ભુજની સહજીવન સંસ્થા દ્વારા કરાયો માલધારીઓનો અભ્યાસ

ભુજ શહેર સીમાડા પર્વતીય, જંગલો, સુકી, પિયત ખેતીવાળા વિસ્તારોથી ઘેરાયેલુ છે. ભુજમાં અન્ય સ્થાનીક સમાજોની સાથે બન્ની, પાવર પટી, તેમજ અન્ય માલધારી વિસ્તારોમાંથી કાયમી સ્થળાંતરીત કરીને આવેલા લોકો સ્થાયી થયાં છે. જેમણે પશુપાલન આધારિત આજીવીકા વિકસાવી છે. આ સમુદાયો સ્થાનીય પરિસ્થિતીમાં અનુકુલન સાંધીને તેમની આજીવિકા વિકસાવવા પ્રયત્નશીલ છે.તેમની સામે કેટલીક શકયતાઓ ઉપરાંત પડકારો પણ સામે આવી રહયાં છે.આ બાબતોને ધ્યાનમાં રાખી ભુજ શહેરમાં પશુપાલન વ્યવસાય આર્થિક, સામાજીક અને પર્યાવરણીય રીતે મજબૂત કરવા આ સંકલ્પના વિચારાઇ છે.
સહજીવને આ રસ્તે વિચારવાનું અને કયા કયા વિસ્તારમાં માલધારીઓ રહે છે અને એ લોકો પશુ આહારમાં પોતાના પશુને શું શું ખવડાવે છે વગેરે માહિતી એકઠી કરી અને એક- બે માલધારીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યુ. આમ એક બે માલધારીઓ સાથે શરૂ કરેલ કામનો વ્યાપ આજે ૨૫૭ માલધારીઓ સુધી પહોચ્યો છે. ભુજ શહેરમાં કુલે ૩૩૫ માલધારીઓ વસવાટ કરે છે.જેમાં થી ૨૭૨ માલધારીઓ એવા છે જે ચરિયાણ ભૂમિ પર આધારિત માલધારીઓ કહેવાય છે, અને ૬૩ માલધારીઓ એવા છે જેના પશુઓ શહેરની અંદર ફરતા અને ચરતા હોય છે એ પશુઓ શહેરની અંદર જ ફરે છે, સીમમાં કોઇ દિવસ જતાં નથી. જેમાં કેમ્પ એરિયા,વોર્ડ નંબર ૬,૮,૯,૧૨ અને ૧૪માં વોર્ડના અમુક માલધારીઓનો સમાવેશ થાય છે.

પશુધન માટે ચરાવવા માટે જમીન રહી નથી (ગૌચર અને પડતર પર દબાણ થઇ ગયેલ છે)

આખા ભુજમાં જે જે જગ્યાએ મોટી સંખ્યામાં માલધારીઓ રહે છે એ તમામ માલધારીઓના મત પ્રમાણે ભુજમાં ગૌચર જમીન,પડતર જમીન કે ટાર્વસની જમીન ખાલી રહી નથી,ખરાબાની જમીન તકમાં માથાભારે લોકોએ દબાણ કરીને રોકડીયા પાક વાવે છે અને રોકડી આવક મેળવે છે.અને પશુને ચરવા માટે કે જવા માટે જગ્યા બાકી રાખી નથી.

પશુધનને પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરેલ નથી

મોટી ઉમરના માલધારી હાજી પીનુ જતનુ કહેવુ છે કે ' ભુજ શહેરમાં આવેલ બુધા રખાલમાં નાના મોટા ૩૫ જેટલા તળાવો આવેલા છે પરંતુ હવેએરખાલ પર વન તંત્રનો કબજોહોવાથી પશુને પીવાના પાણી માટે મુશ્કેલી થાય છે."

