કચ્છનું પર્યાવરણ, પ્રકૃતિનો ખજાનો, લોકજીવન અને સંસ્કૃતિનો સબંધ...

મનુષ્યે પોતાનું જીવન સારું, પ્રસન્ન અને સ્વસ્થ રહે એ માટે પ્રકૃતિએ પણ વિવિધરુપે પીરસ્યું છે જીવન ! તેમાં પણ પર્યાવરણ સાથે જીવન અને સંસ્કૃતિનો સબંધ છે. આ સબંધ ટકે, મજબુત રહે તો જ જીવન સાર્થક થયું ગણાય. પ્રકૃતિ જ માણસને જીવન બક્ષે છે.

આપણે કચ્છના પર્યાવરણ અને પ્રકૃતિના ખજાનો શું છે તે સબંધેની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભૌગોલિક તેમજ આબોહવાની પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળે છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો છે, જેવા કે ભેજવાળા, પાનખર જંગલો છે. જ્યારે કચ્છની વાત કરીએ તો આ પ્રકારના જંગલો નથી પણ કચ્છમાં વનસ્પતિના સમુહ જોવા મળે છે. જંગલો સામાન્યત: પુર્વ દિશા તરફ હોય છે. સૌરાષ્ટ્ર તથા ગુજરાતનો ઉત્તર તરફનો ભાગ પહાડી પ્રદેશ છે તેમાં પણ વન છે. રાષ્ટ્રીય વનનીતિ મુજબ આ બાબતને જોઇએ તો જમીનના ઓછામાં ઓછા ૩૩% એટલે કે ૧/૩ ભાગની જમીનમાં વન હોવું જરુરી છે. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર ૧૯૬૦૨૪ ચો.કિ.મી. છે જ્યારે ૧૫૩૪૦ ચો.કિ.મી વિસ્તાર જંગલ છે. આમ કુલ્લ જે ગુજરાતની જમીન છે તેના ૭% જેટ્લા જ વિસ્તારમાં વન છે.

આપણે કચ્છના સંદર્ભમા આ વિગતો જોઇએ તો કચ્છનો કુલ્લ ભૌગોલિક વિસ્તાર ૪૫૬૧૨ ચો.કિ.મી છે જેમાં ૩૩૦૦ ચો.કિ.મી વિસ્તારમાં વન છે. આ રીતે કચ્છમાં ૮% જંગલ વિસ્તાર થયો. જો કે કચ્છમાં જંગલ નથી પણ મોટા મોટા ઘાસના બીડ છે જે રખાલ તરીકે ઓળખાય છે. તેમાં પણ મુખ્યત્વે બાવળ અને કંઢા જેવા કાંટાડા ઝાડ વધુ જોવા મળે છે. કચ્છમાં રાજાશાહિના સમયમાં જંગલનો અમુક વિસ્તાર રખાલ તરીકે રાખવાની પ્રથા હતી. આ રક્ષિત વિસ્તાર એટલે રખાલમાં વનસ્પતિ અને ઘાસચારો ઉગાડવામાં આવતો હતો જે પશુઓ માટે સુલભ બની રહેતો ! પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. કચ્છમાં માનવ વસ્તી સાથે પશુની વસ્તી ઘણી મોટી હોવાથી જે તે સમયે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

કચ્છમાં કાંટાડા વૃક્ષોની વાત થઇ એ સાથે બાવળ, ગૂગળ, બોરડી, આંકડાની પણ વિવિધ જાતો જોવા મળે છે. આ સાથે બીલી, વડ, પીપળો, ખાખરો, ખેર, ખીજડા, બોરસણી, જુઇ, ગરમાળો, જાંબુ, લીમડો, ગુંદા, લીયાર, મીઠી આંબલી, આંબા, કેસર કેરી, દ્રાક્ષ, નાળિયેરીનું પણ વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતની વનસૃષ્ટિમાં નિરીક્ષણ કરીએ તો જુનાગઢમાં સાસણ ગીરનું જંગલ છે. એશિયાઇ સિંહો માટે આ સ્થળ વિશ્વ પ્રસિધ્ધ છે. કચ્છમાં નાનું અને મોટું બે રણ છે. નાના રણમાં 'ઘુડખર' માટે રક્ષિત વિસ્તાર છે. આ પ્રાણી જંગલી ગધેડા તરીકે ઓળખાય છે. જે અહિં સિવાય એશિયામાં ક્યાંય જોવા મળતા નથી.

વિશ્વના પ્રવાસીઓ માટે આ મહત્વનું સ્થળ છે. 'સુરખાબ' પક્ષી નાના રણમાં જોવા મળે છે જેને કચ્છીમાં 'લાખેજા જાની' તરીકે ઓળખાય છે. તો ધામડા, સપર્ણગવા, હેરોન, સમસા, ટીર્વટન, બગલા, ડેફાઝ કાશર, ઇન્ડીયન કોર્સટગડેરા, બટેર, તેજપાર, ખલીલી, પેલિકન્સ, ગજપાઉ, જળમુર્ગી જેવા અનેક પક્ષીઓ છે. તો ઘુવડ, સમડી, રણચીબરી, ગીધ, રાજગીધ શિકારી પક્ષીમાં મુખ્ય ગણાય. છારીઢંઢ વિસ્તારમાં પક્ષી અભ્યારણ્ય છે. નારાયણ સરોવરમાં ચિંકારા અભ્યારણ્ય છે.

કચ્છનું રણ જે વધુ ફેલાય છે તેને અટકાવવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય. આ ઉપરાંત જ્યાં ખુલ્લી જમીનો છે ત્યાં વધુ વૃક્ષો ઉગાડવામાં આવે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. પર્યાવરણ જ સાચી સંસ્કૃતિ છે. વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખીએ. પાણીના જતન માટે પ્રતિદિન આત્મનિરીક્ષણ કરતા રહીએ જેથી આચરણ કરવાની શક્તિ આવશે.

Author
Tarunkant Chhaya's picture