ભુજ માટે ચિંતા સેવતા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજાઇ સંવાદ કાર્યશાળા !

Printer-friendly version

પોતિકા શહેર ભુજ માટે લાગણી ધરાવતાં અને તેના સમગ્ર પર્યાવરણ માટે ચિંતા સેવતા નાગરિકો માટે સહજીવન સંસ્થા અને પર્યાવરણ હિમાયતી જુથના ઉપક્રમે એક સંવાદ કાર્યશાળા યોજાઇ.

સહજીવન દ્વારા નગરપાલિકામાં શહેરનો કચરા વ્યવસ્થાપન અંગેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવેલો. આ અહેવાલને નગરપાલિકાએ રાજયસરકારમાં "મહાત્મા ગાંધી સ્વછતા મિશન"માં રજૂ કર્યો જેને મંજૂરી મળી ગઈ. નગરપાલિકાએ આ અહેવાલને ધ્યાને લઈને શહેરમાં કામગીરી શરૂ કરાવવાની રહે છે. આ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ થયો છે, કોને પ્રાથમિક્તા અપાઈ છે એ બાબતને સૌ નાગરિકો સમક્ષ રજૂ કરવા અને નાગરિકો દ્વારા સૂચનો અને આગામી કામગીરી હાથ ધરવા સંવાદ કાર્યશાળાનું આયોજન કરેલું હતું. ‘મારું ભુજ, સ્વ્ચ્છ ભુજ‘ એ ભાવના ધરાવતા શહેરીજનો પોતાના શહેર માટે શું કરવા ઈચ્છે છે? તેમજ તેમનું યોગદાન આપી પોતાનો નાગરિક ધર્મ બજાવી સકે એ મુખ્ય હેતુ છે.

ધર્મેશભાઈ અંતાણીએ અહેવાલની વિસ્તૃત માહિતી પ્રેજેંટેશન દ્વારા શહેરીજનોને આપી. માહિતગાર થયા બાદ નાગરિકોએ ચર્ચા કરી. જેમાં કેટલાક મંતવ્યો, સૂચનો આવ્યા. પીરસાહેબે વંચિત વિસ્તાર માટેનું અલગ પ્લાનિગ, શહેરીજનોને જાગૃત કરવા જરૂરી એમ જણાવ્યુ. દિવ્યાબેને કહ્યું કે દરેક પ્લાન સફળ થાય તે માટે સ્ટાફ માટે સમયાંતરે પ્રવાસનું આયોજન સાથે ટ્રેનીંગ/સેમિનાર ગોઠવવા, નાગરિકોની સુખાકારી વધે એ દિશામાં પ્રયત્નો કરવા. વોર્ડ નં ૬ ના વર્તમાન કાઉન્સીલર ગોદાવરીબેને કહ્યું કે વાત કરો, ચર્ચા કરો અને કાર્ય કરો, પૂર્વ ન.પા. પ્રમુખ હેમલતાબેન ગોરે પબ્લિક મિટિંગમાં કાઉન્સીલરો આવતા થાય, તેઓ સમજાવે, જનસેવા કેન્દ્રો બને. કોઇ વોર્ડની સમસ્યા હોય તો સુશિલાબેન આચાર્ય તેમજ પન્નાબેન જોષીએ નગરપાલિકાના જે તે કાર્ય સંબંધિત વ્યક્તિને જાણ કરવા જણાવ્યું. એડ્વોકેટ રસિલાબેન પંડ્યાએ કાઉન્સીલરોએ વખતોવખત એરિયા કમિટીની મુલાકાત લેવી, વાતચીત કરવી, નાગરિકોના સૂચનો લેવા જણાવ્યું. વિશ્રામભાઈ વાઘેલાએ જાગૃતિ માટે દરેક વોર્ડમાં જે-તે સંબંધિત વ્યક્તિના નામ, સંપર્ક નં. એ માહિતીઓ મોટા હોર્ડીંગ માં મૂકવી એવું સૂચવ્યું. આ તબક્કે ગોદાવરીબેને નગરપાલિકાની થતી મિટિંગમાં આવી આ મુદ્દે વાત કરવાનું આમંત્રણ આપ્યું અને સંપૂર્ણ સાથ-સહકાર દ્વારા યોગ્ય કાર્ય આ દિશામાં થસે જ એમ બાહેંધરી આપી.

આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને દરેક વોર્ડમાં ‘દિવાળી સ્નેહમિલન’ યોજવા અને કાઉન્સીલરો હાજર રહે ને બધા સાથે મળી સંવાદ સાધી યોગ્ય પરિણામ મળે એમ નક્કી થયું. અંતે સૌનો સૂર એક જ હતો કે લોકજાગૃતિ જ સૌથી જરૂરી છે. કાર્યક્ર્મ ને સફળ બનાવવા કાર્યકર્તાઑએ જહેમત ઉઠાવી હતી.

Tags: 
Author
Shuchi's picture