ભુજના ફુલેશભાઇના જીવનની પ્રેરણા 'જીવદયા'!

Printer-friendly version

“આપણા પુર્વજો પાસે ગાયો હતી અને તેઓ તેની સેવા કરતા પણ હવે આપણી પાસે ગાયો રાખી શકાય એવી પરિસ્થિતિ નથી રહી અને તેને કારણે ગૌસેવા પણ નથી કરી શકતા! આ વિચારને કારણે જ મેં મારા જીવનમાં ગૌસેવા, શ્વાન સેવા અને પંખીઓની સેવા કરવાનું નિર્ધારી લીધું છે!” ભુજની જથ્થાબંધ બજારના એક વેપારી એવા ફુલેશભાઇ માહેશ્વરીએ ભુજ બોલે છેની મુલાકાતમાં આ શબ્દો કહ્યા હતા. જીવદયાની તેમની આ યાત્રા તો લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ તેમના પ્રયાસોના ફળ સ્વરુપે આજે તેમની સાથે જથ્થાબંધ બજારના અન્ય લોકો પણ જીવદયાના આ પરમ સુખકારી કામમાં તેમની સાથે જોડાઇ ગયા છે. ભુજ બોલે છે દ્વારા ભુજના આવા સેવાભાવીઓની શોધ ચાલી રહી છે ત્યારે આવો જાણીએ ફુલેશભાઇની સેવા વિશે!

 

સામાન્ય રીતે ધંધાર્થીઓ પોતાના ધંધામાં અને આર્થિક લેવડ દેવડમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે ફુલેશભાઇને પુછ્યું કે તમે જીવદયાના કામ માટે કેમ સમય કાઢી લો છો ત્યારે સરસ જવાબ મળ્યો કે, આવા સત્કાર્યોમાં શક્તિ અને સમય કુદરતી રીતે મળી રહે છે. તેમની આ પ્રવૃતિઓમાં તેઓ એક જરુરતમંદ બહેનને આર્થિક ઉપાર્જન મળી રહે તેવા આશય સાથે રોટલા ઘડાવે છે અને તેના બદલ આર્થિક વળતર પણ આપે છે. ફુલેશભાઇ પાસેથી અન્ય વેપારીઓ અને નાગરિકો તેમના વિસ્તારના શ્વાનો માટે રોટલા લઇ જાય છે અને એ રીતે તેમની સેવાનો વ્યાપ વિસ્તરે છે. એજ રીતે તેઓ વિવિધ ધાર્મિક સ્થળોએ જ્યા ગાયો રહેતી હોય તેવી જગ્યાએ લીલો ચારો પહોંચાડવાનું ઉમદા કામ કરી રહ્યા છે. એક તરફ કચ્છમાં જ્યારે અવારનવાર દુષ્કાળ સર્જાતો હોય છે ત્યારે પશુઓ માટે આ સેવા આશીર્વાદ બની રહે છે. ગત ૧૫ ઓગષ્ટના રોજ ફુલેશભાઇ તેમના મિત્રો સાથે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં ઘાસચારાના ૧૧ ટેમ્પા ભરીને ગાયોને નીરણ આપવા ગયા હતા. જે વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ તરફથી પક્ષીઓ માટે ચણની વાત આવે તો તરત જ ફુલેશભાઇ એ જગ્યાએ ચણ પહોંચતું કરે છે. તેમની આ વિવિધ પ્રકારની જીવદયાની પ્રવૃત્તિમાં તેમના વ્યવસાય વર્તુળના લોકો ઉપરાંત ભુજના અનેક નાગરિકો પણ જોડાયા છે જેની તેમને ખુબ જ ખુશી છે.

આનંદની વાત તો એ છે કે, પહેલાં વ્યક્તિગત બાદમાં મિત્રો સાથે આ સેવા આદરનાર ફુલેશભાઇના જણાવ્યા અનુસાર તેઓ ટુંક સમયમાં જીવદયાની આ પ્રવૃત્તિને વેગ આપવા માટે ટ્રસ્ટ પણ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગાય, શ્વાનો અને પક્ષીઓની આવી સેવા ઉપરાંત ફુલેશભાઇ છેલ્લા પાંચ વર્ષોથી ગણેશ સ્થાપના પણ કરે છે અને એ પણ ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી સાથે ! કુદરતના જિવો સાથે કુદરતની પણ આ રીતે સેવા કરતા ફુલેશભાઇ માહેશ્વરી અને તેમના દરેક કાર્યકર મિત્રોને શુભેચ્છાઓ !

Author
jayanjaria's picture