ઐતિહાસિક દેશલસરમાં ઠલવાયો ઢગલાબંધ મેડિકલ વેસ્ટ !

Printer-friendly version
ક્યારેય સુકાય નહિં તેવી અનોખી રચના ધરાવતું ઐતિહાસિક તળાવ 'દેશલસર' નાગરિકો અને તંત્રની ઉપેક્ષા પામી આજે કચરાનું સામ્રાજ્ય બની રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી આ તળાવને ગટરયુક્ત પાણી અને કચરાના ગંજમાંથી મુક્ત કરવા માટે કેટલાય લોકોએ અવાજ ઉઠાવ્યો છે પણ વક્રતા એ છે કે તળાવની સફાઇ તો એક તરફ રહી પણ હવે તેની ગંદકીમાં ઉમેરો કરવા મેડિકલ વેસ્ટ પણ ઠાલવવામાં આવ્યો છે ! એકાદ દિવસ પહેલાં કોઇ દવાખાનામાંથી દેશલસર તળાવમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૨ ના કાઉન્સીલર સુલેમાનભાઇ હિંગોરજાની નજર આ કચરા પર પડતાં તેમણે ભુજ સેતુ કેન્દ્ર અને ભુજ બોલે છે ટીમને જાણ કરી. સ્થળની મુલાકાત લેતાં અરેરાટી છુટી જાય તેવું દ્ર્શ્ય જોવા મળ્યું. ઠેર ઠેર વપરાયેલા ખુલ્લી સોય વાળાં ઇન્જેક્શન, એક્સ્પાયર થયેલી દવાઓના કોથળા અને ગાયનેક વેસ્ટના કોથળા ! ગાયનેક વેસ્ટના કોથળામાંથી કુતરાઓએ બધી ગંદી વપરાયેલી ચીજો વેરવિખેર કરી હતી. સેતુ ટીમ અને સ્થાનિકો સાથે સુલેમાનભાઇ હિંગોરજાએ જાતે તળાવમાં ઉતરી આ કચરાને દર્શાવ્યો હતો. આ તળાવની ઐતિહાસિકતા જણાવતાં તેમણે કહ્યું કે, “આ તળાવ રાવ દેશલજી દ્વારા વિ. સં. ૧૮૦૫ (ઈ. સ. ૧૭૪૮) માં બંધાવાયુ હતું જેથી તેનું નામ દેશલસર રાખવામાં આવ્યું. હમીરસર અને દેશલસર બન્ને તળાવો કચ્છ ના પાટનગર ને દુષ્કાળ સમયે સહાયરૂપ થાય તે માટે બંધાવાયા હતા. આશરે ૩૦ ફુટ ઊંડાઈ ધરાવતુ આ તળાવ નો હેતુ આસપાસ નાં ભીડનાકા અને સુરલભીટ વિસ્તારો ને પાણી આપવું ઉપરાંત મહિલાઓ ને કપડા ધોવા અર્થે નો હતો. તળાવ ની અંદર બે કૂવા હતાં ,જેમાં થી એક કૂવા ને “વીરા” કહેતાં અને તેનું પાણી બહુજ મીઠું હતું. કૂવા માટે ની લોક કહેવત હતી કે કૂવા નું પાણી જે ન પીવે તેને લોકો પાણી વગર નો કહેતાં.” પેયજળનો આ અનન્ય સ્રોત અને ઐતિહાસિક ધરોહર સમુ તળાવ જ્યારે ગંદકીમાં ગરકાવ થઇ રહ્યું છે ત્યારે આ વિસ્તારના નગરસેવકે આ કચરાની સત્વરે સફાઇ કરવામાં આવે તેમજ તળાવમાં ભળતાં ગટરના પાણીને રોકવા અનિવાર્ય પગલાં લેવામાં આવે તેની ચિંતા વ્યક્ત કરી હતી. તંત્રની નજર આ તળાવની ગંદકી પર પડે અને લોકો પણ દેશલસર તળાવ માટે જાગૃત થાય એવો અનુરોધ તેમણે કર્યો હતો.
Author
jayanjaria's picture