છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા યોજાઇ બાળકો માટેની ચિત્રસ્પર્ધા

તાજેતરમાં ભુજના છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા બાળકોમાં છુપાયેલી કલાને ઉજાગર કરવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રો. કાશ્મીરાબેન મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમની શરુઆતમાં શ્રી વિણાબેન મહેતાએ સ્તવન ગાયું હતું. મંડળના મંત્રીશ્રી કાશ્મીરાબેન ભટ્ટે અધ્યક્ષાનું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરવા સાથે બાળકોને ચિત્રકળા અને ચિત્ર લિપિ અંગે માહિતિ આપી હતી. અધ્યક્ષાશ્રી કાશ્મીરાબેને સંસ્થાની પ્રવૃત્તિઓ અને બાળકો તેમજ મહિલાઓ માટે થતી પ્રવૃત્તિઓ માટે આ સંસ્થા હમેશાં અગ્રેસર રહી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

11scan0020.jpg

સંસ્થાના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધામાં શહેરના ઘણા બાળકોએ ભાગ લીધો હતો. મહેમાન અને નિર્ણાયક તરીકે આવેલા શ્રી કુંજલતાબેન સાવલાએ જણાવ્યું હતું કે મારી પાસે કોઇ પણ બાળક માર્ગદર્શન માટે આવશે તો તેમને હું માર્ગદર્શન આપવા તૈયાર છું. સ્પર્ધા માટે કુંજલતાબેન તરફથી રોકડ સહાય પણ સંસ્થાને સાંપડી હતી. સંસ્થાના ભાનુબેને તેમનું સ્વાગત કર્યું હતું.

સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા અનુક્રમે ધૃવ પટેલ, કેશવી ભટ્ટ અને કરણ ઠક્કર રહ્યા હતા. તેમજ ત્રણ બાળકોને આશ્વાસન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ યોજાયેલા સિલાઇ, મહેંદી તથા રાખડી સ્પર્ધાના ઇનામો પણ આ પ્રસંગે આપવામાં આવ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો ઉપરાંત સરસ્વતીબેન સોલંકી, નયનાબેન મહેતા, નીનાબેન, હમીદાબેન, અકીલાબેન, રુક્ષમણીબેન વગેરેએ સહયોગ પુરો પાડ્યો હતો. સંચાલન કાશ્મીરાબેન ભટ્ટ અને આભારવિધિ જયશ્રીબેન ઠક્કરે કરી હતી. આશ્વી મજેઠિયાએ અંતમાં પ્રભુભજન રજુ કર્યું હતું.

Author