કેદીઓના માનસ પરિવર્તન માટે પાલારા જેલમાં "ભાગવત સપ્તાહ" !
સમાજથી દુર એક સમાજ જેવી ભુજની પાલારા જેલમાં અધિક્ષક શ્રી વીરભદ્રસિંહ ગોહિલ સાહેબ દ્વારા કેદીઓના જેલકાળને વિવિધ પ્રવૃત્તિઓ થકી અર્થસભર બનાવવાની નોંધપાત્ર પ્રવૃત્તિઓ થતી રહે છે. હાલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે આજથી "ભાગવત સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું છે.
જે રીતે સમાજમાં વિવિધ ઉત્સવોની ઉજવણી સાથે કથા પારાયણ, ભાગવત સપ્તાહ તેમજ ધાર્મિક ઉજવણીઓ થતી રહે છે એ રીતે જેલને પણ ખરા અર્થમાં સમાજનો જ એક ભાગ બનાવનાર અધિક્ષકશ્રીએ ભાગવત સપ્તાહ બેસાડી છે ! ગુજરાતની ૧૦ જેલોમાં ભાગવત કથા કરી ચુકેલા કથાકારશ્રી ભાવીનલાલજી મહારાજના મુખે આજથી એક સપ્તાહ સુધી કેદીઓ કથાશ્રવણ કરશે. કથાના યજમાન તરીકે ડાકોરના શ્રી મહેન્દ્રભાઇ પટેલે લાભ લીધો છે.
એડી.ડી.જી. (જેલ) શ્રી ટી. એસ. બિસ્ટ સાહેબની પરવાનગીથી જેલ અધિક્ષક શ્રી વી.પી. ગોહિલના માર્ગદર્શન સાથે જેલર શ્રી એમ.જે. હાડા અને જેલનો પુરો સ્ટાફ કથાના આયોજનમાં સહયોગી બની રહ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સામાજિક સંસ્થાઓ અને સમાજો માટે પાલારા જેલની શિક્ષણ, વ્યાવસાયિક તાલીમો, વૃક્ષારોપણ, સ્વચ્છતા તેમજ વરસાદી પાણીના સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ ઉદાહરણ રુપ બની છે !