'સહજીવન' તેમજ 'પર્યાવરણીય હિમાયતી જુથ' દ્વારા ઉજવાયો "વિશ્વ પર્યાવરણ દિવસ"

Printer-friendly version

ભુજની પર્યાવરણ લક્ષી કામગીરી કરતી સંસ્થાઓ દ્વારા "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરના નાગરિકો માટે 'સહજીવન' તેમજ 'પર્યાવરણીય હિમાયતી જુથ' દ્વારા ગો ગ્રીન સાયકલ રેલી અને પદયાત્રા ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ-લેખન તેમજ પર્યાવરણ બચાવ પ્રોજેક્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી.

ઉજવણીના પ્રથમ દિવસે ભુજના આર્ય સમાજ હોલ ખાતે શહેરનાઅ ૮ થી ૧૫ વર્ષની વયજુથના બાળકો માટે "પર્યાવરણનું સંરક્ષણ" વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ૧૫ જેટલા બાળકોએ પર્યાવરણની રક્ષા કેમ કરી શકાય એ માટેના પોતાના વિચારોને ચિત્રનું સ્વરુપ આપ્યું હતું. આ સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ ત્રણ વિજેતાઓ કેશવી ભટ્ટ, વૈભવ શાહ અને વિધિ મહેતા રહ્યા હતા. આ સ્પર્ધા સાથે "વર્ષ ૨૦૨૫માં મારી કલ્પનાનું ભુજ" વિષય પર વાંચન-લેખન સ્પર્ધા પણ યોજાઇ હતી.

પર્યાવરણ દિવસની વહેલી સવારે સંસ્થાએ નાગરિકો સાથે "ગો ગ્રીન સાયકલ-વોક" રેલી કાઢી હતી જેમાં "વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો" અને "શહેરીજનો નમસ્તે, કચરો ન ફેંકો રસ્તે" જેવા સુત્રોચ્ચાર સાથે ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડથી બસ સ્ટેશનથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી ચાલી હતી. આ રેલીમાં દિવ્યભાસ્કર પણ જોડાયું હતું. રેલી બાદ આર્ય સમાજ હોલ ખાતે શહેરના બાળકોએ પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં બનાવેલા પ્રોજેક્ટ્સ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં ધન્ય મહેતાએ ફાઇબરમાંથી 'એર કુલર', ખુશી શાહે 'પ્લાસ્ટિક રિસાયકલ આઇટમ્સ', વૈભવ શાહે 'ગ્રીન હાઉસ' તેમજ સ્નેહ શાહે 'ટપક સિંચાઇ' આધારિત પ્રોજેક્ટ બનાવી તેની સમજ પણ આપી હતી. બપોરે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ અનુક્રમે નિતા ચૌહાણ, વિધિ મહેતા અને ધૃતિ સોમપુરા રહ્યા હતા. આ સમગ્ર ઉજવણીમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં કુંજલબેન છાયા, અવનીબેન સોની, પદ્મિનીબેન વાળા તેમજ પુનનબેન શુક્લએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સાંજે દરેક સ્પર્ધાના વિજેતાઓને પ્રતીક ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. બન્ને દિવસના આયોજનમાં પર્યાવરણીય હિમાયતી જુથના કન્વીનર રસિલાબેન પંડ્યા, સહજીવનના ધર્મેશભાઇ અંતાણી, જાગ્રુતિબેન ગઢવી, ગાયત્રીબેન ભાટી, દિલીપભાઇ આચાર્ય, ગોરભાઇ, પ્રજેશભાઇ તેમજ અશ્વિનભાઇએ સહયોગ આપ્યો હતો.

Author
jayanjaria's picture