સખી સંગિનીની બહેનો કેમ વળતરથી વંચિત?

Printer-friendly version
Date: 
28/11/2013

ભુજના વાચકોએ રોજ સવારે લાલ સાડી પહેરેલી બહેનો લીલા ડબ્બા સાથે કચરો લેવા આવે છે એમને જોયા હશે. આ બહેનો રોજ સવારે ભુજના કેટલાય ઘરે જઈને કચરો એકઠો કરી તેને નગરપાલિકાની કચરાપેટી સુધી પહોંચડે છે જેથી ભુજ અને ભુજના ઘરો સ્વચ્છ  રહે. સમયસર આવીને પોતાના કામને નિષ્ઠાથી કરતી બહેનોને કોઈ ઠોસ વળતર મળતું નથી. આ કામ સાથે સંકળાયેલી મોટા ભાગની બહેનો પોતાના ઘરની, વરની અને બાળકોની જવાબદારી પોતે ઉઠાવે છે. પાંચ વર્ષથી કામ કરતી હોવા છતાં પગાર વધવાની વાત તો દૂર પગાર નિયત સમયે મળતો પણ નથી.

છેલ્લા સાડા ચાર વર્ષથી આ કામ કરતાં લીલાબેનની વાત કઈક આવી છે. બીમાર અશક્ત પતિ અને આઠ દીકરીઓની જવાબદારી એકલે હાથે ઉઠાવતી આધેડ વયની આ સ્ત્રી અત્યંત નબળી આર્થિક પરિસ્થિતી સામે એકલાહાથે ઝઝૂમે છે. પરિવારના દસ સભ્યોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા લીલાબેન સખી સંગિનીના આ કામ માં જોડાયા.
આ કામ કરતી તમામ બહેઓની કહાની પણ આટલીજ હ્રદયદ્રાવક છે.

ગુજરાત સરકારની નિર્મળ ગુજરાત યોજના હેઠળ રાજ્યની દરેક નગરપાલિકાને ઘરે-ઘરે જઈ કચરો એકઠો થાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો હુકમ આપવામાં આવ્યો. ૨૦૦૮માં ભુજ નગરપાલિકાએ સ્વૈચ્છિક સંસ્થાઓ “કચ્છ મહિલા વિકાસ સંગઠન” અને “સહજીવન”ને આ કાર્યમાં જોડી અને “સખી સંગિની” જૂથની રચના કરી. “હોમ્સ ઇન ધ સિટી” પ્રોગ્રામ હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેંટ માટે “સખી સંગિની”ની આ બહેનો નગરપાલિકાના કોંટ્રેક્ટ મુજબ અલગ અલગ વિસ્તારોમાંથી કચરો ભેગો કરી નજીકના ઉકરડામાં તેનો નિકાલ કરે છે. બહેનોને આ કામના મહિને ૨૦૦૦ રૂપિયા મળી રહે. પગાર આવતાં ક્યારેક બે-ત્રણ મહિના પણ થાય. આ પાંચ વર્ષમાં એક વાર પણ પગાર વધ્યો નથી.
શરૂઆતમાં માત્ર ૧૧ બહેનો સાથે શરૂ થયેલા આ જૂથમાં એક સમયે ૧૨૬ બહેનો જોડાયેલી હતી. પણ અનયમિત પગારને કારણે હવે માત્ર ૩૬ બહેનો જ આ કામ કરે છે.

આ બધી બહેનો કામ તો નિયમિત કરે છે તો પૈસા કેમ નિયમિત નથી મળતા? બહેનો બેગણી મેહનત કરવા પણ તૈયાર છે છતાં કોઈ પરવાનગી નથી આપતું કે નથી મહેનતાણું આપતું? સખી સંગિનીની ટીમ અને આ સફાઈ કામદારબહેનો દ્વારા વારંવાર આ સવાલ નગરપાલિકાને પૂછવા છતાં કોઈ જવાબ મળતો નથી.

Author
Shaili Bhatt's picture