ભુજની પાલારા જેલના કેદીઓએ બનાવ્યો કાટમાળમાંથી આરામદાયક ઓટલો !

“ભુજ બોલે છે" ટીમે કાટમાળમાંથી બેસવા લાયક ઓટલો બનાવવાની વાત મુકાઇ અને તરત જ પોતાની જેલ માટે હંમેશા કંઇક નવું કરવાની તત્પરતા ધરાવતા અધિક્ષકશ્રીએ હા પાડી અને પાલારા જેલના કમ્પાઉન્ડમાં બનાવાયો કાટમાળના પથ્થર અને તુટેલી ટાઇલ્સનો આરામદાયક ઓટલો! જેલમાં સજા પામેલા વ્યક્તિઓ, બીબીસીની ટીમે હુન્નરશાળાના વડીલ માર્ગદર્શકના સુચનો સાથે ઓટલો બનાવ્યો અને આ પ્રકારે વધુ ને વધુ ઓટલા પાલારા જેલમાં બનાવવા માટે અધિક્ષકશ્રીએ કહી દીધુ.

ભુજના નાગરિકોના પોતિકા મંચ "ભુજ બોલે છે" દ્વારા 'સ્પોટ ફીક્સિંગ'ની પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમાં લોકભાગીદારી સાથે જાહેર વિસ્તારોની સફાઇ સાથે કાટમાળમાંથી ઓટલા બનાવવાની પ્રવૃતિ કરવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત પાલારા જેલની મુલાકાત દરમ્યાન બીબીસીની ટીમે અધિક્ષકશ્રી વી. બી. ગોહિલસાહેબ સમક્ષ ઓટલાની વાત મુકી અને તેમણે જેલમાં ડેમોન્સ્ટ્રેશનની પરવાનગી આપી. હુન્નરશાળામાં કડિયાકામ અને રિસાયકલ મટેરીયલ્સમાંથી થતી કામગીરીના તાલીમકાર અને અનુભવી વડીલ ખીમજીકાકાના માર્ગદર્શન સાથે જેલના કેદીભાઇઓ અને બીબીસીની ટીમે નજીવા સમયમાં ટાઇલ્સથી સજ્જ એવો ઓટલો તૈયાર કર્યો. ખુબ જ ઓછા ખર્ચ અને કોઇ પણ ટેકનિકલ આવડત વગર જ નજીવા સમયમાં બની જતા આ ઓટલાની પ્રવૃતિ અધિક્ષકશ્રીને પસંદ આવી હતી. તેમણે તેમના સ્ટાફને ઓટ્લા બનાવવા માટેની જરુરી સામગ્રી વસાવી જેલના કમ્પાઉન્ડમાં આવા ઓટલા બનાવવાનો આદેશ આપ્યો હતો. બાળકો આ ઓટલા પર બેસી રમી શકે એ માટે શ્રી ગોહિલસાહેબે ઓટલો બનાવવા માટે જેલમાં આવેલા બગીચાની જગ્યા પસંદ કરી હતી. લોખંડની ફ્રેમની મદદથી સિમેન્ટ, રેતી અને નકામા એવા પથરાનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી ઓટલો તૈયાર થઇ ગયો.

img_20150612_104231.jpg

અધિક્ષકશ્રીના પાલારા જેલને ઉત્કૃષ્ટ જેલ બનાવવા માટેના આવકારદાયક પગલાઓથી જેલ સ્ટાફ સાથે સજા કાપતા કેદીઓ પણ બહુ ખુશ થાય છે અને આવી કામગીરીમાં હોંશભેર જોડાય છે. ઓટલો બનાવવામાં જહેમત કરનાર કેદીઓએ આખી જેલમાં ઓટલા બનાવવાનું બીડું ઝડ્પ્યું છે. ખરેખર સજા પામીને સજાથી દુર રહેતા વ્યક્તિઓને પોતામાં સુધાર લાવવાની અનેરી તક મળે છે આ પાલારા જેલમાં !

Author
jayanjaria's picture