“સલામતિનો સાદ" મહિલાઓની સલામતિના મુદ્દે ભુજમાં યોજાયો કાર્યક્રમ !

Printer-friendly version

આજના પુરુષપ્રધાન સમાજમાં દીકરીઓ, બહેનો, મહિલાઓની સલામતિનો મુદ્દો ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે ! સમાજ અને તંત્રના અનેક પ્રયાસો પછી પણ કમનસીબે આજે દીકરીઓ સલામત નથી ! ભુજ શહેરના અનેક વિસ્તારોમાં દીકરીઓની સલામતિ વિશેના અભ્યાસના આધારે ભુજની મહિલા સશક્તિકરણ માટે કાર્યરત સંસ્થા 'કચ્છ મહિલા વિકાસ સંગઠન'ના અર્બન સેલ દ્વારા નગરપાલિકા, શહેરી સમુદાયો અને સમાજના સહયોગથી "સલામતિનો સાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શહેરના વોર્ડ નંબર ૨ માં સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી સરવેની પ્રક્રિયામાં દીકરીઓ જે મુદ્દાઓથી અસલામતિ અનુભવે છે તેની રજૂઆત કરવામાં આવી તેમજ એ અંગેનું આવેદનપત્ર નગરપાલિકા અને પોલીસતંત્રને આપવામાં આવ્યું. દારુ, અસામાજિક તત્વો દ્વારા છેડતી, ટોળે વળીને બેસતા આવારા તત્વો દ્વારા અપશબ્દો, શારીરિક છેડતી, શિક્ષણનો અભાવ, સમાજ અને ઘર તરફથી દબાણ, વહેમ તેમજ શંકા જેવા અનેક પરિબળોથી દીકરીઓ અસલામતિ અનુભવતી હોવાનું તારણ આ કાર્યક્રમમાં તંત્ર અને વિવિધ સમુદાયોના લોકો સમક્ષ મુકી ચર્ચા કરવામાં આવી. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચાંડપ્પાસાહેબે લોકોને માનસિકતા બદલી સૌ પ્રથમ ઘરથી જ સલામત વાતાવરણ આપવું જોઇએ એવી વાત મુકી હતી જ્યારે પીરસાહેબે માત્ર સ્લમ વિસ્તારો નહીં પણ ગૃહસ્થ વિસ્તારોમાં પણ મહિલા સમાલત નથી એવી ચિંતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત કાઉન્સીલર્સ પૈકી ગોદાવરીબેન તેમજ સુલેમાનભાઇએ દીકરીઓના શિક્ષણ પર ભાર મુક્યો તેમજ પોલીસ વિભાગમાંથી પંકજભાઇએ ૧૦૦ નંબરની હેલ્પલાઇનના ઉપયોગનું સુચન કરવા સાથે અસામાજિક તત્વોને ડામવા પોલીસ તંત્ર તરફથી ખાત્રી આપી હતી તેમજ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાવવી જોઇએ તેવું સુચન પણ કર્યું હતું. કેએમવીએસના પ્રિતીબેન સોનીએ મહિલાઓ અને તંત્ર બન્ને સક્રિય રીતે આગળ આવી આ મુદ્દાને ગંભીરતાથી લે એવો સૂર વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્યએ સંસ્થાના પ્રયાસોને બિરદાવી મહિલા શિક્ષણ પર ભાર મુક્યો હતો. અભિયાનના ટ્રસ્ટીશ્રી ઉપેદ્રભાઇ ઉપાધ્યાયે સંસ્થાના અનુભવો વર્ણવી તંત્ર, સમાજ, સંસ્થા અને સમુદાયો સૌ સાથે મળીને દીકરીઓના સલામતિના મુદ્દે કાર્યરત બને એવી જરુરીયાત હોવાની વાત કરી હતી. વ્ક્તાઓ સાથે કેએમવીએસના ડાયરેક્ટર તૃપ્તિબેન શેઠ, લતાબેન સચદે, અર્બન સેતુના કોઓર્ડિનેટર ભાવસિંહભાઇ ખેર સહિત મંચસ્થ થયા હતા.

સખિસંગીનીના પ્રમુખ ફાતમાબેન જતે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો જ્યારે જિજ્ઞાબેન ગોરે સંચાલન સંભાળ્યું હતું. દીલીપભાઇ, મંજુલાબેન ગોર, કુંવરજીભાઇ ગોર તેમજ રુકિયાબેન જતે ઓડીટ પ્રક્રિયાના તારણો રજૂ કર્યા હતાં. અર્બન સેતુના આશાબેન મહેશ્વરીએ શાબ્દિક આવકાર આપ્યો હતો.

Author
jayanjaria's picture