નાગર ચકલાની જાહોજલાલી

ભુજમાં એક સમયે સાંસ્ક્રુતિક કેન્દ્ર બની ગયેલો નાગર ચકલો ભવ્ય ભૂતકાળ ધરાવે છે. ભલે આજે તેની જાહોજલાલીમાં કદાચ ઓછપ આવી હશે પણ એક સમયે ધબક્તો આ વિસ્તાર ભવ્ય સંભારણા ધરાવે છે. બુઝુર્ગ લેખક અને નાગર જ્ઞાતિના ભૂદેવ સ્વ. સરોજભાઈ શુકલે નાગર ચકલા વિસ્તારમાં આવેલા કેટલાક ડેલા વિષે માહિતી આપી હતી જે નવી પેઢી માટે ઇતિહાસની જાણકારી સમાન બની રહશે.

નાગર ચકલામાં આવેલા કેટલાક ડેલાઓ તેમની ઐતિહાસિક મહત્વતા ધરાવે છે.

વોરા સાત ડેલો : આ ડેલામાં વોરા (નાગર) પરિવારના સાત કુટુંબો રહેતા હતા. દિનમણિરાય વોરા, પુષ્પકાંત વોરા, પી.કે. વોરા, મોહનલાલ વોરા, ચમનલાલ વોરા વિ.

દલપતરામ ફોજદારનો ડેલો : આ ડેલો બરાબર નાગર ચકલા ચોકમાં આવેલો હતો. જે બિલ્ડિંગમાં અત્યારે ઘડિયાળી, ટીવી રિપેરિંગ અને ચાની હોટલ છે. ઘણા વર્ષ પહેલા અહી જયભારત રેડિયાવાળા પુંજા બ્રધર્સ રહેતા હતા. રાજાશાહીના જમાનામાં તે સમયના અમલદારો સવાર-સાંજ અહી બેઠક કરતાં અને રાજ્યને લગતી ચર્ચા કરતાં.

રૂપશંકરભાઈ હાથી મહેતાનો ડેલો : આ ડેલો કાનજીભાઇ ચેવડાવાળાની સામેની શેરીમાં આવેલો હતો. તે સમયમાં જાડેજા ભાયાતોમાં વ્યાપ્ત દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજનો અંત લાવવાના હેતુથી રાજ્યના નોકર હોવાના નાતે જ્યારે દીકરીનો જન્મ થતો ત્યારે નોંધ કરવા તેઓ જતાં અને તેને કારણે મહેતા કહેવાતા.

કાળાભાઇનો ડેલો : કાળાભાઈ પોતે ઘોડાર સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને અહી ઘોડાઓનો તબેલો હતો.

ભચુમિયાનો ડેલો : ઉપલીપાળ પર આવેલી જન્નત મસ્જિદના સામેનો વિસ્તાર (ભૂંકપ પહેલા પીડબ્લ્યુડીનું મકાન) ભચૂમિયાના ડેલા તરીકે ઓળખાતો. ભચુમિયા રાજાશાહીમાં બક્ષિખાતાના જવાબદાર વ્યક્તિ હતા. રાજાશાહીમાં અસવારી નીકળતી ત્યારે તેની વ્યવસ્થા તેમને હસ્તક રહેતી.

ગાડું : નાગર ચકલા ચોકમાં જ એક મકાનની ડેલી પાસે ખાંચો છે જેમાં એક ઓટલો હતો. રાજાશાહીમાં ત્યાં દરરોજ પાંચ-સાત યુવાનો બેસતા અને ટીકાટિપ્પણી અને જોક્સ થતી.
હવે અહી નાગર ચકલા અને તેની આસપાસના વિસ્તારમાં બનતી ઘટનાઓ વિશે.

બ્રહ્મપૂરી : લક્ષ્મીદાસ કામદાર કચ્છ રાજ્યના દીવાન હતા. તેમનું મકાન એટલે જૂની નવયુગ લોજ. તેમના સમયમાં રાત્રિના આઠ વાગે એટલે તેમના મકાન પાસેથી કોઈ પસાર થઈ શકે નહીં, મનાઈ હતી. છઠ્ઠીબારી, ગેબનશાપીરની દરગાહ અને સ્વાદિયા સાહેબના ઘર પાસે રસ્તા પર વાંસ-ભોગળ લગાવી દેવામાં આવતા અને ચોકીદારો બેસાડવામાં આવતા. નિસપુરીમાં તેમની ઘોડાર હતી. ગેરવાળી વંડી તેમજ છઠ્ઠીબારી સુધીનો વિસ્તાર તેમની મિલકત કહેવાતી. ઘોડાઓની માવજત કરતા નોકરો અહી રહેતા. બાદમાં આ મિલકત તેમણે નાગર બ્રાહ્મણોને રહેવા સખાવતમાં આપી દીધી.
મહાદેવના નાકા પાસે આવેલી, જૂની ટંકશાળા જેમાં પહેલા મામલતદાર ઓફિસ હતી તેની અંદર જૂની જયહિંદ ટોકીઝ જયાં આજે કેપિટલ પ્લાઝા બિલ્ડીંગ છે તથા સાંકડી શેરીના આસપાસના વિસ્તારમાં એક સમય કચ્છ રાજ્ય પાસે નોકરી કરતાં અરબોના રહેઠાણ હતા. દરેકના ઘર પર લીલા રંગના ઝંડા પર પંજાના નિશાન રહેતા. તાજિયાના દિવસોમાં તેઓ અહી ખુલ્લા જમૈયા સાથે ધમાલ કરતાં તથા રાજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ કૌવત બતાવતા. વૈશાખ માહિનામાં લગ્નની મોસમ શરૂ થાય ત્યારે નાગર ચકલા ચોકની આસપાસનો વિસ્તાર તંબુ-શામિયાણાથી ઢંકાઈ જતો. આ તંબુ મહારાઓ તરફથી બંધવામાં આવતો. ઢોલ શરણાઈના સૂરોથી નાગર ચકલો ગુંજી ઊઠતો.
બટુકોને જનોઈ-યજ્ઞોપવિત વિધિ ડો. મહેતાની શેરી પાસે કરવામાં આવતી. નાગર ચકલામાં પૂર્વ તરફ કાશીની દિશા તરફ જતો આ એક જ રસ્તો હતો. અને કાયસ્થ શેરીમાં ક્ષેત્રપાળ હોતાં ત્યાં દર્શન કરતાં.
તે સમયના નાગરો કેટલા આગ્રહી હતા એ તેમના એક નિયમ પરથી જાણવા મળે છે કે કોઈ પણ નાગર વ્યક્તિના લગ્ન થાય તો તેનું ફુલેકું નાગર ચકલામાંથી જ પસાર થવું જોઈએ અને જો મૃત્યુ થાય તો તેની સ્મશાનયાત્રા  પણ નાગર ચકલામાંથી જ પસાર થવી જોઈએ. જેથી જ્ઞાતિજનોને  જાણ થાય કે ફલાણાના લગ્ન થયા છે કે ફલાણાનું મૃત્યુ થયું છે. આ નિયમનો ફરજિયાતપણે અમલ કરવામાં આવતો.

