ભુજમાં મહિલા સપ્તાહ ઉજવણી સંદર્ભે કચરો વીણતા પરિવારોના હક્ક અધિકાર અંગે યોજાયો વર્કશોપ !

Printer-friendly version

આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણીના ભાગરુપે ભુજની સહજીવન સંસ્થા દ્વારા શહેરમાં કચરો વીણતા પરિવારની મહિલાઓના હક્ક અને અધિકારોને સમજવા અને તેના ઉકેલ તરફ આગળ વધવાના પ્રયાસ રુપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અગ્રણીઓએ સંગઠન, શિક્ષણ અને જોમથી પોતાના હક અને અધિકાર મેળવવા માટે કચરો વિણતી બહેનોને આહવાન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન કરતા સહજીવન સંસ્થાના ધર્મેશભાઇ અંતાણીએ પ્રસંગ પરિચય આપવાની સાથે ભુજના વાંસફોડા જેવા વિસ્તારોમાં રહેતી કચરો વીણતી બહેનોનો પરિચય આપ્યો હતો. શહેરની એકોર્ડ ઓફિસ સામે છેલ્લા લાંબા સમયથી રહેતા રંભાબહેને તેમના જેવા પરિવારોને નડતી મુશ્કેલીઓ જણાવી મુખ્યત્વે પાણીની સમસ્યાના ઉકેલ માટે રજુઆત કરી હતી. શરુઆતમાં તાપી જિલ્લાની વાલોદ ગ્રામ પંચાયત દ્વારા કચરો વીણતા પરિવારો માટે અમલમાં મુકેલી સુવિધા અંગેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સંજોગોવસાત ડો. નીમાબેન આચાર્ય તેમજ હેમલતાબેન ગોર કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા હતા જ્યારે ઉપસ્થિત અગ્રણીઓમાંથી વોર્ડ નંબર ૧૩ના કાઉન્સીલર પન્નાબેન જોશીએ હંગામી રીતે શહેરમાં વસતા આવા પરિવારો માટે સમયાંતરે પાણીનું ટેન્કર મોક્લી તેમની પીવાના પાણીની સમસ્યાના હલ માટે ખાતરી આપતાં કોઇ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તેને સમજવી જરુરી છે અને તેના માટે શિક્ષિત હોવું એટલું જ જરુરી ગણાવી કોઇ પણ રીતે બાળકોને શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો.

કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા સાથે લાંબા સમયથી કાર્યરત અલ્કાબેન જાનીએ ઉદ્બોધનમાં કચરો વીણતી બહેનોને સખિસંગિનીના બચત જુથમાં જોડાઇ સંગઠિત બની પોતાના અધિકારો અને સુવિધાઓ મેળવવા માટે સમજ આપી હતી. સખિ સંગિનીમાં જોડાનાર બહેનોને મિશન મંગલમ યોજનાનો લાભ પણ મળી શકે છે તેમ જણાવતાં અલ્કાબહેને આ બહેનોને ૧૫૨ મંડળોની ૨૫૦૦ બહેનોના જુથનો સહકાર મળશે તેવું જણાવી સખિ સંગિની મારફ્તે એકજુથ બનવા હાકલ કરાઇ હતી. તો દિવ્યાબેન વૈદ્યએ બહેનોમાં જોમ અને જુસ્સો ભરતાં જાતે આગળ આવી, એકજુથ બની હક્ક માટે લડવા આહવાન આપી સંસ્થાઓના સહકારની ખાતરી આપી હતી. તેમજ મંચસ્થ અગ્રણીઓમાં પર્યાવરણીય હિમાયતી જુથના રસિલાબેન પંડ્યા, કલ્પનાબેન ચોથાણી, રમિલાબેન મહેતા તેમજ હેમલતાબેન ભોજકે પણ કચરો વીણતા સમુદાયની બહેનોને સાથ સહકારની હુંફ આપી હતી. આ પ્રસંગે શહેરના ઘન કચર વ્યવસ્થાપનના અભ્યાસની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કચરો વીણતા સમુદાયના પ્રતિનિધિઓ રંભાબેન. પુનીબેન, દિપકભાઇ સહિતનું મહેમાનો સાથે પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. સહજીવનના અશ્વિનભાઇ તેમજ પ્રજેશભાઇએ વ્યવસ્થા સંભાળી હતી.

Author
jayanjaria's picture