગંધ ઉમેરે છે અને સાથે ઢોલ (મુસીંગા)નો ઉપયોગ પણ થાય છે! તેનો નાદ હ્રદયના ધબકારા વધારી દે તેવો હોય છે.

img_5138.jpg

બાવા ગોરી દરગાહ ઉપરાંત સીદીઓ ની અન્ય બે દરગાહ પણ ભુજમાં આવેલ છે. બાવાગોરીની આ દરગાહમાં માત્ર સીદીઓ પણ નહિં પરંતુ હિન્દુઓ પણ માથું ટેકવે છે. અને તેનું જીવંત ઉદાહરણ સ્વરુપે મળેલી માહિતિ મુજબ ભુકંપ બાદ આ જમાતખાનાના રીપેરીંગનો ૮૦ ટકા ખર્ચ મહાજનોએ આપેલ છે. કેટલાક પખાલી પરિવારો આજે પણ આ દરગાહે નમવા આવે છે તેમજ શુભ પ્રસંગોની શરુઆત પણ અહિંથી જ કરે છે. ન્યાઝો કરાવે છે અને મન્નત પણ માને છે.

img_5158.jpg  img_5139.jpg


આ અંગેની રજુઆત ગુજરાત સરકાર સમક્ષ પણ કરવામાં આવેલ છે. સારો અભ્યાસ, દરેક કામની કલા વગેરેને સ્થાન આપવા, પ્રસિધ્ધિ આપવા નાણાકિય આયોજનો ન થવાના કારણે સમાજનો વિકાસ થઇ શકતો નથી. હાલે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધુ જણાય છે ત્યારે મધ્યમ વર્ગના પરિવારો એ વાતને સ્વીકારે છે કે એકટક 'રોજો' રાખીને બાળકોને અભ્યાસ કરાવવો જોઇએ, જેમાં દિકરીઓનું પ્રમાણ વધારે છે. સામાજિક પછાત વર્ગમાં રાખવા સીદીઓની કોઇ નવી માગણી નથી પણ ફક્ત કચ્છ જિલ્લાના સીદીઓને જ તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો સામાજિક પછાતના લાભ કચ્છના સીદીઓને મળે તો અન્ય સમાજ સાથે દરેક રીતે સમાનતા મેળવી શકે. ટુંકમાં જો આ સમાજને સૌરાષ્ટ્રના સમાજની જેમ સામાજિક પછાતમાં સમાવવામાં આવે તો તેઓ પણ અન્ય સમાજની જેમ સ્વમાનભેર જીવી શકે અને સમાજની અસ્મિતા ટકી શકે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!