ભુજના શીરવામંડપમાં ભાઇ-બહેનોની ભાગીદારી સાથે કાઉન્સીલીંગ સેન્ટરની પેનલ બની !

સખીસંગીનિ દ્વારા ભુજ શહેરના શીરવામંડપ વિસ્તારમાં બહેનો અને ભાઇઓ બન્નેના પ્રશ્નોને વાચા મળે એ માટે ઉભા કરાયેલા 'કાઉન્સીલીંગ સેન્ટર'માં સ્થાનિકના જ ૧૦ ભાઇઓ બહેનોની પેનલની રચના કરવામાં આવી છે.

સખીસંગીનિ દ્વારા ચાલતા પેરા લીગલ કેડરના બહેનો કેસ કાઉન્સીલીંગ અને સમાધાનની પ્રક્રિયા જાતે કરતા થાય તેમજ સમાજમાં સ્ત્રી અને પુરુષ બન્નેને ન્યાય અને સમસ્યાના માટે એમના જ દ્વારા આ સેન્ટર ચાલે એ માટે પેનલની રચના કરવામાં આવી છે. પેનલમાં શીરવા મંડપના ૧૦ સભ્યો છે જેમાં ૬ ભાઇઓ અને ૪ બહેનો છે જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો સમાનતાથી ઉકેલી શકશે. તેમજ આ પેનલ સાથે જોડાયેલાં સખી સંગીનીના ૭૦ સભ્યો છે તેમજ ૫ સ્વ સહાય જુથો પણ છે જેમાં બચત અને ધિરાણની પ્રવૃતિ કરવામાં આવે છે.

ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થામાં સખીસંગીની પ્રકલ્પમાં કાર્યરત જિજ્ઞાબેન ગોરે આ પ્રકારના કાઉન્સીલીંગ સેન્ટર માટેનો વિચાર કર્યો હતો અને આજે છેલ્લા ૯ માસથી શીરવા મંડપ વિસ્તારમાં કાઉન્સીલીંગ સેન્ટર ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં ઘરેલુ હિંસા અને સામાજિક ન્યાયના મુદ્દે જાગૃતિ આવે અને સમસ્યાઓનું સમાધાન  થવા સાથે એક સંવેદનશીલ સમાજની રચના થાય એ હેતુ સાથે સ્થાનિક સભ્યો દ્વારા સંચાલિત આ કાઉન્સીલીંગ સેન્ટર ઉભું કરાયું છે.

પેનલ દ્વારા એ અભ્યાસ પણ થયો છે કે વિસ્તારમાં અલ્પ શિક્ષણ અને રુઢિચુસ્ત રિવાજોના કારણે ઘરેલુ સમસ્યાઓ સર્જાતી રહે છે. આ પ્રશ્નોને બહાર લાવવા દર માસની ૪થી તારીખે પેનલની હાજરીમાં કાઉન્સીલિંગ કરવામાં આવશે. આ પેનલની રચનામાં વિસ્તારના યુવાનો, કિશોરીઓનું જુથ, પેરાલીગલ બહેનો તેમજ અન્યો રસપુર્વક જોડાયા હતા.

લેખન : જિજ્ઞાબેન ગોર

Author
Sakhi Sangini's picture