આરોગ્યના મુલ્ય માટે આપણે જાગૃત બનીએ !

આપણા આરોગ્ય સબંધે આયુર્વેદ તેમજ એલોપેથી અને તે સિવાયની અનેક ઉપચાર પધ્ધતિનું સવિસ્તર વર્ણન જોવા મળે છે. મન અને શરીરને એકતા પ્રગટ કરનારી એક બનારસીની કાવ્ય પંક્તિ છે જે આ મુજબ છે ;
“પૈર ગરમ પેટ નરમ,
ઔર સરકો રાખો ઠંડા,
અગર દાક્તર બાબુ આવે
તો ઉસકો મારો દંડા"

આપણા શરીરની સંભાળા માટે આ કાવ્ય પંક્તિ ઘણું બધું કહે છે. જો કે વર્તમાન સમયમાં આરોગ્યના પ્રશ્ન સબંધે આપણા દેશમાં વિવિધ પગલાં લેવામાં આવે છે. આમ છતાં એક અભ્યાસની નોંધ મુજબ તેમાં નિર્ધારેલ પરિણામ હજી મળ્યા નથી. આપણે સૌ જાણીએ છીએ તે રીતે બાળક તથા માતાનો મૃત્યુદર ઉંચો રહ્યો છે. ઉંચા મૃત્યુદરને ચોક્કસ નીચે લાવી શકાય તેમ છે. આ મૃત્યુદર ઉંચા હોવાના કારણો લક્ષમાં લેવામાં આવે તો કેટલીક વાસ્તવિકતા આપણી સમક્ષ નજર સામે તરી આવે છે. એક કારણ સ્પષ્ટ છે. અમર્યાદિત વસ્તીનો વધારો તેમજ બીજો પ્રશ્ન સ્ત્રીઓના આરોગ્ય અને શિક્ષણ પ્રત્યેની કાળજીનો અભાવ. આ સાથે પ્રદુષિત પાણી તથા પર્યાવરણના પ્રશ્નો પણ છે જે તમામને તેમના આરોગ્યને માટે નુકસાનકર્તા થઇ રહ્યા છે. બાળકોના  મૃત્યુદર સબંધે જરા વિચારીએ અપુરતું પોષણ પણ અગત્યનું જવાબદાર કારણ છે.

આહારનો આરોગ્ય સાથે સીધો સબંધ છે. આહાર સબંધે સૌ કોઇ કાળજી લેતા નથી. સ્વાદ માટે વધુ આહાર લઇએ છીએ. એક ફેશન પણ છે એ રીતે બહાર રેકડી અને હોટેલ્સનું ખાવાની સીસ્ટમ બની ગઇ છે. રવિવારે ઘરે રસોઇ ન થાય તેવો જાણે કે રિવાજ બની ગયો છે. એ સાથે આજે આપણે ચાલવાનું પણ બંધ કરી દીધું છે. વાહનનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. આહાર-વિહાર સબંધે વધુ જાગૃત થવાની જરુર છે.

આહાર સબંધે પોષક તત્વોની વાત કરીએ તો એક અભ્યાસ નોંધ જે અમે વર્ષ ૧૯૯૪માં ટ્રેનિંગમાં ગયા હતા તેમાં આહાર શાસ્ત્રના પ્રોફેસર દ્વારા તેમના લેક્ચરમાં વાત કરવામાં આવી હતી એ મુજબ જોઇએ તો ૧૩૬ દેશના ૧૦ કરોડથી વધુ બાળકો વિટામીન એ ની ઉણપ ધરાવે છે. આ ઉણપ જ બાળ મૃત્યુદર માટે મુખ્યત્વે જવાબદાર છે. આપણા દેશમાં તે સમયના આંકડા મુજબ ૫.૭ ટકા બાળકો વિટામીન એ ની ઉણપના કારણે આંખના દર્દથી પીડાય છે. નાના બાળકો માટે મુખ્ય વિટામીન માતાનું ધાવણ છે, જે શ્રેષ્ઠ છે. નાનું બાળક ૯ માસથી ૩ વર્ષનું થાય ત્યાં સુધી દર છ માસના અંતરે વિટામીન એ નો ડોઝ આવપો જોઇએ. આ માટે સૌ કોઇ માતા અને સબંધિત આરોગ્ય તંત્રએ તેના સેવાક્ષેત્રમાં વિસ્તાર આવે છે તેમાં જાગૃતિ બતાવી અસરકારક પરિણામ મળે તેવી કાર્યવાહી કરવી ઘટે.

વિશ્વમાં દર એક મીનિટે એક સગર્ભા માતા મૃત્યુ પામે છે. આપણા દેશમાં દરરોજ ૩૨૬ માતા સગર્ભા અવસ્થામાં મૃત્યુ પામાવાના આંકડા છે. ગુજરાતમાં દરરોજ ૧૨ માતા પ્રસવકાળ અથવા પ્રસુતિના સમયે જ મૃત્યુ પામે છે. વિશ્વમાં દર વર્ષે ૪૩ લાખ નવજાત શીશુઓ મૃત્યુ પામે છે. વિશ્વમાં આજે ૮૦ ટકા  બાળકો ઓરીના રોગથી રક્ષિત છે, રસીકરણનો કાર્યક્રમ અમલી છે. હજી પણ ઓરીના કારણે જે બાળકોના મૃત્યુ થાય છે તે અટકાવી શકાય તેમ છે. વિશ્વમાં તે સમયના આંકડા મુજબ કુલ્લ ૪ કરોડ લોકો અંધ છે. દર વર્ષે અઢી લાખનો તેમાં ઉમેરો થાય છે! ભારતમાં ૧ કરોડ ૨૦ લાખ અંધ લોકો છે અને ૮૦ લાખ લોકો એક આંખે અંધ છે. ભારતમાં ૪૨ લાખ બાળકો ૬ વર્ષે અંધ બને છે જ્યારે ૭૮ હજાર બાળકો દર વર્ષે વિટામીન એની ઉણપને તેમની આંખ પર અસર પડે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ગણત્રી એવી છે કે આવતા ૨૫ વર્ષમાં ૩૦ કરોડ માનવીને કેન્સર લાગુ પડશે. આરોગ્ય અભ્યાસુઓના સંશોધનમાં અનેક રોગ અને તેના કારણે મૃત્યુનાં આંકડા ચોકાવનારા છે. એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં ૨૫૦૦૦ લોકો દરરોજ અશુધ્ધ પીવાના પાણીના કારણે થતા રોગને કારણે મૃત્યુ પામે છે.  આ વાત એટલા માટે કરી કે આરોગુઅ તંત્ર દ્વારા સેવા આપવામાં આવે છે. ઘણા રોગોની નાબુદી માટે ન્યાયાત્મક પગલાં રસીકરણના કાર્યક્રમ વગેરે સમયાંતરે થતાં રહે છે.

આરોગ્યની જાળવણી આપણા હાથમાં જ છે. ભુખ લાગે ત્યારે જ ખાવાનું. “ઉંઘ અને ખોરાક વધ્યા વધે અને ઘટ્યા ઘટે.” આરોગ્ય, પીવાના પાણી અને પર્યાવરણ સબંધિત જાગૃતિની શરુઆત આપણે આપણાથી જ કરીએ જેથી આરોગ્યના પ્રશ્નોની ચિંતા રહેશે નહિં. બાકી તો જેનું પેટ સાફ તેના બધા દર્દ માફ અને જેનું મન સાફ તેના બધા પાપ માફ!

Author
Tarunkant Chhaya's picture