અલ્પનો ત્રિભેટો !

સ્પર્શ ! અલ્પનો ત્રિભેટો ! બહાર અવાજોની ચહલ-પહલ હતી અને હું હોટલ KBN માં શબ્દોના વરસાદમાં પલળતો હતો.ટાણું હતું મારા મિત્ર કવિ /લેખક નવીન ત્રિપાઠી 'અલ્પ'ના વાર્તા સંગ્રહ 'ત્રિભેટો'ની બીજી આવૃતિના લોકાર્પણનું.ત્રણ રસ્તાને મળતા જોઈ વાર્તાકારને પ્રશ્ન થાય અને એમાંથી જ જન્મે વાર્તાઓની હારમાળા !લેખકનું કામ જ અનહદની ઓળખ કરાવવાનું.એ વસંતનેયે જોઈ શકે અને પાનખરને પણ જોઈ શકે.ભમરા અને પુષ્પનો સંવાદ સાંભળી શકે અને ઝાકળ ભીના ઘાસનો સ્પર્શ માણી શકે ! નવીનભાઈના આ વાર્તા સંગ્રહમાં જીવન જીવવાની કળા દેખાય છે.અને કદાચ એ- મણે સભાનપણે નહીં પણ સહજપણે લખ્યું છે.અને લેખકની કલમ આપમેળે જ વિકસતી હોય છે.ઝાડ કદી પોતાના વિકાસની ડંફાસ નથી મારતું !અને કવિ અને વાર્તાકાર એક જ વ્યક્તિમાં સમય ત્યારે લેખિની વિલસતી હોય છે.'ત્રિભેટો'માં એવું જ છે.'સોરી'થી કરીને 'ત્રિભેટો'સુધીની ચૌદ વાર્તાઓમાંથી હું પસાર થયો ત્યાર લાગ્યું કે,સિત્તેર વર્ષના 'અલ્પ' કયાંક શિશુ,ક્યાંક તરુણ,ક્યાંક યુવાન તો ક્યાંક વૃદ્ધના લિબાસમાં છે. પ્રથમ વાર્તાથી માંડી અંતિમ વાર્તા સુધી શીર્ષકો કર્તાના નામથી જ નિર્દેશાયા છે.લેખ- ક જાણે એક પછી એક દ્વાર ખોલતા હોય એવું લાગ્યું.હું કોઈ વિવેચક નથી-ભાવક છું.અને એ જ દ્રષ્ટિથી મેં આ વાર્તાઓને જોઈ છે.કૃતિમાંથી પ્રગટતી નવીનભાઈની સર્જનમુદ્રા એ મને આકર્ષિત કર્યો છે. લેખકને આસપાસના વાતાવરણ,પરિવેશ,સંજોગો અને પ્રવર્તમાન જીવનમાં બનતા ઘટના-પ્રસંગોમાંથી વાર્તાના મૂળ મળ્યા છે.એમની વાર્તાઓમાંથી જીવનની વાસ્તવિકતા ડોકિયું કરે છે.'સરી જતી સાલ ..' શિક્ષકને મળેલા રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક સામે નિર્મમ અટ્ટહાસ્ય કરે છે.'ફિફ્ટી ફિફ્ટી' જીવનને જ અડધું બનાવી નાખે છે.'ચકલીનો માળો ' વાર્તાનું શીર્ષક જ બોલતું છે.જયારે 'આસ્થા' એ માનવ મનનું દ્વંદ દર્શાવે છે.'ત્રિભેટો' ના શિક્ષકના ત્રણ સ્વરૂપો શિક્ષક,બ્રાંચ પોસ્ટ માસ્તર અને મંદિરના પુજારી મેં જોયાં છે.જેનું વાસ્તવિક નિરૂપણ નવીનભાઈ એ કર્યું છે. આ વાર્તાકારની વાર્તાઓ એક મીઠી સુંગધ લઈને સામી મળે છે ત્યારે ભાવકો એમાંથી પસાર થાય તો જ એ સૌરભને અનુભવી શકશે. નવીનભાઈ આ લેખન યાત્રા અવિરત ચાલતી રહે અને આપણને નિત નવું પાથેય મળતું રહે એવી શુભ કામનાઓ ! *** -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત' (ભુજ-કચ્છ) લખ્યા તા.11-04-2016,સોમવાર.
Author
Kant's picture