ભુજમાં છવાયો આપવાનો આનંદ ! “દાન ઉત્સવ"ની વૈવિધ્યસભર ઉજવણી આરંભાઇ !

Printer-friendly version

“સેવા સેન્ડવીચ", “વાંસફોડાના બાળકો માટેની શાળાની પાયાવિધિ" તેમજ વંચિત વિસ્તારના બાળકો સાથે નવરાત્રિની ઉજવણી દ્વારા ભુજમાં "દાન ઉત્સવ"નો મહોત્સવનો અનેરા આનંદ સાથે આરંભ થઇ ચુક્યો છે. ૨થી ૮ ઓક્ટોબર સુધી ચાલનારા આ ઉત્સવમાં અનેક પ્રકારની સેવાભાવ સાથેની પ્રવૃત્તિઓ કરી અનેક નાગરિકો આપવાનો આનંદ માણશે.

એક તરફ માતાજીના નોરતાંનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે સાથે સાથે નાગરિકોએ ભારતના ઉત્સવ "દાન ઉત્સવ"ની પણ રંગેચંગે ઉજવણી આરંભી છે. અનેક નાગરિકો, બાળકો, સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. શહેરની લેવા પટેલ હોસ્પિટલની આસપાસ રહેલા વંચિત વિસ્તારમાં નાગરિકોના જુથે "સેવા સેન્ડવીચ" યોજી સોથી વધુ બાળકો અને લોકોને સેન્ડવીચ આપી ખુશીની આપ-લે કરી ! ભુજની હુન્નરશાળા સંસ્થાના સંકલન અને દાતાઓના સહયોગથી વાંસફોડા વિસ્તારમાં બાળકો માટે શાળાના હોલની પાયાવિધિ કરવામાં આવી જે આગામી ૯ તારીખ સુધી તૈયાર થઇ જતાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. તો ભુજની સિંચન શાળાના વિદ્યાર્થીઓએ વાંસફોડાના બાળકો સાથે રમતગમત, નવરાત્રીની ઉજવણી કરી તેમને ભેટ આપી હતી. ક્રાફટ પર કાર્યરત "ખમિર" સંસ્થાએ તેમના સંકુલની સફાઇ કરવા સાથે કિચન અને સફાઇના કાર્યકરો માટે રસોઇ બનાવી અનોખી પહેલ કરી છે. ભુજમાં દાન ઉત્સવનો આ સંદેશ અનેક લોકો સુધી પહોંચી શકે એ માટે "કચ્છમિત્ર" મીડિયા પાર્ટનર તરીકે ભુમિકા ભજવી રહ્યું છે તો શહેરના "રાજ ઇન્ફોર્મેટીક્સ" અને "ઉદય એડ" દ્વારા દાન ઉત્સવનું હોર્ડિંગ મુકાવી સહયોગ પુરો પાડવામાં આવ્યો છે.

૮મી ઓક્ટોબર સુધી ચાલનાર આપવાના આનંદના આ ઉત્સવમાં હજુ તો અનેક પ્રવૃત્તિઓ થનાર છે. વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલી ચીજવસ્તુઓ જરુરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે, સરકારી શાળાઓમાં ઘન કચરા નિકાલ વિશે માહિતી આપવામાં આવશે, મુન્દ્રાની સાગરશાળાના બાળકોને ભુજમાં બાળફિલ્મ બતાવવામાં આવશે, ભુજના અર્બનસેતુ ખાતે "સર્વ રોગ નિદાન કેમ્પ"નું આયોજન કરાયું છે તેમજ વાંસફોડા ખાતે શાળાના હોલનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરની કસ્તુરબા ગાંધી નિવાસી શાળાની વિદ્યાર્થીનીઓ જાહેર સેવા કરતા કર્મચારીઓને હાથે બનાવેલા કાર્ડ આપી આભાર વ્યક્ત કરશે. આવી તો અનેક પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં "દાન ઉત્સવ"ના શબ્દને સાર્થક કરશે. શહેરના નાગરિકોને વધુ એકવાર અપીલ છે કે તેઓ પણ આપવાના આનંદના આ ઉત્સવને તેમના ધોરણે ઉજવે અને વૈશ્વિક સ્તરે ઉજવાઇ રહેલા દાન ઉત્સવના સહભાગી બને.

Author
jayanjaria's picture