ભુજનો રળિયામણો રામકુંડ

ચૈત્ર સુદ નવમી શ્રી રામચંદ્વ પ્રભુજીની જન્મજયંતિ...

આ અવસર ધામધૂમથી ઉજવાય છે. વર્ષોની એ પ્રણાલી ચાલુ છે. સત્યનારાયણ મંદિરની બાજુમાં અત્યારે રામ દરબાર છે. એ રામ દરબાર મંદિર અને તેની જમણી બાજુ એક સાંકડો રસ્તો ભુજના ઐતિહાસિક પ્રાચીન સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમુનારૂપ રામકુંડ તરફ જાય છે. આ રામકુંડ ભુજના પ્રાચીન અને કલાત્મક સ્થાપત્ય ઉપરાંત એક પવિત્ર તીર્થ છે.


રામકુંડ એ ભુજના અતિ મહત્વના મહાદેવનાકા બહાર પવિત્ર અને શહેરની શોભા સમા હમીરસર સરોવરના અગ્ની ખૂણાથી દક્ષિણ બાજુ હમીરસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પછી આવેલું એક વિરાટ કલાત્મક સ્થાપત્ય છે. એ એક પ્રકારનો જળસ્રોત છે અને ૩૦૦ વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. આ રામકુંડના ઉપરની ઇશાને પાળી પર શ્રી કંઠેશ્વર મહાદેવનું મંદિર છે. જેની સ્થાપના મહારાવશ્રી પ્રાગમલજીની વારીમાં સાચોરા બ્રાહ્મણ જોષી ગંગાધરન કચરા કચરાણીએ સંવત ૧૯૩૧ માગસર સુદ ૨ ને ગુરુવારે થયાની નોંધ આ મંદિરની પીઠમાં લાગેલી તકતીમાં જોવા મળે છે. શ્રી દીલસુખરાય અંતાણીએ ભુજ દર્શનમાં રામકુંડની સામે આ સંવત દર્શાવેલી છે જે આ મંદિરની સ્થાપના વિશે હોવાનું જણાય છે, રામકુંડ તેથી ઘણો પ્રાચીન છે.

img_5824.jpg

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનાં પુરૂષોત્તમ લીલામૃત સુખસાગર નામના સ.ગુ.મહંત શ્રી અચ્યુતદાસજી સ્વામીકૃત ગ્રંથમાં પા.નં. ૭૭૭ ઉપર શ્રી સહજાનંદ સ્વામીએ સંતો અને હરિભકતોની સાથે આ પ્રાચીન પવિત્ર તીર્થમાં સ્નાન કરેલું હતું એવું દર્શાવવામાં આવેલુ. છે. વિ.સં. ૧૮૬૧ ની આ ઘટના આધારભૂત બની રહે છે. સ.ગુ.મહંતશ્રી ધર્મજીવન દાસજી પ્રેરિત ચારધામ યાત્રા નામના ગ્રંથમાં શ્રી સહજાનંદ સ્વામી સંતો અને હરિભકતો સાથે આ પ્રાચીન પવિત્ર તીર્થના સ્નાન કરતાં અને તેનો મહિમા સૌને કહ્યો હતો. એ ઘટના ૨૦૦ થી ૨૫૦ વર્ષ પૂર્વેની હોઇ અને ત્યારે પણ એ પ્રાચીન પવિત્ર કહ્યો હોય તો એને ૩૦૦ વર્ષથી વધુ સમયનો માનવાને પુરતો આધાર ગણાય.

કંઠેશ્વરની તકતીમાં મહારાવશ્રી પ્રાગમલજીનાં સમયની નોંધ છે. મહારાવશ્રી પ્રાગમલજી સુંદર કલાત્મક બાંધકામોનાં શોખીન હતાં અને તેમના સમયમાં કાચા પથ્થરમાંથી ભુકરીયા પાણા કોતરી બનાવેલા જુનાં કૂંડને કલાત્મક રીતે સજાવવા આંધૌના લાલ પથ્થરથી મઢાવી જીર્ણોદ્વાર કરાવી તેમાં સુંદર ભૂમિતીકારક પગથીયાની ગોઠવણી અને વચ્ચેના ભાગમાં ૧૯-૧૯ પ્રતિમાઓ કોતરાવી રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગોને લગતી કોતરણી અને તેને હારમાં બન્ને બાજુ ફૂલ, બુટા અને કુંડીઓમાં કલાત્મક છોડની કોતરણીથી સજાની એક નમુનેદાર સ્થાપત્ય નિર્માણ કરાવ્યું જણાય છે.

