... તો ટુંક સમયમાં ભુજની ૪ રિલોકેશન સાઇટ્ "વોર્ડ ઓફિસ"ની સેવા મેળવશે.

Printer-friendly version

સરકારી પ્રક્રિયાઓ આટોપાતાં નગરપાલિકા સેતુના સહયોગથી ૪ વોર્ડ ઓફિસ શરુ કરશે. ભુજ : “તમામ પ્રક્રિયાઓ સફળતાથી પાર પડી જશે તો ટુંક સમયમાં નગરપાલિકા ભુજની સેતુ સંસ્થાના સહયોગથી શહેરની ચાર રિલોકેશન સાઇટ પર 'વોર્ડ વોફિસ' શરુ કરશે" આવી વાત ભુજ નગરપાલિકા ખાતે નગરપ્રમુખ, સેતુ સંસ્થા અને નગર સેવકો સાથે મળેલી બેઠકમાં મુકાઇ હતી. ભુજના નગર પ્રમુખ અશોકભાઇ હાથીના અધ્યક્ષસ્થાને કાઉન્સિલર્સની ઉપસ્થિતિમાં 'વોર્ડ ઓફિસ' અને તેની મહત્વતા વિશેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભુજ સેતુના વિશ્રામ વાઘેલાએ સેતુના સહયોગથી ભુજના વોર્ડ નંબર ૨ અને ૩ ખાતે કાર્યરત વોર્ડ ઓફિસની માહિતી આપવા સાથે નગરપાલિકા ભુજમાં અન્ય વોર્ડમાં પણ જો વોર્ડ ઓફિસ ઉભી કરે તો સંસ્થાનો પુરતો સહયોગ આપવાની વાત મુકી હતી. નગરપાલિકા દ્વારા ભુજની ચાર રિલોકેશન સાઇટ પર વોર્ડ ઓફિસ ઉભી થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને ટુંક સમયમાં પ્રક્રિયાઓ સમેટાતાં આ વોર્ડ ઓફિસો ધમધમી ઉઠશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. આ વોર્ડ ઓફિસો શરુ થઇ જતાં એ વિસ્તારના લોકોને નગરપાલિકાની વિવિધ સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે તેમજ સરકારી યોજનાઓની માહિતી, વોર્ડ વિશેની માહિતીઓ પણ મળશે. એ ઉપરાંત નાગરિકો વોર્ડ ઓફિસમાંજ વેરા ભરી શકશે જેથી નગરપાલિકાને પણ વેરાવસુલાતની પ્રક્રિયા સરળ બની રહેશે. વોર્ડ નં. ૨ના કાઉન્સીલર સુલેમાનભાઇ હિંગોરજાએ તેમના વોર્ડમાં સેતુના સહયોગથી ચાલતી વોર્ડ ઓફિસ આશીર્વાદરુપ હોવાની વાત કહી ભુજના અન્ય વિસ્તારોમાં પણ આવી વોર્ડ ઓફિસ શરુ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો. ચર્ચામાં નવી વોર્ડ ઓફિસ સાથે જે વિસ્તારોમાં વોર્ડ ઓફિસના માળખાં છે ત્યાં સેતુના સહયોગથી વોર્ડ ઓફિસ કાર્યરત કરવામાં આવે તેવું નગરપાલિકાની યાદીમાં જણાવાયું. નગરપાલિકાને શહેરના વિકાસ આયોજનમાં ખુબ જ ઉપયોગી બની રહે તેવા ડેટા કલેકશનના સર્વે વિશે સેતુના કરમણ મારવાડાએ રજુઆત કરી તેની ઉપયોગીતા સમજાવી હતી. સેતુ અને કે-લીન્ક દ્વારા જી.આઇ.એસ.ના આધારે થઇ રહેલા સર્વેના આધારે આગામી સમયમાં નગરપાલિકા તેના આયોજનમાં વિવિધ માહિતીઓ મેળવી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે પણ વોર્ડ ઓફિસના કોન્સેપ્ટને સમજાવ્યો હતો. સેતુના ભાવસિંહ ખેર, મામદ લાખા અને ટીમ દ્વારા આયોજન સંભાળવામાં આવ્યું હતું.

Author
jayanjaria's picture