પાલારાના ૧૨ કેદીઓએ કેળવ્યું "પ્લાસ્ટિક વણાટ"નું કૌશલ્ય !

Printer-friendly version

“અલબત્ત તેમની શક્તિ ખોટા માર્ગે વેડફાઇ છે પણ મારી જેલના કેદીઓમાં અનેક પ્રકારના કૌશલ્યો છે!” ભુજની પાલારા જેલમાં 'પ્લાસ્ટિક વણાટ'ની તાલીમ લઇ રહેલા કેદીઓની મુલાકાત વખતે જેલના અધિક્ષક વિરભદ્રસિંહ ગોહિલે આ વાત ગૌરવ સાથે મુકી હતી. હાલમાં ૧૨ કેદીઓ ઝડપથી પ્લાસ્ટિક વિવીંગ શીખી અને તેની પ્રોડક્ટ બનાવતા થયા છે ! પાલારા જેલમાં અધિક્ષક શ્રી ગોહિલ દ્વારા કેદીઓને તાલીમબધ્ધ કરી વિવિધ પ્રકારની કામગીરીઓ વિશે સૌ કોઇ માહિતગાર છે ત્યારે આ સક્રિય અધિક્ષકે પાલારા જેલના લાંબા ગાળાના ૧૨ કેદીઓને પ્લાસ્ટિક વણાટના નવીન હુન્નર માટે તાલીમ શરુ કરી છે. થોડા સમય અગાઉ "ભુજ બોલે છે"ની ટીમે શ્રી ગોહીલને "ખમીર" સંસ્થા દ્વારા ચાલતા પ્લાસ્ટિક રીસાયકલીંગ પ્રોજેક્ટ વિશે માહિતી આપી જેલના કેદીઓને એ અંગેની તાલીમ અપાવવાની દરખાસ્ત મુકી હતી. હમેશાં નવી પ્રક્રિયાઓને વધાવી લેતા ગોહીલસાહેબે તરત જ મંજુરી આપી અને 'ખમીર' સંસ્થામાં ચાલતા પ્રોજેક્ટની તેમણે જાતમુલાકાત લીધી. તેમની સાથે ખમીરની‌ ટીમ અને ભુજ બોલે છેની બે બેઠકો થઇ અને કેદીઓને ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકમાંથી ઉપયોગી ચીજો બનાવવાની તાલીમનો પ્રકલ્પ સાકાર થયો. ખમીર સંસ્થા વતી પાલારા જેલમાં કેદીઓને પ્લાસ્ટિક કટીંગથી લઇને ફાઇનલ પ્રોડક્ટની તાલીમ આપી રહેલા અવધનગરના વણાકર કેશવજી ધનજી સીજુએ જણાવ્યું કે, આખો દિવસ એક જ સ્થળે હોવાથી આ તાલીમાર્થિઓમાં એકાગ્રતા ખુબ જ છે અને ખુબ જ ઓછ સમયમાં તેમણે પ્લાસ્ટીકની સ્ટ્રીપ બનાવવાથી કરીને બોબીન બનાવવી, લુમમાં સ્ટ્રીપ્સ ગોઠવવી અને સિન્થેટિક દોરામાં ગુંથીને પ્લાસ્ટિકની બનાવટો બનાવવાનું કામ હસ્તગત કરી લીધું છે. તાલીમ લેતા કેદીઓ પણ તેમને મળતી આ ઉપયોગી તાલીમથી ખુબ જ ખુશ છે અને સજાના સમયમાં પોતે એક નવો હુન્નર શીખ્યા હોવાનો અહેસાસ કરે છે ! પાલારા જેલમાં ચાલતી આ તાલીમથી ખુબ જ ખુશ થયેલા અધિક્ષક કહે છે કે, પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ થાય છે, કેદીઓનું કૌશલ્ય વર્ધન થાય છે અને અન્ય કચરાની જેમ પ્લાસ્ટિકનું રીસાઇકલીંગ પણ હવે શક્ય બન્યું છે. પ્લાસ્ટિક વિવીંગનું આ તાલીમ કેન્દ્ર આગામી સમયમાં પ્લાસ્ટિકની બનાવટોનું ઉત્પાદન કેન્દ્ર બની રહે તેવી આશા અધિક્ષક સેવી રહ્યા છે. એટલું જ નહિં પરંતુ કેદીઓએ પ્લાસ્ટિક વિવીંગની તાલીમ ખુબ જ ઝડપથી શીખી લીધી છે ત્યારે જો શક્ય હશે તો સુતર વણાટની તાલીમ પણ કેદીઓને આપવામાં આવશે તેવું શ્રી ગોહીલે જણાવ્યું હતું. જેલમાં રહીને આ નવીન તાલીમ મેળવી રહેલા કેદીભાઇઓએ બનાવેલી પ્રોડક્ટ્સ ખમીર ખાતે વેંચાણમાં મુકાય તેવી શક્યતા છે.

Author
jayanjaria's picture