કચરો ઉઠાવીને સાત જણનું પેટિયું રળતાં દેવલબેન !

Printer-friendly version

“ઓરોં કો કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ...” હિન્દી ગીતની આ પંક્તિઓ યાદ આવી ગઇ જ્યારે ભુજના એક વિસ્તારમાં ૭ જણના પરિવારનું પેટિયું રળતાં બહેનને મળ્યા ! ગામનો કચરો ઉઠાવીને પાંચ પાંચ બાળકોનું પાલન પોષણ અને પથારીવશ પતિની સેવા કરતાં દેવલબેનની હિંમતને દાદ આપવી ખુટે કે જે કમાઇને ઘરનું ગુજરાન ચલાવે છે.

“જેડલ"ના માધ્યમે સંઘર્ષ કરીને એક મુકામે પહોંચેલી મહિલાઓની વાત આપ સૌ સુધી પહોંચાડું છું ત્યારે આજે એક એવી મહિલાની વાત કરવી છે કે જેનું જીવન જ સંઘર્ષ છે ! ભુજના દેવરી ફળિયામાં વડવાઓએ બાંધી આપેલા દોઢ ઓરડાના મકાનમાં ૫ બાળકો અને પતિ સાથે રહેતાં દેવલબેન ગરવા શીનુગ્રાથી લગ્ન કરી અહિં વસ્યા. પતિની કમાણી તો પહેલેથી જ પતિમાં સમાણી જેવો તાલ હતો કેમકે વ્યસનની લતના કારણે તેમણે પરિવાર માટે ક્યારેય વિચાર કર્યો નથી ! ટુંક સમયમાં જ પાંચ પાંચ બાળકો દેવલબેનની કુખે અવતર્યાં. પરિવારમાં સાત સભ્યો અને એક ટક ખાવનું પણ મળે તેમ નહોતું. પરિવારની પરિસ્થિતી ભાંખી ગયેલાં દેવલબેન સખી સંગીનિ જુથમાં સખિ તરીકે જોડાઇ ગયા અને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરી ઘર માટે કમાવા લાગ્યાં.

પાંચ વર્ષ સુધી સખિ તરીકે કામ કર્યા બાદ છેલ્લા ૪ વર્ષથી દેવલબેન નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રેક્ટરથી કચરો ઉઠાવવાની પ્રવૃત્તિમાં જોડાયા. ગામનો કચરો ઉઠાવીને પણ પોતાના પરિવારની તમામ પ્રકારની જવાબદારી દેવલબેને બખુબી નિભાવી છે. મોટી દિકરીના લગ્ન કરાવ્યા, બાકીના સંતાનોને ભણાવે છે અને બિછાને પડેલા પતિની સેવા પણ કરે છે. પતિના અકસ્માત બાદ તેના પગના ઓપરેશન માટે દેવલબેને ગામમાંથી ઉછીના રુપિયા લઇને પણ એક પત્નિ તરીકેની ફરજ બજાવી. સખિ સંગિની જુથ દ્વારા ચાલતા બચત મંડળમાં દેવલબેન જોડાયેલા છે અને તેમાંથી મળતી લોનને તેઓ આશીર્વાદરુપ માને છે કેમકે મંડળમાંથી મળેલી લોનના આધારે દેવલબેનની મોટી દીકરીના લગ્ન થયા છે.

પરિવારનું ગુજરાન કરવું, પતિની સારવારનો ખર્ચ, ઉછીના નાણાની ભરપાઇ કરવી, સંતાનોના શિક્ષણનો ખર્ચ...! આટલી બધી વિટંબણાઓ છતાં પણ ભુજ બોલે છેની ટીમે જ્યારે દેવલબેનની મુલાકાત લીધી ત્યારે હસતા ચહેરે તેમણે પોતાની વાત મુકી હતી. મજબુરી માણસને હિંમત પણ આપે છે એ ત્યારે સમજાયું જ્યારે દેવલબેને વિશ્વાસ સાથે કહ્યું, “જેમ એક દીકરી વળાવી એમ બીજી દીકરીઓને પણ સાસરે વળાવવી છે, દીકરાને ભણાવીને કમાતો કરવો છે અને ધણીને પથારીમાંથી બેઠા કરવા છે, ભગવાને આજ સુધી સામું જોયું છે આગળ પણ જોશે અને બધા સારાવાના થશે!” ધન્ય છે દેવલબેનના વિચારોને અને પોતાની મહેનતમાં તેમને જે વિશ્વાસ છે એ એક જવાબદાર ગૃહિણીની પ્રતિતી કરાવે છે.

Author
jayanjaria's picture