શ્રી ભુજ છઠ્ઠીબારી મહીલા મંડળ દ્વારા "સૂરમયી શામ" કાર્યક્રમ યોજાયો

શ્રી ભુજ છઠ્ઠીબારી મહીલા મંડળ, સંચાલિત ‘સંગીત શિક્ષણ કેન્દ્ર’ના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે હિન્દી ફિલ્મોના જૂના અને અણમોલ ગીતો, દેશભક્તિ ગીતો, તથા કચ્છીગીતોનો સૂરમયી શામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રમાં તાલીમ મેળવનારા ભાઈબહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન વર્ગ-સંચાલક શ્રી કિશોર એલ. જોશી ‘કશીશ’ના સંગીત નિર્દેશન અને વ્યવસ્થા હેઠળ થયો હતો. ભગવતિબેન સેંઘાણી ‘ભૈરવી’ અને સાજિંદા સાથેના કલાવૃંદે સહકાર આપ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષપદે ડો. શ્રી સુરેશભાઇ રૂડાણી તેમજ ડો. શ્રીમતી પન્નાબેન રૂડાણી હતા. અતિથિવિશેષશ્રીઓ તરીકે કલેક્ટરશ્રીના ધર્મપત્ની શ્રીમતી નૈતિબેન ગાંધી, કલાકાર શ્રી બિપિનભાઈ સોની, સંગીતજ્ઞ શ્રી કમલેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સહુ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યામાં આ કાર્યક્રમમાં સરહદ પર રખોપું કરનાર બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી જીવનકિશોર ગુપ્તા અને શ્રીમતી શ્વેતાબેન ગુપ્તાએ ખાસ ઉપસ્થિત રહીને દેશભક્તિના ગીતો માણ્યા હતા.

મા. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, મા. ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, ગાયકશ્રી ઓસામણભાઈ મીર, નિશાબેન કાપડિયા તથા નિગમભાઇ ઉપાધ્યાયના શુભેચ્છા સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. સિદ્ધિપ્રાપ્ત તાલીમાર્થીઓ ખીમજીભાઇ કાપડી, ભગવતી સેંઘાણી, પ્રથમ શાહ, હેતલ વૈષ્ણવ, બિંદિયા રાજપરા, વૈશાલી ઠક્કરને મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનીત કર્યા હતા. માધાપરના પુનાભાઇ જંગીયાએ વિસરાતું જતું કચ્છી વાદ્ય મોરચંગ વગાડી સૌને મંત્રમુગ્ધ કર્યા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વૈદ્યએ કરેલ, જ્યારે સંસ્થાની પ્રવુત્તિઓની ઝલક શ્રીમતી જયશ્રીબેન ઠક્કરે આપેલ.

કલાકારોની કલાને બિરદાવતા સ્ટેટ બેંકના ચીફ ઓફિસર શ્રી રાજેશભાઇ જોશી, જવેરીલાલ સોનેજી, સંગીતજ્ઞ એલ. એન. ગઢવી, ડો. શ્રી યોગેશભાઈ વેલાણી, ડો. શ્રી પ્રદીપભાઇ વેલાણી, ડો.શ્રી વી.એચ.પટેલ, ગૌતમભાઈ જોશી, મણિભાઈ ઠક્કર, નારાણભાઈ રૂડાણી ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો તથા કલારસિક વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમ નું સંચાલન શ્રી મનનભાઈ ઠક્કરે ( આકાશવાણી ) કર્યું હતું. ભાનુબેન પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નિતાબેન, કાશ્મીરાબેન, અકીલાબેન તથા ઈલાબેન વગેરેએ જહેમત ઊઠાવી હતી.

Author