ભુજના વાંસફોડા પરિવારોમાં આવાસ મળવાની આશા બંધાઇ!

Printer-friendly version

ભારત ભરમાં થતાં વિકાસની હરણફાળ સાથે ભુજ પણ દોડી રહ્યું છે. રોડ, રસ્તા, શાળા, આવાસો અને હોસ્પિટલો જેવી સુવિધા સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ છેલ્લા થોડા વર્ષોથી ભુજ પોતાનું રૂપ બદલ્યું છે. પ્રવાસન ક્ષેત્રેના વેગે લોકોની અવર-જવરથી શહેરના રોજગાર ધંધામાં નવા પ્રાણ ઉમેરાયા છે. પણ શહેરના કેટલાક ખુણાઓમાં હજી પણ એવા અનેક લોકો અસુવિધાઓ ભર્યું જીવન વીતાવી રહ્યા છે જેમના માટે "પોતાનું ઘર" એક સુખદ સ્વપ્નથી વધારે કંઇ નથી. આવા જ એક વાંસફોડા વિસ્તારની વાત અહિં મુકી છે જેને સંસ્થાના પ્રયાસોથી ટુંક સમયમાં "છત" મળી જશે!
પોતાનું પેટિયું રડવા માટે લોકો કોઈને- કોઈ ધંધા સાથે જોડાઈ પોતાનું જીવન જીવી રહ્યા છે. રોજી તો તેમને મળી રહે છે. પણ તેમને રોટલા સાથે ઓટલો મળવો મુશ્કેલ છે. લોકો શહેરોમાં કોઈપણ જાતની સુવિધા વગર પોતાનું સંઘર્ષમય જીવન પસાર કરી રહ્યા છે. એવી એક જ્ઞાતિ છે “વાંસફોડા”. જે લોકો વર્ષો પહેલા વાંસની ટો પલીઓ, સૂપડીઓ વગેરે બનાવી તેને વેચીને પોતાની પરંપરાગત રોજગારીથી પોતાની રોજી-રોટી મેળવતા હતા. પરંતુ સમય જતાં પ્લાસ્ટિકના સાધનોએ તેનું સ્થાન લીધું તથા સરકાર તરફથી તેમને વાંસ મળે તેવી કોઈ વ્યવસ્થા થઈ શકી નહીં અને બજારમાં માલ્ટા વાસ મોંગા પડતાં તેમનો પરંપરાગત ધંધો ભાંગી પડતાં તેઓ મજૂર બની ગયા અને અલગ-અલગ કામોમાં મજૂરી કરવા લાગ્યા.
સમય જતાં માધાપર હાઈવેની જમીન પર ઝૂપડાઓમાં વસવાટ કરી વાહનોમાં ગ્રીસિંગનું કામ કરી રોજી-રોટી રડતાં થયા અને બહેનો ભંગાર વીણી પોતાનું જીવન ગુજારવા લાગી. ઘણો સમય વીતવા છતાં આજ સુધી તેઓને આવાસ, શૌચાલય, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તથા બાળકોનું શિક્ષણ નહિવત છે. બહેનોમાં સ્વાસ્થ્યના પ્રશ્નો જોવા મળે છે. આમ ઘણી વિટંબણાઓ સાથે પોતાનું જીવન પસાર કરતા પરિવારોને રાજીવ આવાસ યોજનામાં સમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેને અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન તથા સાથી સંસ્થાઓ દ્વારા વિસ્તારમાં જઇ લોકોને આવાસ યોજના સમજાવવામાં આવી, અને તે વિસ્તારમાં પાંચ વર્ષથી રહેતા પરિવારોને આ યોજનામાં જોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા. આ યોજના લોકભાગીદારી સાથેની હોતાં દરેક તબ્બકે લોકો સાથે સમયાંતરે મીટીંગો યોજી દરેક પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેવી કે મકાનોનું સર્વે કામ, કુટુંબની માહિતી લેવી, મકાનો વિષેની ડિઝલનીંગ પ્રક્રિયા વગેરે પૂર્ણ કરી ડી.પી.આર. બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
શહેરના નાગરિકો શહેરના ભાગ હોય છે અને તે પોતાનું યોગદાન શહેરમાં આપતો હોય છે. તેને પણ માનવીય ધોરણે સુવિધા ઉપલબ્ધ થાય એ એમનો અધિકાર છે. ભુજ શહેરને ઝૂંપડપટ્ટી-મુક્ત કરવાની દિશામાં એક પગથિયું શહેરના વિકાસમાં ફાળો આપશે.  ભુજ શહેરના બીજા વંચિત વિસ્તારો મચ્છુનગર, દીનદયાલ નગર, ભળેશ્વર વિસ્તારોમાં લોકોને પાકા આવાસો અને પ્રાથમિક સુવિધાઓ મળે અને અને આપણું શહેર સ્લમ ફ્રી સિટી બને એવા ઉદ્દેશથી આ યોજનાનો વિસ્તાર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. આ માટે ભુજ નગરપાલિકા તથા સરકારશ્રી ના અન્ય વિભાગો દ્ધારા સાથ-સહકારથી આ કામ આગળ વધી રહ્યું છે. આપણે સૌ સાથે મળી આવા વંચિત વિસ્તારના લોકો માટે પણ વિચારીએ.

Author
ramesh.chauhan's picture