નાગર ચકલામાં ચા, હોટલ, ગાંઠિયા, ફરસાણ કે મીઠાઈની દુકાન કરવાની મનાઈ હતી. માત્ર દૂધ બનાવટની મીઠાઇ કે રસકસની દુકાન કરવાની છૂટ હતી. લોકોમાં એવી માન્યતા હતી કે  ચા, ગાંઠિયા, તેલવાળા ફરસાણો બાળકો અને લોકોની તંદુરસ્તી માટે હાનિકારક છે. આજે પણ દૂધ અને તેની બનાવટની મીઠાઈઓની દુકાન ઘણી જોવા મળે છે.
નાગર ચકલામાં એ જમાનામાં થતી ચર્ચાઓ કે અન્ય વાતો મહારાવશ્રી ખેંગારજી બાવા સુધી પહોંચતી. કારણ કે ચકલામાં રાજદ્વારી જેવી અનેક બાબતો ચર્ચાતી. તેમાં પણ સને ૧૯૩૯થી ૧૯૪૨ જવાબદાર રાજતંત્રની લડત ચાલતી. અંગ્રેજોને કેમ તડીપાર કરવા, રાજાશાહી કેમ નાબૂદ કરવી એવી અનેક ચર્ચાઓ ચાલતી. જે બધી વાતો મહારાઓ સુધી પહોંચતી. એટલું જ નહીં ભુજની પાવડીના બે ભાગ જેમાં ઉતર બાજુની પાવડી 'નાગરોની પાવડી' કહેવાતી. જ્યાં કઈ પણ વાતચીત થાય તે મહારાવો સુધી પહોંચતી. તેઓ પૂછતા કે શું કહે છે નાગર પાવડી ?

નાગરવંડી : કચ્છી પ્રજાકીય પરિષદના અનેક સમેલનો આ વંડીમાં યોજાતા. મહાત્મા ગાંધી, મહેરઅલી જેવા રાષ્ટ્રીય સ્તરના નેતાઑ અહી ભાષણો કરી ગયા છે. ૧૯૪૨માં ખેંગારજી બાવાનું મનાઈ ફરમાન હોવા છતાં રાજ્ય વિરોધી સભાઑ યોજાતી.
નાગરવંડીમાં ૫-૫૫ ક્લબના મેમ્બરો નિયમિત રીતે મળતા. આ લોકો મોટી ઉમરે પણ નાગરવંડીમાં વોલીબોલ રમતા. અઠવાડિયે એક વખત ગોઠ પણ બનાવતા. તે ઉપરાંત માત્ર નાગર જ્ઞાતિ માટે નહીં નફો, નહીં નુકશાનના ધોરણે અનાજના સ્ટોર ચલાવતા. સ્ટોર માહિનામાં એક વખત ખૂલતો. ક્લબનો મુદ્રાલેખ જીંદગીનો આનંદ લેવાનો હતો.
જ્યારે ભુજમાં મૂંગી કે બોલતી ફિલ્મોનો જમાનો ન હતો ત્યારે નાટક મંડળીઓ આવતી અને તેનો ખેલ જે અત્યારે મોર્ડન ટોકીઝ છે એ તે વખતે ગાયો બાંધવાની ભંગાર જગ્યા હતી. તેમજ જ્ઞાતિજનો માટે સવારે શિરામણ કરવાની જગ્યા હતી. એટ્લે આ જગ્યા સળંગ હૉલ બનાવી નાટક મંડળીને ભાડે આપતા. જેમાં પાલિતાણા નાટક કંપની, દેશી નાટક સમાજ કંપની વગેરે અહી ખેલ કરવા આવતા. જે તે વખતે નાગરવંડી અને થિયેટર વચ્ચે દીવાલ ન હતી.
અનેક ઉતાર-ચડાવ જોનાર નાગર ચકલો સાડા આઠ દાયકા પસાર કરતાં ભુજની દરેક વિસ્તારની જાહોજલાલી યાદ આપી જાય છે. જ્યાં જ્યાં નાગરો વસ્યા, ત્યાં નાગર ચકલો તાદ્ર્શય થાય જ. જામનગરમાં નાગર ચકલો, જૂનાગઢ અને ભાવનગરમાં નાગરવાડો કહેવાય છે.

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!