પશુધન માટે વથાણની વ્યવસ્થા નથી

૨૦ -૨૫ વર્ષ પહેલાં ભુજમાં પશુધન માટે અલગ અલગ જગ્યાએ કુલ મળીને ૭ થી ૮ વથાણો આવેલ હતાં, આ વથાણોમાં પશુઓ બેસતાં અને લોકો આ વથાણોમાં ધર્માદા નો ચરો નાખતાં,પરંતુ ભૂકંપ પછી એક જ વથાણ જે નામ ખાતર રહી ગયુ છે એ દેસલસર તળાવના નાલા પાસે આવેલ છે.

ગૌચર પર દબાણ અને રખાલ પર વન વિભાગ હોવાથી ચરિયાણની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શાંતીનગર જતવાસના આમદભાઇ જત નું કહેવું છે કે 'ભૂમાફીયાનો વર્ચસ્વ વધતુ જાય છે અને ખાલી કે ગૌચર જમીનનો નાશ થતો જાય છે. આ જમીન દબાણથી સરકાર વાકેફ છે છતાં સરકારી તંત્ર આંખ આડા કાન કરે છે અને ભૂ માફીયા વિરૂધ કોઇ પગલાં લેવામાં આવતાં નથી."

પશુ સારવારની સવલતનો અભાવ

ભુજ શહેરના તમામ વિસ્તારો જયાં માલધારીઓ રહે છે એ બધા વિસ્તારોમાં સરકારી પશુ દવાખાનાની સગવડનો અભાવ છે.ઘણી વખત ખાનગી ર્ડોકટરોને બોલાવવામાં આવે છે,ત્યારે એ પણ મન ફાવે તેવી ફી લઇ લે છે.સુપાર્શ્વ સંસ્થા નો ઘણો ટેકો મળે છે,પરંતુ અમુક સંજોગોમાં એમની સેવા થી વંચિત રહી જવાય છે.

ખરાબ વર્ષમાં ઘાસચારાની તકલીફ તથા સરકારી સહાયનો અભાવ

ખરાબ વર્ષમાં વરસાદ ઓછો થવાના કારણે ઘાસ ચારો ઓછા પ્રમાણમાં ઉગેલ હોવાથી પશુધનને પુરતુ ન હોવાથી અને સરકારી સહાય યોગ્ય રીતે મળતી ન હોવાના કારણે માલધારીઓને પોતાના પશુધનને લઇને જયાં સારો ઘાસચારો મળી રહે એ વિસ્તારમાં હિજરત કરવાની ફરજ પડે છે.

દુધની બજાર વ્યવસ્થા

૧૧૭૭૭ લીટર ગાયનું દુધ અને ૫૪૩૮ લીટર ભેંસનું દુધ આ લગભગ ૧૭૨૧૫ લીટર દુધ પુરૂ પાડીએ છીએ પરંતુ આ ૩૩૫ માલધારીઓ માંથી ગણેશનગર,કોડકી રોડ તેમજ ગાંધીનગરીના અમુક જ માલધારીઓને દુધના સારા ભાવ મળે છે.બાકી બધા માલધારીઓ પોતાનુ દુધ જથ્થા બંધ વેપારીને આપે છે,આ વેપારી માલધારીને ગાયના દુધના ૨૦ રૂપિયા અને ભેંસના દુધના ૩૦ રૂપિયા આપે છે અને આ જ દુધ જયારે ફેરીવાળેા ગ્રાહકને વેચે છે ત્યારે ગાયના દુધના ૩૦ થી ૩૫ રૂપિયા અને ભેંસના દુધના ૪૫ થી ૫૦ રૂપિયે લે છે. આમ માલધારીને નફો થવાની જગ્યાએ જથ્થાબંધ વેપારીને નફો થાય છે,તેથી માલધારીને જ વધારે આવક થાય અને વધારે નફો મળે એવા પ્રયત્ન કરવા જોઇએ.