દક્ષિણ

img_5846.jpg

પશ્ચિમ

img_5848.jpg

પૂર્વ

img_5849.jpg
ઉત્તર

img_5850.jpg

રામકુંડની ચારે બાજુ દિવાલોમાં દિવાઓ મુકવા માટે સુંદર કલાત્મક ગોખલાઓ ઘડેલા છે. જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતાં આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઉઠે અને શોભી ઉઠે.
 

ટોચના સ્તરના મધ્યમ સ્તર તળિયે સ્તર
img_5831.jpg img_5832.jpg img_5833.jpg


રામકુંડનાં મથાળે ૫૬"¢૫૬" ની સળંગ ત્રણેક ફૂટ પહોળી પ્રદક્ષિણા માટેની પાળ છે અને આમ ઉપરનો ઘેરાવો ૩૧૩૬ ચો.ફૂટ છે. ચારે બાજુથી ઉપરથી નીચે તરફ ઉતરવાના ત્રણ સ્તરમાં પગથીયાઓ રમણાની બન્ને બાજુ ૧૬ થી ૧૭ પગથીયાઓ છે. આમ ત્રણ માળ જેટલી ઉંડાઇ સુધી ઉતરવા માટે ત્રણ તબકકામાં પગથીયાઓ છે. એ રીતે ઉપરની પાળથી છેલ્લાં ખંડમાં કૂવા સુધીની ઉંડાઇ ૩૦ થી ૩૫ ફૂટ જેટલી છે. ત્યાર પછી એ સ્તરે આવેલી વચ્ચે ગોળ કૂવાની ઊંડાઇનો કોઇ અંદાજ નથી.


step_well_-_panorama_-_height.jpg

 

રામકુંડની પૂર્વ દિશામાં એક કુવો આવેલ છે. આ કુવા ઉપર ગરગડી માટે સુવિધા જોઈ શકાય છે. જેના દ્વારા લોકો કુવામાંથી પાણી ભરતા હતા. આ કુવામાંથી લોકો કોશ દ્વારા પાણી સીંચતા હતા અને રામેશ્વર વાડીમાં પહોચાડતા હતા. હાલમાં આ કુવાનો ઉપયોગ થતો નથી. કુવો માટીથી બુરાઈ ગયો છે.

img_5836.jpg

img_5840.jpg

img_5841.jpg

img_5844.jpg


આવા કુંડોના સંશોધનમાં ઊંડા ઉતરેલા કચ્છના પરંતુ વિદેશ વસવાટ કરતાં ડો.ભુડીયા સાથે આ રામકુંડની મુલાકાત લેતાં તેઓએ રામકુંડનો અભ્યાસ નિરીક્ષક કરે તેવો મત વ્યકત કરેલો હતો. તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૦માં સૈકા પૂર્વેના કાઠીઓના વર્ચસ્વની નોંધ ઇતિહાસકારોએ લીધી છે તે પ્રમાણે કાઠીઓ સૂર્યના ઉપાસક હતાં. પશ્ચિમાભિમૂખી સૂર્યમંદિરોમાં બનાવતાં. ઊગતા સૂર્યના કિરણો સીધા સૂર્યમંદિરમાં જાય એવી રચના થતી અને આવા સૂર્યમંદિરમાં પૂજા અર્થે જતાં પહેલા સ્નાન કરીને જવાની પ્રથા પણ જાણવામાં આવેલી છે. તે રીતે સૂર્યમંદિરની આગળ પૂર્વ દિશામાં કુંડ રાખવામાં આવતાં એવું મોઢેરાનાં સૂર્યમંદિરમાં જોવા મળે છે. એ રીતે ભુજ ખાતે કાઠીઓના સમયમાં અત્યારના રામકુંડની પ(Åચમે સૂર્યમંદિર હોવાની ધારણા પ્રબળ બને છે. સૂર્યમંદિર સામે આ રામકુંડવાળો કુંડ સ્નાન માટે બનાવવામાં આવ્યો હોય એ કાચા ભુકરીયા પત્થરનાં કુંડને મહારાવ શ્રી પ્રાગમલજીએ સુંદર પત્થરોની ભૌમિતીક રચનામાં અને તેમાં કલાત્મક કોતરણી દ્વારા સજાવીને તૈયાર કર્યો હોવાનું માની શકાય. આમ, આ કુંડની પ્રાચીનતા ઘણી છે.

