કચ્છના વાહન વ્યવહારનો ઇતિહાસ!

કચ્છમાં વાહન વ્યવહારનું આયોજન અને વિકાસની પ્રક્રિયા કોઈ પણ યાત્રાનો પ્રારંભ તો પ્રથમ ડગલાથી થાય છે. કચ્છમાં વાહન વ્યવહારની શું પરિસ્થિતિ હતી અને તેની માહિતિ યુવા પેઢીને મળી રહે અને કચ્છના રસ્તાના વિકાસમાં માર્ગવ્યવહારની કોઈ સુવિધા જે આજે ઉપલબ્ધ છે, તેવી ન હતી તેનો પરિચય મળે તો ચાલો તે તરફ નજર કરીએ.

કચ્છમાં પ્રવેશ કરવા માટે તે સમયે દરિયાઈ રસ્તે અવર-જવર થતી હતી રેલ્વે માર્ગ વ્યવહાર જેવી કોઈ સુવિધા ન હતી. કચ્છમાં આવવા માટેનું સાધન એક દરિયો હતો,  બીજો માર્ગ હતો જે કચ્છના રણ માર્ગ હતો.  જે આજે રસ્તા પર અનેક વાહનો દેખાય છે, તે જોવા મળતા ન હતા તે સમયે લોકોનું અવલંબન ફક્ત જળમાર્ગ એટલે દરિયો જ હતો. ભૂતકાળમાં કચ્છમાં માંડવી થી મુંબઈ સ્ટીમર ની  સેવા ઈ.સ ૧૮૭૨ થી શરુ થઇ હતી, જે ૧૯૬૫ ના સમય દરમ્યાન બંધ થઇ તે સમયે સોરાષ્ટ્ર તરફ જાવા માટે કંડલાથી નવલખી લોંચ દ્વારા જઇ  શકાતું હતું. માંડવીથી બેટ દ્વારકા-ઓખા વહાણ વ્યવહાર પણ હતો. જામનગર મુન્દ્રા વચ્ચે એક નાની સ્ટીમર સેવા હતી.

આઝાદી પછી કચ્છમાં વાહન વ્યવહારના વિકાસ માટે આયોજનનો તખ્તો ગોઠવાયો! રેલ્વે સેવાની વાત કરીએ તો દિલ્હીથી રાજસ્થાન સાથે રેલ્વે સેવા માટેનું પ્લાનિંગ થયું. તે રીતે કંડલા-ડીસા રેલ્વે સેવા હતી, જે મીટર ગેજ રેલ્વે હતી, તેનો પ્રારંભ વર્ષ ૧૯૫૨ માં થયો. તે પહેલા અંજાર-તુણા વચ્ચે  રેલ્વે સેવા શરુ થઇ.  તેમજ ભુજ અંજાર રેલ્વે સેવા શરુ થઇ, જે નેરોગેજ હતી. મીટરગેજ સેવા કંડલા-ડીસા તા.૨-૧૦-૧૯૫૨થી થઇ. આ સેવાનું ઉદઘાટન ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું જ્યારે તેઓ રાષ્ટ્પતિ હતા. ભુજથી ગાંધીધામ મીટરગેજ સેવાનો પ્રારંભ તા.૭-૪-૧૯૫૫થી થયો જેનું ઉદઘાટન રેલ્વે મંત્રી લાલબહાદુર શાસ્ત્રીના હસ્તે થયેલું હતું.

 

indian_railways_diesel_loco.jpg

 

ગુડ્ઝ ટ્રાફિક ટ્રેનની સેવા તા.૧૬-૯-૧૯૬૯થી શરુ થઇ હતી. બ્રોડગેજની સેવાનો  પ્રારંભ ટ્રાફિક પેસેન્જર ટ્રેન તા.૩૦-૧૨-૧૯૬૯થી આ સેવાનો  પ્રારંભ થયો અને રેલ્વે સેવામાં ક્રમિક વિકાસ થતો ગયો. ગાંધીધામ થી મુંબઈ સેકન્ડ એ.સી. કોચની શરૂઆત વર્ષ ૧૯૮૫ થી થઇ. સુપર ફાસ્ટ ટ્રેન કચ્છ એક્ષપ્રેસ તા.૨-૧૦-૧૯૮૪થી શરુ થઇ. જૂની વાત કરીએ તો કચ્છમાં રાજવીના સમયમાં સી.એસ.આર. એટલે કે કચ્છ રેલ્વે હતી.રેલ્વે સેવાના ક્રમિક વિકાસમાં ભુજમાં નવું રેલ્વે સ્ટેશન તારીખ ૭-૯-૧૯૯૦થી શરુ થયું છે, કચ્છમાં લગભગ ૩૫ રેલ્વે સ્ટેશન છે. કચ્છમાં હજી ઘણા તાલુકા રેલ્વે સેવા થી વંચિત છે.

