“ હાલો પાળિયા નોંધવા!”

લક્ષ :

કચ્છ પ્રદેશમાં આવેલ એક-એક પાળિયાની શક્ય માહિતી, તમામ વિગતો સર્વ સહકારથી નોંધવી. પ્રાપ્ત બંને તેવી રીતે ‘બ્લોગ’ પર મૂકવી/આવકારવી. જેથી ભવિષ્યની પેઢીને સંદર્ભ મળી રહે.

પ્રેરણાસ્ત્રોત (વર્તમાન) :

હયાત વડીલ મુરબ્બીશ્રી જખુભા ઉર્ફે પચાણજી અભેસંગજી ઝાલા, પ્રમોદભાઈ જેઠી, ડો. એચ.એચ. ભૂડિયા, દેવાશિષ નાયક, સુષ્માબેન આયંગર, ડો. પુનિલ વસા, બિરેન પાધ્યે, જોરાવરસિંહ જાદવ, નરોત્તમભાઇ પલાણ, પ્રો. ગણેશદેવી, શ્રી ભોળારામભાઇ દાણીધારિયા, કચ્છ ઇતિહાસ પરિષદ, ફિલાટેલિક એસોસિએશન ભુજ, કચ્છ ફોટોગ્રાફિક એસોસિએશન ભુજ, કચ્છ આર્ટિસ્ટ(ચિત્રકાર) એસોસિએશન ભુજ, અને કચ્છના તમામ શિક્ષકો.

પુસ્તકો:

૧. ઊર્મિ-નવરચના વિશેષાંકો (સન: ૧૯૭૫ ઓક્ટોમ્બર-નવેમ્બર, દીપોત્સવીઅંક)
૨. નાગજી ભટ્ટીનું પુસ્તક (કચ્છનો સાંસ્ક્રુતિક વારસો પાળિયા)
૩. પ્રમોદભાઈ જેઠીનું પુસ્તક (કચ્છ ઇતિહાસના સાક્ષી શિલાલેખો અને પાળિયા)
પ્રરણાસ્ત્રોત (ભૂતકાળ) : કલાગુરુ શ્રી ખોડીદાસ પરમાર, શ્રી નાગજીભાઇ ભટ્ટી, કે.કા. શાસ્ત્રી.

હાંકલ :

વર્તમાન વિદ્યાર્થીઓને લુપ્ત થતાં પ્રાદેશિક શબ્દો જેવા કે હાંકલ, બૂંગિયો, પાદર, ભાગોળ, સુરાપુરા, સતી, પુરસા, પંડ, સાબદા, સાદ, સુવાણ, ઠામકું જેવા શબ્દો, પોતે આગળની પેઢીના વારસ હોવા છતાં ન સમજાય તેવો ‘કાળ’ છે. ‘વિકાસ’ના વાવાઝોડામાં , જૂનું એટલું નકામું ગણીને ભંગારમાં, ડમ્પયાર્ડમાં કે “રિસાઈકલ”ને હવાલે થઈ રહ્યું છે. બે’હોંશ નજર પરદેશની ચમકતી સમૃદ્ધિ, નામ, યશ પર છે, અને પગ નીચેની ધરતીની ધૂળ વિસરાતી જાય છે. આમ, જોઈએ તો જરૂર પણ શું છે? જ્યારે ‘મૂળ’ વીના, હવામાં ‘લીલોતરી’ ઉગાડવાની ટેક્નિક વિકસી રહી છે, ત્યારે ‘મૂળ’ને, ધરતીની ધૂળને શા માટે યાદ કરવી?
નામ-દામ-સિદ્ધિ મેળવ્યા પછી ખબર પડે છે કે તે આપનાર નિષ્ણાતો પણ હવે પોતાના અસ્તિત્વનું અને જ્ઞાનનું મૂળ શોધવા મથી રહ્યા છે અને એ મળે છે ‘બૃહદ હિંદુસ્તાન’ના ભવ્ય ભૂતકાળમાંથી. જ્યારે મૂળ શોધવાની જરૂરિયાત લાગે ત્યારે આવજો, આ ધરતી તમને આવકરશે. ‘માતૃભૂમિ’, ‘જન્મભૂમિ’, ‘મૂળિયાની ધરતી’ હંમેશા પોતાના સંતાનોને આવકારે છે. આમ જોવો તો કાંઇ જ જરૂર નથી, ઘસાઈ જતાં, તૂટી જતાં, ભુલાઈ જતાં, કટકા થઈ જતાં, પાળીયાઓની કે તેની વિગતો મેળવવાની, તેના વિના બધુ બરોબર ચાલે છે. ‘વિકાસ’ની ગતિ વણથંભી છે.
માત્રને માત્ર આવનારી પેઢી, શોધે ત્યારે તેને જડે માટે અને લુપ્ત થઈ જાય તે પહેલા એ મળે માટે પાળિયાઓની નોંધ જરૂરી છે. ઈચ્છા, શ્રધ્ધા, સમજ અને અવેલેબલ હાઇટેકનૉલોજિની મદદથી આ અશક્ય લાગતું કાર્ય શક્ય છે. સર્વે ઇચ્છુક, સહૃદયી, સહયોગી, દેશી, વિદેશી, વતનપ્રેમીઓ, ઈતિહાસપ્રેમીઓ, ભાવિપેઢીની ચિંતા કરવાવાળા, જાણકારો, વિદ્યાર્થીઓ, શિક્ષકોને નિમંત્રણ અને આવકાર છે.
દલપતભાઈ દાણીધારીયા: આર્કાઈસ્ટ, પ્રાગમહેલ-દરબારગઢ-ભુજ (8238209718)
મહિપાલસિંહ ઝાલા : અભ્યાસુ/ઇજનેર
જય અંજારીઆ : ભુજ બોલે છે
અશોક પંડ્યા: નિવૃત બેન્ક અધિકારી
.

