''બાળકોના ભુજમાં મનગમતાં સ્થળ'' અંગે યોજાઇ વકતૃત્વ સ્પર્ધા

Printer-friendly version

ભુજ શહેરના ૪૬૭માં સ્થાપના દિવસ નિમિત્તે સમાજના ભાવિ નાગરિકો શહેરના મહત્વના સ્થળોને જાણતાં થાય તેમજ એ સ્થળોની સ્વચ્છતા વિશે જાગૃત બને એ હેતુ સાથે ભુજની સહજીવન સંસ્થા અને પર્યાવરણીય હિમાયતી જુથના સંયુક્ત ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શહેરના આર્ય સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભુજની ગણેશનગર, જયનગર અને શીવનગરની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. વકતૃત્વના રસપ્રદ વિષયમાં બાળકોએ હમીરસર, દેડકાવાવ, સ્વામિનારાયણ મંદિર, પાંચ નાકા, છઠ્ઠી બારી, પ્રાગમહેલ, ભુજિયો ડુંગર, હિલગાર્ડન સહિત પસંદ સ્થળો વિશે ખુબ જ સરળ રીતે વકતવ્ય આપ્યું, એટલું જ નહિં બાળકોએ એ સ્થળોના ઇતિહાસને વણી લેવા સાથે સ્વચ્છતા પર પણ ભાર મુક્યો અને સ્વચ્છતા માટેના શપથ લેવડાવી એક જાગૃત નાગરિકની ફરજ પણ બજાવી !

img_20141128_163504.jpg

બાળકોની આ સ્પર્ધામાં સક્રિય મહિલા એવા કમળાબેન ઠક્કર અને રીતુબેન ગોરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કમળાબેને બાળકોના આત્મવિશ્વાસને વધાવ્યો હતો અને સ્વચ્છતાના કોલને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. રીતુબેને પ્રથમ ત્રણ વિજેતાઓના નામ જાહેર કર્યાંહતાં જેમાં અનુક્રમે ચાર્મી ગોર (શીવનગર પ્રા.શાળા), મિશણા કેવલીયા (જયનગર પ્રા.શાળા) અને કોમલ યાદવ(ગણેશનગર પ્રા.શાળા) વિજેતા બન્યા હતા. વિજેતાઓને મહેમાનોના હસ્તે ભેટ આપવામાં આવી હતી તેમજ ભાગ લેનાર તમામ બાળકોને તેમની જ શાળાના શિક્ષકોના હસ્તે પ્રોત્સાહક ભેટ અપાઇ હતી. આ પ્રસંગે પર્યાવરણીય હિમાયતી જુથના સક્રિય કાર્યકર્તા રસિલાબેને જુથની કામગીરિ જણાવી બાળકોના વિચારોને વધાવી લીધા હતા. માતૃછાયા કન્યા શાળાના શિક્ષિકા જાગૃતિબેન વકિલે ભુજની વેબસાઇટ 'ભુજ બોલે છે' થી સૌને વાકેફ કર્યા હતા. તેમજ નિર્ણાયકોને પણ પ્રતીક ભેટ દ્વારા સન્માનિત કરાયા હતા. સહજીવનના ધર્મેશભાઇ અંતાણીએ સંચાલન સંભાળ્યું હતું જ્યારે કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

Author
jayanjaria's picture