રાજીવ આવાસ યોજના અંતર્ગત ભુજમાં ભૂંકપ પ્રતિરોધક બાંધકામ અંગે તાલીમ શિબિર યોજાઇ

ભુજ શહેરને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવાના અભિયાન હેઠળ કચ્છ એસોશિએશન ઓફ સિવિલ ઇન્જીનિયર એન્ડ આર્કિટેક્ટ તથા હુન્નરશાળા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઑ અને કારીગરો માટે ભૂકંપ પ્રતિરોધક બાંધકામની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં ઇન્જીનિયર અતુલભાઈ ઉપાધ્યાયે જ્યારે કુદરતી આફત આવે છે તેની બાંધકામ પર તથા લોકો પર પડતી અસરો વિષે સમજણ આપી હતી. હુન્નરશાળા ફાઉન્ડેશનના ઇન્જીનિયર રૂપેશભાઈ હુરમાડેએ પ્રેઝન્ટેશન દ્ધારા બાંધકામ પદ્ધતિ અને તેના ટેકનિકલ પાસાઓની સમજણ આપી હતી. સાથે સાથે લાભાર્થી અને કારીગરોના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું.

લાભાર્થીઓ મળનાર મકાન કેવું હોઈ શકે તેને ઉડાણ પૂર્વક સમજી શકે માટે હુન્નરશાળા ફાઉન્ડેશને તૈયાર કરેલ મકાનનું મોડેલ રજૂ કરી સમજાવવામાં આવ્યું હતું. લોકોએ આતુરતા પૂર્વક મકાનના દરેક વિભાગો જેવાકે, રૂમ, રસોડુ, આંગણું વગેરેની ડિઝાઇન તથા ઉપયોગિતા વિષે ચર્ચા-વિચારણા કરી હતી. હુન્નરશાળા ટેકનિકલ ટીમના સભ્ય કરમસિંહભાઈ રંગાણી દ્ધારા સંકુલના મેદાનમાં કારીગરોને સાથે રાખી પાયાની છાપણી કરવામાં આવેલ હતી તથા બાંધકામના દરેક પાસા જેવાકે પાયાનું ખોદાણ, પાયાની ભરતી, ચોડાઈ, બેન્ડ વગેરે પાસાની સમજણ સ્થળ પર નિર્દશન કરી સમજાવવામાં આવેલ હતી. કારીગરોએ રસપૂર્વક ભાગ લીધો હતો અને નિયમોને અનુસરી ભૂકંપ પ્રતિરોધક બાંધકામ અંગે સમજણ મેળવી હતી.

હુન્નરશાળા ફાઉન્ડેશનના ઇન્જીનિયર રૂપેશભાઈ હુરમાડેના કહેવા પ્રમાણે સમયાંતર આવી તાલીમ કારીગરોના કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તથા જરૂર પડે સાઇટ પર પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. લાભાર્થીઓ અને કારીગરોએ પણ આવી તાલીમ યોજવા બદલ ઇંજિનિયર એશોશીશન તથા હુન્નરશાળા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.

Author
ramesh.chauhan's picture