ખારી નદી ઉવાચ..."મને આમ રોજ સ્વચ્છ રાખોને"!

Printer-friendly version

આજની સવાર ભુજની ભાગોળે આવેલી "ખારી નદી" માટે આનંદનો દિવસ બની રહ્યો હતો. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના એક જુથે ખારીનદીના એક વિસ્તારમાંથી ગંદકી અને કચરો દુર કરીને ખારીનદીને સ્વચ્છતાનો અહેસાસ કરાવ્યો હતો. કુદરતના અમુલ્ય ખજાના સમી આ ખારીનદીને કચરામુક્ત કરવાની આ પહેલ કરવામાં આવી છે અને આશા છે કે ભુજના કુદરતના પ્રેમીઓ આ પહેલમાં જોડાશે અને આ પહેલ પરિણામ પામશે !

થોડા દિવસો અગાઉ 'ભુજ બોલે છે'ની ટીમે ખારી નદીની દયનીય હાલત જોતાં તેને સ્વચ્છ કરવાની પહેલ હાથ ધરી. આ વિચારને ભુજ નગરપાલિકાનો સહયોગ મળતાં ભુજ બોલે છે દ્વારા "ખારી નદી નેચર વોક"નું આયોજન કરવામાં આવ્યું. ત્રિમુર્તિ મંદિરની સામેના વિસ્તારમાં આવેલા ખારીનદીના પટમાં સમુહમાં વોક આરંભાઇ. શહેરની 'એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેક્નોલોજી'ના યુવાનોએ ખારીનદીની ભૌગોલિક વિશેષતાઓ સમજાવી નાગરિકોને નદીના મહત્વથી વાકેફ કર્યા હતા. શહેરના સ્લમ વિસ્તારોમાં કાર્યરત અર્બન સેતુની ટીમ સાથે શહેરના નાગરિકો પણ આ નેચર વોકમાં જોડાયા. સૌ પ્રકૃતિ પ્રેમીઓએ વોક દરમ્યાન ખારી નદીના પટમાં પડેલો તમામ પ્રકારનો કચરો કોથળામાં એકત્ર કર્યો અને વોકના અંતે નદીના વહેણમાં તણાઇ આવેલા પ્લાસ્ટિકના મોટા જથ્થાને દુર કર્યો હતો. નગરપાલિકા તરફથી ટ્રેક્ટર સહિત સાધનો અને માનવબળ મોકલાતાં સફાઇના કાર્યને વેગ મળ્યો હતો.

આજથી આરંભાયેલી ખારીનદીની સ્વચ્છતાની આ ઝુંબેશને સૌનો સાથ મળે તો ટુંક સમયમાં નદી પોતાની ઉમાવેલી નિર્મળતા પરત મેળવી શકશે! આ સાથે બીબીસીની ટીમે નગરપાલિકાને અનુરોધ કર્યો છે કે ખારીનદીના પટમાં માનવ સર્જિત કચરો ફેંકવા પર પ્રતિબંધ લાદવામાં આવે જેથી નદીની પરિસ્થિતિ વધારે વણસે નહી. 'ખારી નદી નેચર વોક'ની પ્રથમ પહેલને મળેલા નાગરિકોના પ્રતિસાદને કારણે આગામી ટુંક ગાળામાં ખારીનદીના અન્ય વિસ્તારને કચરામુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Author
jayanjaria's picture