શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળનો અસિતી વર્ષ નિમિત્તે મહોત્સવ ઉજવાયો

કચ્છમાં સૌથી જૂના અને નહેરુ યુવા કેન્દ્ર તરફથી શ્રેષ્ઠ મહિલા મંડળનો એવોર્ડ મેળવનાર આ સંસ્થાને ૮૦ વર્ષ પૂર્ણ થતાં તાલીમાર્થીઓ દ્વારા તેનો અસિતી વર્ષ મહોત્સવનો એક રંગારંગ કાર્યક્ર્મ તા. ૧૭/૧૨/૨૦૧૬ ના સહયોગ હોલમાં ભુજના નગરપતિશ્રી અશોકભાઇ હાથીના અધ્યક્ષપદે તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો. શ્રી મધુકાંતભાઈ આચાર્યના અતિથિવિશેષ પદે યોજાઇ ગયો.

કિશોરભાઇ જોષી ગ્રુપ દ્વારા પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખશ્રી પુષ્પાબેને કર્યું હતું. તેમજ ઉપપ્રમુખ શ્રી ભાનુબેન પટેલે પુષ્પગુચ્છ તથા શાલથી સન્માન્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ ખજાનચી શ્રીમતી જયશ્રીબેન ઠક્કરે રજૂ કર્યો હતો. અતિથિ વિશેષશ્રીએ સંસ્થાની પ્રવૃત્તિ અને પ્રગતિ જોતાં રૂ.૧૦૦૦/- જાહેર કર્યા હતા. તેમજ પ્રમુખશ્રીએ સંસ્થા માટે જરૂરી સહાય માટે તેઓ સદાય તત્પર છે તેવું જણાવ્યુ હતું. મહિલા મંડળના પ્રમુખ તેઓશ્રીના ગુરુ હોય તેને શાલ ઓઢાળી સામું સન્માન કરી એક નવો ચીલો પડ્યો હતો.

પ્રારંભે જાણીતા નૃત્યાંગના શ્રીમતી વૈશાલીબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળાઓએ ગણેશવંદના રજૂ કરી પ્રેક્ષકવર્ગની દાદ મેળવી હતી. આ ઉપરાંત મૈત્રી ગણાત્રા, દેદીત્યા શુક્લ, રિદ્ધિ રાઠોડ, હેત્વી ગણાત્રા, અનન્યા મજીઠિયા, વૃત્તિ પટેલ, વૃંદા વેદએ સજીવ કૃષિ ડાન્સ તથા ટિપ્પણી નૃત્ય રજૂ કરેલું. ટિપ્પણી નૃત્યની બાલિકાઓ જયપુર, દિલ્લી અને પુનામાં નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. સંગીત વર્ગના તાલીમાર્થીઓએ ‘સાત સૂરોના સરનામે ‘ ગીતની રજૂઆત પછી બાળાઓએ ભગવતી સેંઘાણીના નેતૃત્વમાં જૂના ફિલ્મગીતોની શ્રેણી રજૂ કરી હતી.

શ્રી ચેતનભાઈ ઠાકર તથા કેતનભાઈ ગોહિલની રાહબરી હેઠળ નાની ઉમરના નમન પંડ્યા, રિષી મજેઠીયા, તીર્થ શાહ, પાર્થ શાહ, પ્રિયંક ઠક્કરે ડ્રમ સેટ પર પોતાની કલાની કમાલ દેખાડી હતી. બાલ કલાકાર નમન પંડયાએ કી-બોર્ડ પર ‘ સુહાના સફર ‘ ગીત રજૂ કરી શ્રોતા ઓને ડોલવ્યા હતા. ગિટારવાદનના સંચાલક નીરવ કાલરીયાની સુંદર રજૂઆત બાદ વૃત્તિ ધોળકિયા તથા હિલોર વારા, ધવલ ઠક્કરે ગાવા સાથે ગિટારવાદન કર્યું હતું. જે એક મુશ્કેલ કલા છે. ફાયર ડ્રમના વિશિષ્ટ અને ચમત્કૃતિ વાળા કાર્યક્રમની રજૂઆત શ્રી એ.એફ.આચાર્યે કરી હતી. તેમજ તેની સંગતમાં યશ પરમાર, નિમિષ પવાણી, મહેતા પરમ રહ્યા હતા. તેમના વાદનથી આ વિશાળ હૉલ ગાજી ઊઠયો હતો.

સંસ્થાના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધે પણ કી-બોર્ડ પર જૂનું ગીત ‘ આપકી નજરોને સમજા ‘ રજૂ કરી પ્રેક્ષકોને આશ્ચર્ય ચકિત કર્યા હતા. કાર્યક્રમની આભારવિધિ શ્રીમતી કાશ્મીરાબેન ભટ્ટે કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ચેતનભાઈ ઠાકર અને રેખાબેન વોરાએ બખૂબી કર્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓની બહોળી સંખ્યા હતી. ઉપસ્થિતોમાં જિલ્લા પંચાયતના માજી સભ્યશ્રી કમશ્રીબેન ગઢવી, શ્રીમતી મંદાબેન પટ્ટણી, કવયિત્રી સુધાબેન મહેતા, મહાલક્ષ્મીબેન મજીઠિયા, શ્રીમતી રમીલાબેન મહેતા, ડો.વિનીતભાઈ , ડો. એકતાબેન ઠક્કર, ડો. દિતિબેન વેકરીયા, સાંધ્યદીપના પ્રમુખશ્રી કનુભાઈ જોશી, શ્રી કૃષ્ણકાંતભાઈ ભાટિયા રહ્યા હતા. કાર્યક્ર્મની અભૂતપૂર્વ સફળતામાં હેમસંધ્યા, નાગર મંડળ , અપૂર્વા મહિલા મંડળ આચાર્યાશ્રી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના અનુપમાબેન ઠક્કર, પ્રજ્ઞાબેન બુદ્ધભટ્ટી, વનિતાબેન સોલંકી, ઇલાબેન વૈષ્ણવ, સરસ્વતીબેન સોલંકી વગેરે સક્રિય રહ્યા હતા.

Author