ભુજમાં ઉત્તરાયણના દિવસે 'પક્ષી સારવાર કેન્દ્ર'માં ૩૩ પક્ષીઓને મળ્યું જીવતદાન !

ગીત-સંગીત અને મોજ વચ્ચે ઉજવાયેલી ઉત્તરાયણમાં એક તરફ રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા તો બીજી તરફ્ ધારદાર દોરથી કપાઇને અનેક પક્ષીઓ ઘાયલ થઇને જમીનદોસ્ત થયા હતા! આવાં પંખીઓને મોતના મુખમાંથી બચાવવા માટે પશ્ચિમ વનવિભાગ, સહજીવન, ભુજ બોલે છે અને સાથી સંસ્થાઓ દ્વારા 'પક્ષી સંરક્ષણ કેન્દ્ર' ચલાવવામાં આવ્યું હતું.

dsc05023.jpg

સામાન્ય દિવસોમાં પક્ષીઓ તેમના સવાર અને સાંજના નિર્ધારીત સમયે ઉડતાં હોય છે પણ ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડતા પતંગોના દોરા, ગાજતા લાઉડ સ્પીકરના ઘોંઘાટના કારણે વિચલીત થયેલાં પક્ષીઓ વધુ ઉડવા લાગ્યા હતા અને દોરથી અનેક પંખીઓ ઘાયલ થયા હતા. ભુજ બોલે છે વેબસાઇટ અને સમાચાર પત્રોમાં આવેલી જાહેરખબરોથી અવગત પક્ષીપ્રેમીઓએ  કેટલાક પક્ષીઓ સંરક્ષણ કેન્દ્ર પહોંચાડ્યા તેમજ કેટલાક લોકોએ ફોન કરીને રેસ્ક્યુ ટીમને સ્થળ પર બોલાવી પક્ષીઓના જીવ બચાવવામાં સહયોગ આપ્યો હતો.

dsc05079.jpg

સવારથી શરુ થયેલાં કેન્દ્રમાં દિવસ દરમ્યાન ૧૮ ઘાયલ પક્ષીઓ લાવવામાં આવ્યા હતા જેમાં મોટો કાજીયો, ઢોર બગલો, હોલી, પોપટ, વડવાગોડ તેમજ વધુ માત્રામાં કબુતરો દોરથી કપાયા હતા. ગંભીર રીતે ઘવાયેલાં ૫ પક્ષીઓને ટાંકા લેવાયા હતા જેમાંથી ૨ કબુતર અને વડવાગોડ મોતને ભેટ્યાં હતાં. અન્ય પક્ષીઓને સામાન્ય સારવાર અપાઇ હતી. એ જ રીતે સુપાર્શ્વ જૈન મંડળ દ્વારા ઉભા કરાયેલાં સેન્ટરમાં પણ ૨૭ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઇ હતી જેમાં કબુતર સાથે બે ગુલાબી પેણ, કોયલ, સમડી જેવાં પક્ષીઓ હતા. આ ઘાયલોમાંથી ૭ કબુતર અને બે ગુલાબી પેણ બચી શક્યા નહોતા! બન્ને કેન્દ્રોમાં આવેલાં પક્ષીઓમાંથી ૩૩ પક્ષીઓ સુપર્શ્વ જૈન મંડળ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યાં છે. જે પક્ષીઓ સારવાર બાદ પણ બચી શક્યા નહોતા એવા ૧૨ પક્ષીઓની સામુહિક સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી અને ભુજની ભાગોળે અગ્નિ સંસ્કાર કરી હતભાગી આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

dsc05182.jpg

પક્ષીઓના સ્વભાવને ઓળખતા અને તાત્કાલિક સારવાર કરી જાણતા ભુજના સરકારી વેટરનરી તબીબો ડો. એચ.એમ.ઠક્કર, ડો. એ. એમ. પટેલ, ડો. એચ. બી. પટેલ તેમજ ડો. એ. એચ. ગામેતીએ લોહીલુહાણ થયેલાં પક્ષીઓની સઘન સારવાર કરી હતી. પક્ષીવિદ નવિનભાઇ બાપટ, જયસિંહ પરમાર, ફોરેસ્ટના એ. કે. સુખડીયા, ઉર્મીબેન જાની, આર. ડી. ચાવડા, નીતિન મકવાણા, મહેશભાઇ મકવાણા પણ જોડાયા હતા. સહજીવનના પંકજભાઇ જોષી, અક્ષિત સુથાર, વિનોદ સોલંકી, રિતેષ પોકાર, ધર્મેશભાઇ અંતાણી, ભુજ બોલે છેના અસ્લમ જુણેજા સહિતે વ્યવ્સ્થા સંભાળી હતી.

Author
jayanjaria's picture