હમીરસરમાં સતત દેખરેખ હેઠળ ૫ દિવસમાં ૯ હજાર ઘનમીટર માટી ખોદાઇ !

Printer-friendly version

ગત ૨જી જૂનના રોજ તંત્ર, સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં "હમીરસર" તળાવમાં લોકભાગીદારી સાથે ખાણેત્રું શરુ કરવામાં આવ્યું હતું જેને આજે ૫ દિવસ પુરા થયા છે.

ખાતમુહૂર્ત બાદ હમીરસરમાં ખાણેત્રાંની પ્રક્રિયા શરુ થઇ ત્યારથી આજ સુધી ૫ દિવસ દરમ્યાન ભાડા ચેરમેન કિરીટભાઇ સોમપુરા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગરપતિ અશોકભાઇ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગોવિંદભાઇ ચાંડપા, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, યોગેશભાઇ જાડેજા તેમજ ધીરેનભાઇ ઠક્કર સહિતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ૯ હજાર ઘન મીટર માટીનું ખોદકામ થયું છે.

જુના સ્વામીનારાયણ મંદિરના ૫ લાખ અને મણીનગર સંસ્થાનના ૧ લાખ રુપિયાના અનુદાન ઉપરાંત અનેક નાગરિકોના અનુદાન સાથે જેસીબી, હિટાચી, લોડર સહિતની મશીનરીઓ સાથે ખાણેત્રાંની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર તરફથી ખેડૂતોને માટી ઉપાડવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નાગરિકો, અગ્રણીઓ, સમાજો, કોન્ટ્રાક્ટરો તેમજ સંસ્થાઓને આર્થિક સહયોગ આપી સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું છે.

ખાણેત્રાંના સ્થળ પર સતત હાજરી આપી અર્બન પરબના અબ્દુલભાઇ, દયારામભાઇ, નવાબભાઇ, ગોપાલભાઇ, ગૌરવ પરમાર, રોહનભાઇ, 'જલ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી'ના પીરસાહેબ, કાંતીલાલ પટેલ, આશા ગઢવી તેમજ નગરપાલિકાના પરેશભાઇ વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું 'જલ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી'ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Author
jayanjaria's picture