“હાલો પાળિયા નોંધવા” : કરવાનું શું છે? કેવી રીતે નોંધ થશે?

કચ્છના અંદાજિત ૩૦ હજારથી વધારે પાળિયાઓની નોંધ આ રીતે કરીને બ્લોગ પર મૂકવી. 
રસધરાવતા સૌ કોઈ કચ્છ-પાળિયાઓ સંબંધી જે કાંઈ માહિતી (સ્થાન, સાલ(વર્ષ), સવંત, નામ, આકૃતિ, લખાણ, વાત, વાર્તા, હાલત, વિગત, ફોટો, ચિત્ર) ધરાવતા હોય તે પોતે અથવા મોબાઈલ કે કોમ્પુટર “નેટ”થી ટેવાયેલા સહાયક મિત્રની મદદથી નીચેની વિગત પોતાના નામ, આઈ.ડી. અને કોંટેક્ટ નંબર સાથે બ્લોગ ઉપર મૂકે. રસધરાવનાર સૌ પોતાના ગામ, શહેર, વિસ્તારની આસપાસ, પહોંચમાં હોય તેવા પાળીયાઓની રૂબરૂ મુલાકાત, સવારના ભાગમાં લે કે જેથી સૂર્યપ્રકાશ ફોટો પાડી શકાય તેવો હોય અને ફોટો પાડે, સાથેના ફોર્મેટની તમામ વિગતો નોંધે અને પોતાને ખબર હોય તે, અથવા સ્થાનિકે પૂછીને, કોઈ પણ માધ્યમથી જાણીને વિગતો મેળવી બ્લોગ પર મૂકે. સ્થાનિકે રહેતા ન હોય તેવા વતનપ્રેમીઓ, પોતાના સહયોગી વડીલ મિત્રો કે પ્રાપ્ત/મહત્તવ ના સોર્સ, માધ્યમ દ્વારા આવી વિગતો મેળવશે અને બ્લોગ ઉપર મુકશે.
પાળિયાની નોંધ નીચે આપેલી લિન્ક પર આપેલા ફોર્મમાં ભરવા વિનંતી.
https://docs.google.com/forms/d/1d9v-_JFDIZpxflOBaOYcS8hv89m7xxPiuIWTWLv...

Author
Dalpat Danidhariya's picture