શહેરી પશુપાલનને મજબૂત કરવા માટેની સંભવીત રણનીતિ

ભુજ શહેરમાં જુદા જુદા વિસ્તારો પ્રમાણે વિસ્તાર પ્રમાણે સંગઠનો બનાવી,એક શહેરી સ્તરનું સંગઠન બને અને આ સંગઠન માલધારીઓને થતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટેના કાર્યો કરવાની, માલધારી સંગઠનને સાચી દીશા દોરવણી કરવી અને શહેરી પશુપાલન કઇરીતે મજબૂતીકરણ તરફ જઇ શકે એવા પ્રયત્નો કરશે.
યુવાન વયના માલધારીઓ સાથે શહેરી પશુપાલન મજબૂત થાય આ યુવાનો આ પરંપરાગત વ્યવસાયને આગળ લઇ જાય એ માટેની ની પ્રક્રિયા હાથ ધરવી.
માલધારી સંગઠન રજીસ્ટર કરેલુ હશે તો સરકાર સાથે વાર્તાલાપ કરવામાં સરળતા રહેશે,અને શહેરમાં માલધારીઓ છે તો ખરાબ વર્ષ કે દુષ્કાળવાળા વર્ષમાં શહેરમાં પણ અછત જાહેર કરી ઘાસ ડેપો ચાલુ કરાવી શકાશે.
માલધારી સંગઠનના તમામ માલધારીઓ પાસે સારી નસલના પશુઓ રાખે તે બાબતે માલધારી સંગઠન કામ કરશે.
પશુ માટેની ચરિયાણ ભૂમિ માટે અને પશુના સુરક્ષિત આવાસ માટે પશુના રહેઠાણ માટે સરકારશ્રીની યોજના એનીમલ હોસ્ટેલ બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઇએ.
શહેરી માલધારી સંગઠન દ્વારા સરકારી પડતર, ટાવર્સ તેમજ ગૌચર જમીન પર થતાં દબાણો દુર કરવા માટે ની જરૂરી પ્રક્રિયા હાથ ફરવામાં આવે તો ચોક્કસ કોઇ સારા પગલાં લેવાશે.
પશુ આહારની જરૂરિયાત પ્રમાણેની સામુહિક ખરીદી વાળા સમીકરણ પર કામ કરવામાં આવે તો માલધારીઓને તમામ પશુ આહાર બજાર કરતાં સસ્તા ભાવે અને સારી ગુણવત્તાનું મળશે.
પશુ આહારની વૈજ્ઞાનિક પધ્ધતિ પ્રમાણે પશુ આહાર ખવડાવશે,એટલે કે સુકા ચારાનો નુકશાન ન થાય એ માટે ચાફ કટરનો ઉપયોગ કરવો, મીનરલ મીકસચર પશુ આહારમાં આપવો વગેરે બાબતો ધ્યાનમાં રાખવાથી દુધ સારી ગુણવત્તાનું અને વધારે પ્રમાણ માં મળી શકશે.
શહેરમાં ઉત્પન્ન થતો ૬૭% ભીના કચરાને માલધારીઓ પશુઆહાર તરીકે ઉપયાગ કરતાં હશે.
શહેરમાં ભાડા દ્વારા જાહેર કરાયેલ ખેતી લાયક જમીન પર(ગ્રીન બેલ્ટ એરીયા)માં ગ્રે વોટર રિસાઇકલ થી ફોડર પ્લોટ અને ફોડર પ્રોડકશન કરી શકાય.
માલધારી સંગઠન પશુના સારા આરોગ્ય માટે નીયમીત રસીકરણ વગેરે બાબતો માટે સરકારી દવાખાના સાથે સંકલનમાં રહેશે તો પશુની તંદુરસ્તી સારી રહેશે.
માલધારી સંગઠનના દરેક માલધારીને એના ચોખ્ખા દુધના સારા ભાવ મળી રહે એ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવશે. જેમકે ડેરી સાથે સંકલન કરવું, સંગઠનનું પોતાનું દુધ વિતરણ કેન્દ્વ ખોલવું વગેરે પ્રક્રિયા હાથ ધરવાથી માલધારીને દુધના સારા ભાવ મળશે, અને માલધારીની આર્થિક પરિસ્થિતીમાં સુધારો આવશે.

Author
Nita Khubchandani's picture