"છઠ્ઠીબારી મહિલા મંડળ" આપની સમક્ષ !

આપ સૌ મહાનુભાવોને આવકારતાં હું હર્ષની લાગણી અનુભવું છું.
તમારા અહીંયાં પગલાં થવાના,
ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે !
એ ન્યાયે જ્યારથી માનનીય સાંસદ શ્રી પુનમબેન જાટે આ સંસ્થામાં પગલાં પાડ્યા ત્યારે જ મારાં અંતરે પડઘો પાડ્યો હતો કે સંસ્થાની પુનમ ઉગી ચુકી છે. આજે કોમ્યુનીટી હોલનું લોકાર્પણ એ સંસ્થાના ઇતિહાસનું સુવર્ણ પાનું છે.

સંસ્થાનો ધ્યેય છે હુન્નર અને કલા દ્વારા બહેનો અને બાળકોનું સશક્તિકરણ કરવું. આ રીતે પ્રવ્રુત્તિ કરતી આ સંસ્થા ભુજના ગૌરવ સમાન છે. આ સંસ્થા અમ્રુતવર્ષની ઉજવણી પણ કરી ચુકી છે, જેનું સોવેનિયર પ્રસિધ્ધ થયેલું છે. તેમજ જિલ્લા નહેરુ યુવક કેન્દ્ર તરફથી શ્રેષ્ઠ મહિલા મંડળનો એવોર્ડ પ્રાપ્ત થયો છે !

૧૯૩૬થી આરંભાયેલી આ સંસ્થાનું મહત્વ વિશિષ્ટ છે. કારણકે શરુઆતમાં તેના પ્રમુખ તરીકે કચ્છ દિવાનના પત્ની હતા. વળી એ જમાનામાં ઘુંઘટ પ્રથાને તિલાંજલિ આપવા આ સંસ્થાના કાર્યક્રમમાં રાજરાણીએ સ્વયં ખુલ્લા મોંએ ઉપસ્થિત રહી અનુમોદન આપ્યું હતું. નોંધપાત્ર છે કે રાજરાણીનું માન તેમના રુઢિચુસ્ત સમાજમાં વિસિષ્ટ હતું. આ સંસ્થાની મુલાકાત મહાનુભાવો ઉપરાંત ઇંદીરા ગાંધીએ પણ લીધી હતી.

ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી સંસ્થા સૌના સહકારથી પુન: ફિનીક્સ પક્ષીની જેમ ઉભી થઇ ગઇ ! અહિં ચાલતી પ્રવ્રુત્તિઓમાં સીવણ, સંગીત, ન્રુત્ય, બાલમંદિર, ડ્રમ સેટ, ગીટાર જેવા વર્ગો ચાલે છે. સીવણ વર્ગમાં ટેકનીકલ બોર્ડ તરફથી લેવાતી પરીક્ષા માટે તાલીમ આપવામાં આવે છે. ચાર વર્ષનો અભ્યાસક્રમ પુરો કરીને બહેનો પોતાનું ઉપાર્જન મેળવી શકે છે. આ પરીક્ષાનું પરિણામ પ્રતિવર્ષ ૧૦૦% આવે છે. તેમજ પાસ થયેલી બહેનો સ્કુલમાં નોકરી મેળવી શકે છે. આ માટે ખ્યાતિબેન તાલીમ આપે છે.

140416-chathiibari_pics.jpg

સંગીતમાં ગાયન અને વાદન બન્નેની તાલીમ અપાય છે. વિશારદ સુધીનો અભ્યાસક્રમ છે. સંસ્થાની ગેરૈયા બિંદિયાએ ઝોન કક્ષાની સ્પર્ધામાં ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ વૈશાલીએ નવરાત્રિમાં વાદન કરી સિધ્ધિ મેળવી છે. કિશોરભાઇ જોષી સંગીતની તાલીમ આપે છે.

શાસ્ત્રીય ભરતનાટ્યમના વર્ગમાં ૭ વર્ષનો કોર્ષ છે. ૨૦૦૭માં આ વર્ગ ચાલુ થયો છે. આ અભ્યાસક્રમ પુર્ણ કરી બહેનો પારંગતતા પ્રાપ્ત કરે છે. આ વર્ગમાં વૈશાલીબેન સોલંકી અભ્યાસ કરાવે છે. બાળકોના સંસ્કાર ઘડતર માટે ૨૦૦૫માં બાલમંદિર શરુ કરેલ છે. ૩ થી ૫ વર્ષના બાળકો અહિં સંસ્કાર પામી શાળાઓમાં પ્રવેશ મેળવે છે. માજી ધારાસભ્ય શિવજીભાઇ આહિરની ગ્રાંટમાંથી બાલમંદિરનું મકાન બંધાયું છે. તેમજ પુર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઇ ગઢવીની ૫ લાખની ગ્રાંટમાંથી સંગીત અને ઓફિસના રુમ બંધાયેલ છે. બાલમંદિરના પ્રાંગણ માટે સ્વ. શ્રી પ્રેમલતાબેન કે. રંગવાલા તરફથી સવાલાખ અનુદાન મળેલ. બાલમંદિરના સંચાલક નીતાબેન જોશી છે.

આધુનિક યુગના અનુકુલન માટે ડ્રમસેટના વર્ગ ચાલે છે જેમાં ઓક્ટોપેડ, રોટોપેડ વગેરે શીખવાડાય છે. આ વર્ગના સંચાલક ચેતનભાઇ ઠાકર છે. અને નીરવભાઇ કાલરીયા ગીટારના વર્ગ ચલાવે છે.

140416-chathiibari_pics_0.jpg

આ વર્ગો ઉપરાંત બાળકો અને બહેનોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓ અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. દેશભક્તિ ગીત સ્પર્ધા, કચ્છી ગીત, લોકગીત, ભજન, વકત્રુત્વ, નિબંધ, કાવ્યપઠન, વેશભુષા, કેશગુંફન તેમજ ભ્રુણહત્યા, બેટી બચાવો, દહેજપ્રથા જેવા વિષયો પર ચર્ચાઓ યોજી સંસ્થાને કાર્યવંતી રાખવામાં આવે છે.

સંસ્થા રુપી વિકસીત પુષ્પ સમાજ સમક્ષ રજુ થયું છે. એની મહેક સમાજ માણે અને વધારે અને વધારે લાભ લે બસ એ જ સંસ્થાની અભ્યર્થના છે.

- લેખક : કાશ્મીરાબેન ભટ્ટ 

Author