પોતાના વિસ્તારની શોભા વધારતું ભુજનું "શાંતિનગર મહિલા મંડળ" !

ઘરની સુંદરતા, સ્વચ્છતા અને શોભા વધારવાનું કાર્ય ગૃહિણીઓ બખુબી નિભાવતી હોય છે પરંતુ ભુજ બોલે છે ની ટીમ આજે એક એવી ગૃહિણીઓના જુથને મળી જેમણે પોતાના ઘર સાથે પોતાના વિસ્તારને પણ સાફ્, સુંદર અને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. વાત છે ભુજ શહેરના શાંતિનગર વિસ્તારની ! આ વિસ્તારનાં "શાંતિનગર મહિલા મંડળ" ની બહેનો ખુબ જ ઉત્સાહ અને મક્કમતાથી પોતાના વિસ્તારના વિકાસ માટે એકજુથ બની છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સખી સંગીની પ્રકલ્પમાં જોડાયા બાદ સ્વ વિકાસની સાથે સાથે શાંતિનગરની બહેનોએ ઘણું શીખી તેને અમલમાં પણ મુક્યું છે.

આપણું શહેર ગંદકીના પ્રશ્નથી ખુબ જ ત્રસ્ત છે ત્યારે શાંતિનગરના મહિલા મંડળે તેમના વિસ્તારમાં એક કચરાના ઉકરડાને સદંતર રીતે હટાવી ગંદકી દુર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ મહિલા મંડળના પ્રમુખ અને અનેક કાર્યોમાં જોડાયેલા ક્રિષ્નાબેન ગોરે સખી સંગીનીમાં જોડાયા બાદ મહિલાઓ કેવી રીતે એકજુથ બની અને પોતાના વિસ્તારની એક એક સમસ્યાઓના ઉકેલ માટે કેવી પ્રક્રિયાઓ કરી તેની વાત કરી ! તેઓ કહે છે કે, “સખી સંગીનીના જિજ્ઞાબેન ગોરે અમને સંગઠન સાથે જોડ્યા અને એ સંગઠનની તાલીમો, પ્રેરણાઓના કારણે અમારા મહિલા મંડળમાં વિસ્તારના વિકાસ માટેનો ઉત્સાહ આવ્યો. અને સૌ પ્રથમ અમે અમારા વિસ્તારને સ્વચ્છ બનાવવા ઉકરડાના એક પોઇન્ટને કાયમ માટે હટાવી એ વિસ્તારને કચરામુક્ત કરવાનું બીડું ઝડપીને પાર પણ પાડ્યું!” ક્રિષ્નાબહેનના આ આત્મવિશ્વાસને વધારવામાં આ વિસ્તારની અનેક ગૃહિણીઓનો સિંહફાળો રહેલો છે.

ઉકરડો સાફ થઇ ગયો એટલે બસ, એવું નથી! આ મહિલા મંડળમાંથી ૬ બહેનોની એક "સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી બનાવાઇ છે જે કમિટીના ખુબ જ સતર્ક સભ્યો દરરોજ પોતાના વિસ્તારની તપાસ રાખે છે અને જરાક જેટલી ગંદકી ફેલાવા નથી દેતા. આ કમિટીમાં ક્રિષ્નાબેન ગોર, ગોદાવરીબેન ભટ્ટ, દેવયાનીબેન ગોસ્વામી, ભાવનાબેન ત્રિપાઠી, કમળાબેન કાંપશી તેમજ સરલાબેન જવાબદારી નિભાવી રહ્યા છે. મહિલામંડળના અન્ય સભ્યો મીનાબેન, અરુણાબેન, ભાવનાબેન, માલતીબેન, દમયંતીબેન, રીટાબેન, ધર્મિષ્ઠાબેન, બાંયાબેન, નીલમબેન, જાગૃતિબેન, કલ્પનાબેન, ડિમ્પલબેન, ભાવનાબેન બ્રહ્મક્ષત્રિય, અંજુબેન તેમજ નિધિબેન મંડળના કાર્યોમાં ખુબ જ સક્રિય ભુમિકા નિભાવી રહ્યા છે. જો ભુજના દરેક વિસ્તારની મહિલાઓ શાંતિનગર મહિલા મંડળ જેટલી સક્રિય થઇ જાય તો આખુંય ભુજ વિકાસની વાટે આગળ ધપી શકે તેમ છે.

Author