મોટી પોશાળ (ગુરુ માણેકમેરજીની પોશાળ)

જૈન ધર્મમાં જેને 'પૌષધ' કહેવાય છે એટ્લે કે 'પુષ્ટ' એ શબ્દ પરથી આત્માને પુષ્ટ બનાવતી આ જગ્યા 'પોશાળ' કહેવાઇ. હિન્દુ, જૈન, મુસ્લિમ દરેક સંપ્રદાયનો સમન્વય અહીં જોવા મળે છે. ૪૬૬ વર્ષ જુની આ પોશાળમાં ગાદીપ્રથા ચાલે છે જેના વર્તમાન ગાદીપતિ શ્રી પ્રવીણભાઇ ગોરજીએ આ પોશાળની વિસ્તૃત માહિતિ પુરી પાડી છે.

મળતી માહિતિ મુજબ અમદાવાદમાં એક બનાવમાં કચ્છના કુંવરે મહોમ્મદ બેગડા પર હુમલો કરતા સિંહને ભાલા વડે માર્યો હતો. તેની બહાદુરી જોઇ બેગડાએ કુંવરની વિરતાને પરખી અને તેને મદદ કરી. જામ રાવળ પર હુમલો કરી તેને હરાવ્યા અને કચ્છરાજ મહારાવ ખેંગારજીને મળ્યું હતું. સિંહને મારવામા વપરાયેલો ભાલો 'સાગ' આજે પણ આ પોશાળમાં રાખવામાં આવ્યો છે અને વર્ષમાં ત્રણ ધાર્મિક પ્રસંગે એ 'સાગ' દર્શન માટે રાખવામાં આવે છે. આ પોશાળમાં કચ્છના દરેક રાજાએ અભ્યાસ કર્યો છે અને જે પાટલી પર મહારાવ એકડો ઘુંટતા એ પાટલી આજે પણ પોશાળના શક્તિપીઠ મંદિરમાં જોવા મળે છે.

સંવત ૧૬૦૨ માં મહારાવે અંજારને કચ્છનું પાટનગર બનાવ્યું હતું ત્યાર બાદ સં. ૧૬૦૫માં જ્યારે મહારાવે પ્રવીણભાઇથી આગળના ૨૦મી પેઢીના માણેક ગોરજીને બોલાવ્યા અને ભુજની સ્થાપના કરાવી હતી. એ સમયથી આજ સુધીના રાજા અને ગોરજીના વંશજોની વંશાવળી પોશાળમાં છે. અહિં દર વર્ષે સરસ્વતિ પુજા થાય છે જેમાં બાળકોને પુજાપા સાથે સરસ્વતિ પુજન કરાવવામાં આવે છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતી આ પોશાળમાં અજમેર શરીફ, સુપાર્શ્વ જૈન દહેરાસર, શક્તિપીઠ તેમજ મહાદેવના દર્શન પણ થાય છે જે ખરેખર આ સ્થાનકની વિશેષતા છે.

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!