જો મહિલા બચત કરે તો તે ક્દી લાચાર ન બને !

Printer-friendly version

“આર્થિક બચત કરવું એ ખુબ જ મહત્વનું છે અને ખાસ કરીને મહિલાઓ જો બચત કરે તો તેને ક્યારેય કોઇ સામે હાથ લંબાવવો ન પડે ! કોઇ સામે લાચાર ન બનવું પડે ! ભુજમાં અભ્યાસ કરતી અને અનેક મહિલા બચત મંડળો ચલાવતી પ્રેમીલા નામની દીકરીના આ વિચારો જાણતાં જ તેની મુલાકાત લેવાની જિજ્ઞાસા થઇ. ભુજ બોલે છેની ટીમ પ્રેમીલાની મુલાકાતે ગઇ ત્યારે જોયું કે સાવેય નાની ઉંમરની એ દીકરી બહેનો સાથે બેસી તેમના બચત મંડળની મીટિંગ કરી રહી હતી. માતાના પગલે દીકરી હાલમાં અનેક બચત મંડળો સંભાળી રહી છે અને તેનાથી ઉંમરમાં મોટી બહેનોને બચતનું મહત્વ સમજાવી બચત મંડળોમાં જોડી રહી છે.

ભુજના ભીમરાવનગરમાં રહેતી પ્રેમીલા રામજી મારવાડા નામની આ દીકરી હાલમાં કોલેજના અંતિમ વર્ષનો અભ્યાસ કરે છે. તેની માતા રમીલાબેન છેલ્લા છ વર્ષથી ભુજમાં "કચ્છ મહિલા વિકાસ સંગઠન" સંચાલિત "સખિ સંગીનિ" જુથમાં જોડાયેલા છે અને બચત મંડળોમાં સક્રિય રહ્યા છે. પોતાની માતાના પદચિહ્નો પર ચાલતાં ૧૮ વર્ષની પ્રેમીલા પણ ઉત્સાહ સાથે સખિ સંગીનિમાં જોડાઇ ! કહેવાયું છેને કે, “ભણે એ ગણે" ! હા, કોલેજનો અભ્યાસ કરતી પ્રેમીલાને પહેલેથી જ આર્થિક બચતનું મહત્વ સમજાયેલું હતું અને સખિ સંગીનિ દ્વારા ચાલતાં બચત મંડળોમાં જોડાઇને તેની સમજનો ખુબ જ સારી રીતે સદુપયોગ કર્યો છે.

બે વર્ષ પહેલાં સખિ સંગીનિ દ્વારા બચત મંડળ કેમ ચલાવવા, તેનો હિસાબ કેમ કરવો, બચતમાંથી લોનની પ્રક્રિયા કેમ કરવી એવી વિવિધ પ્રકારની તાલીમમાં અનેક બહેનો અને કિશોરીઓ જોડાઇ જેમાં પ્રેમીલા પણ હતી. શીખવાની ધગશ અને એક મહિલા તરીકે પગભર બનવાની ઇચ્છાના કારણે પ્રેમીલાએ બચત પ્રક્રિયાને ખુબ જ સારી રીતે કેળવી લીધી. એક સમયે માત્ર એક સભ્ય તરીકે જોડાયેલી આ દીકરી હાલમાં ૧૪ મહિલા બચત મંડળોનું સંચાલન કરે છે અને તેના પ્રયાસોથી ૧૫૦થી વધુ બહેનો મંડળમાં જોડાઇ છે !

આ પ્રકારે બચત કરવાથી તે ખરા સમયે કેવી મદદે આવે છે તેનું ઉદાહરણ આપતાં પ્રેમીલા કહે છે, “અમારા પાડોસી દાદાને કેન્સર જેવી બિમારી નીકળતાં તેનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ હતું. એ દાદાના દીકારાના વહુ અમારી સાથે બચત મંડળમાં જોડાઇ બચત કરે છે તેથી તરત જ એમને બચત મંડળમાંથી લોન આપી અને દાદાનું ઓપરેશન થયું ! અલબત્ત એમની એક લોન ચાલતી હતી પણ અમારા બચત મંડળમાં માનવતાને મહત્વ આપીએ છીએ!” મોટી મોટી બેંકોમાં લોન લેવી હોય તો અનેક પ્રકારના આધારો અને પ્રક્રિયાઓ કરવી પડે પણ અહિં તો માનવતા જ મોટો આધાર છે. ખરેખર, આવા મંડળને "સંકટ સમયની બારી" નામ આપવું જોઇએ, ખરું ને?!

હાલમાં જ કિશોરી મંડળમાં જોડાયેલી પ્રેમીલા કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા હોવા છતાં બચત મંડળોની દરેક પ્રક્રિયા જાતે જ કરે છે; એટલું જ નહિં બહેનોના પ્રશ્નોના ઉકેલ લાવવા, હિસાબો સંભાળવા, બેંકના વ્યવહાર સાચવવા તેમજ કેડર જેવી તાલીમોમાં પણ આ દીકરી સહભાગી બને છે. ૧૫૦થી પણ વધારે સભ્યો ધરાવતાં આ મંડળોમાં પ્રેમીલા કદાચ સૌથી નાની વયની દીકરી છે પણ તમામ જવાબદારી પોતાના શિરે ઉઠાવે છે. પોતાના વિસ્તારની બહેનો માટે કંઇક કરી છુટવું એ જ પ્રેમીલાની મહેચ્છા છે !

Author
jayanjaria's picture