કચ્છમાં માર્ગ વ્યવહારની વાત કરીએ તો એસ.ટી.ની સેવા ઈ.સ ૧૯૨૧માં થઇ, ભુજથી માંડવી બસ સેવા શરુ થઇ તે સાથે તે વર્ષમાં જ અંજાર, ખારી રોહર બસ સેવાનો પ્રારંભ થયો વર્ષ ૧૯૪૨માં એસટી સેવાનું રાષ્ટીય કારણ થયેલું.

 

first_st_bus.jpg

કચ્છમાં પ્રથમ ડામર રોડ ઈ.સ ૧૯૪૬માં થયેલ. તા.૧-૧૨-૧૯૫૪થી એસટીનું નામ બદલાયું અને કચ્છ રોડ ટ્રાન્સ્પોટ કોર્પોરેશન થયું. ભુજનું બસ સ્ટેન્ડ વાણીયાવાડ નાકા પાસે હતું. અત્યારનું ભુજનું નવું બસ સ્ટેશન તા. ૧૪-૪-૧૯૬૨થી શરુ થયું. તે સમયે એસટી બસ આજની જેવી મોટી બસ ન હતી! બસની અંદર ટીકીટના દર પણ બે પ્રકારના હતા, એક ટીકીટ લોઅર દરની હતી, જે સામન્ય હતી, બીજી ટીકીટ અપરની કહેવાતી જેની સીટ ડ્રાઈવર ની બાજુમાં રહેતી હતી, તે ટીકીટના દર વધુ હતા. જેમાં ફક્ત એક જ પેસેન્જર અપર વર્ગની ટીકીટ લઈને મુસાફરી કરી શકતા હતા! જે સમય કચ્છ માં બસ સેવા ઉપલબ્ધ ન હતી, ત્યારે ઊંટગાડી થી અવર-જવર થતી હતી, ઊંટગાડી એક ન હોય પણ દસ-બારના ગ્રુપમાં ઊંટગાડી હોય તે સમયે રસ્તામાં ચોર-ડાકુનો ભય હતો. ભુજથી માંડવી ઊંટગાડીનો પ્રવાસ નવ કલાક જેટલો થતો હતો.  સામન્ય રીતે રાત્રી પ્રવાસ થતો, તે સમયે રીક્ષા ન હતી, પણ ટાંગા હતા. આ સાથે માંડવીથી રેકડા એટલે ગાડાથી પણ પ્રવાસ થતો હતો.

કચ્છમાં ગુજરાત તથા સૌરાષ્ટ્ર સાથેના વાહન વ્યવહારના જોડાણના આયોજન ભાગ રૂપે રાષ્ટ્રીય ધોરી માર્ગ થયા. સુરજબારી પુલ વર્ષ ૧૯૬૨માં થયો. તા:૨૩-૧-૧૯૭૦ આ પુલનું ઉદઘાટન થયેલ. રસ્તાના વિકાસના માટે નેશનલ હાઇવેનું આયોજન થયું. કચ્છમાં કંડલા -અમદાવાદ રાષ્ટીય ધોરીમાર્ગ થયો, જેનો  પ્રારંભ વર્ષ ૧૯૬૫થી થયો. અત્યારે ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જીલ્લાના મુખ્ય માર્ગ ગ્રામ્ય માર્ગ છે, કચ્છમાં બસરૂટ વાળા ૬૦ જેટલા ગામો છે.

હવાઈ સેવાની વાત કરીએ તો વર્ષ ૧૯૩૭માં મુંબઈથી અમદાવાદ ટપાલ સેવાના હેતુ માટે શરુ કરાયેલ કચ્છમાં પ્રથમ હવાઈ સેવાનો પ્રારંભ વર્ષ ૧૯૪૨ થી થયેલથી થયેલ છે. ભુજથી જામનગર હવાઈ સેવા મે ૧૯૪૬ થી શરુ થઇ હતી. કંડલા -મુંબઈની સેવા ૧૪-૧૧-૯૦ થી શરુ થઇ. 
આમ  માર્ગ વ્યવહારના ક્ષેત્રમાં વિકાસ થયેલ છે પણ રેલ્વે તથા હવાઈ સેવાના સેક્ટરમાં હજી ઘણું કરવાનું બાકી છે, વિકાસ માટે નવું કરવું જરૂરી પણ છે.

Author
Tarunkant Chhaya's picture