રામકુંડની રચના ભુજના હમીરસર તળાવની આવના વહેણ પર છે, આ વહેણ હમીરસરને જયાં મળે છે એની પાસે રામકુંડ બનેલો છે, આ રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકંુડમાં પાણીની સપાટી રહે છે, એ રીતે ભૂગર્ભમાંથી પાણીની આવ રામકંુડના તળીયાંમાં રહેલા કૂવામાં આવે છે અને રામકંુડ ભરાતો જાય જયારે હમીરસર પુરંુ ભરાઇ જાય અને ઓગની જાય ત્યારે આ રામકંુડ છેક ઉપર સુધીની સપાટી એ પાણી ભરાઇ જાય છે. હમીરસર સરોવર એવું નામ ભુજના લાડીલા તળાવનું છે પણ લોકો હુલામણા નામે હમીસર બોલે છે.

અત્યારે રામકુંડની વાત કરીએ છીએ ત્યારે કરછમાં આવા બીજા કેટલાક કુંડો પણ છે તે પણ જોઇએ સૌથી પહેંલા નારાયણ સરોવર ખાતે બ્રહ્મકુંડ છે માતાના મઢ ખાતે ચાચરા કુંડ છે. હબાય ખાતે વાઘેશ્વરી માતા નો વાઘેશ્વરી કુંડ છે. કોટેશ્વર્ ખાતે વાધમ કુંડ, કોડકીનો ગંગાજીનો કુંડ, ભુદ્રેÅવર પાસે પાંડવકુંડ, ભુજ ખાતે ભુતેÅવર મહાદેવનો કુંડ, પિરાનપીર પરિસરમાં પણ એક કુંડ છે. ચોબારી ખાતે એક કુંડ છે જે ધણું કરી પાંડવકુંડ છે આ કુંડ પણ કલાત્મક સંુદર હતો જે ભુંકપમાં ઘ્વંસ થતા ફરીથી પુન:નિમાર્ણ થયેલો છે પણ તેની જુની અસલીયત કે સુંદરતા જળવાયેલી નથી એવું જોઇ આવનારાઓનું કહેવું છે. આ બધાં કુંડોમાં ભુજનો રામકુંડ સુંદર અને કલાત્મક જોવાલાયક છે હમીરસર તળાવ કાંઠે રાજય નિર્મિત સત્યનારાયણ મંદિર પાછળ અને નૂતન સ્વામીનારાયણના ભવ્ય કલાત્મક મંદિરની નજીક છે એ ઉપરાંત ભારતનું પ્રથમ મ્યુઝિયમ ભુજ મ્યુઝિયમ પણ રામકુંડની બિલકુલ નજીક છે. કરછની સર્વપ્રથમ હાઇસ્કુલ પણ રામકુંડની નજીક આવેલી છે, આ રીતે ભુજની મુલાકાત લેનારાઓએ આ રામકુંડ ખાસ જોવા જેવો છે.

આ રામકુંડ ગુજરાત રાજયમાં પુરાત_વખાતા હસ્તક સ્મારક તરીકે જાળવવામાં આવે છે. ભૂંકપમાં પહોચેલી ક્ષતિ દુરસ્ત કરાવી અત્યારે સાચી સ્થિતિમાં જોવા મળે છે પણ તેનો માર્ગ સાંકડો છે. આ માર્ગ પાસે રામકુંડ વિષયક બોર્ડ મુકવામાં આવેલું છે પણ તે જલદી નજરે ચડે એવી સ્થિતિમાં નથી. રામકુંડની મુલાકાત દરેક પ્રવાસી લે એ માટે અહીં એક આકર્ષક બોર્ડ મુકવાની જરૂરિયાત છે.


વિનુભાઇ ગજ્જર
સલાહકાર
કચ્છ ઇતિહાસ પરિષદ-ભુજ-કચ્છ
સંદર્ભ: ૧. ભુજદર્શન ૨. શ્રી પુરૂષોત્તમ લીલામૃત સુખસાગર ૩.ચારધામ યાત્રા ગ્રંથ ૪. શ્રી ઉમિયાશંકર અજાણીની નોંધ ૫. શ્રી કંઠેશ્વર મહાદેવ મંદિરની તકતી ૬. ભુજના વ્યસક મુરબ્બીઓ પાસેથી મળેલી માહિતી

ફોટા અને મુલાકાત  Mr. Raysinhbhai Rathod સાથે.

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!