“મિશાલ"માં દેશ પ્રત્યેની ભાવના છલકાઇ ! બાળકો અને યુવાનોએ પ્રોજેક્ટ તૈયાર કરી પોતાની વાત રજૂ કરી.

Printer-friendly version

ઓએસિસ સંસ્થા ચારિત્ર્ય ઘડતર અને નેતૃત્વ વિકાસ જેવાં મહત્વનાં પાસાંઓ પર છેલ્લાં ૨૯ વર્ષો કાર્યરત છે. આ પ્રલંબ અનુભવના નિચોડ સ્વરુપે બાળકો અને યુવાનોમાં દેશ પ્રત્યે રહેલી આંતરિક ભાવનાઓને વાચા આપતા "મિશાલ" કાર્યક્રમનું ગુજરાતના મોટાં શહેરો તેમજ બેંગ્લોર ખાતે આયોજન કરાયું. કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે "મિશાલ"ને નોંધપાત્ર પ્રતિસાદ સાંપડ્યો જેમાં ત્રણ તબક્કાઓમાં સાડા ચાર સોથી પણ વધારે બાળકો અને યુવાનો સહભાગી થયા !

૧૮મી જૂનથી આરંભાયેલા આ અનોખા પ્રકલ્પમાં કચ્છ જિલ્લાના ભુજ અને આદિપુરમાંથી ૪૫૪ બાળકો અને ૩૮ જેટલા યુવાનો દેશ પ્રત્યે તેમના હ્રદયમાં રહેલા ભાવને પ્રગટ કરવા જોડાયા. પ્રથમ તબક્કામાં નિબંધ લેખન તેમજ બીજા તબક્કામાં વિવિધ વિષયો પર બાળકોએ જૂથ ચર્ચામાં સહભાગી બની પોતાના વિચારો રજૂ કર્યા હતા. બન્ને તબક્કાઓ પસાર કરીને કુલ્લ ૯૭ બાળકો અને ૧૧ યુવાનો ત્રીજા તબક્કા એટલે કે પ્રોજેક્ટ વર્કમાં સહભાગી થયા. પોતાના નિબંધના વિષયને કેન્દ્રમાં રાખીને સ્પર્ધકોએ ટીમવર્ક કરી પોતાના ગામડાં અને શહેરમાં ફિલ્ડવર્ક કરી, લોકોને મળી, વિષયની સમજ આપી અને તેમના મંતવ્યો, અભિપ્રાયો મેળવી ખૂબ જ મહેનત માંગી લેતા પ્રોજેક્ટ તૈયાર કર્યા.

આ તબક્કામાં શિક્ષકો, પ્રાધ્યાપકો, સામાજિક સંસ્થાના કાર્યકરો, લેખકો અને વિચારકો જેવા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ મુલ્યાંકનકાર તરીકે સેવા આપી હતી. સ્પર્ધકોએ આ મુલ્યાંકનકારો સમક્ષ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા અને લેખિત, તસવીરો અને વીડિયો માધ્યમે પોતાની કામગીરી વ્યક્ત કરી. મુલ્યાંકનકારોએ એક હિતેચ્છુ તરીકે સ્પર્ધકોને સાંભળી તેમના કાર્યને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આ તબક્કાની પ્રક્રિયામાંથી પસાર થનારા મુલ્યાંકનકારોએ પ્રતિભાવ પાઠવતાં જણાવ્યું હતું કે, "મિશાલ કાર્યક્રમે ખરેખર એક મિશાલ પુરી પાડી છે જેના માધ્યમે બાળકો અને યુવાનોના વિચારોને એક મંચ મળ્યું છે અને તેમનામાં દેશ માટે કંઇ કરી છૂટવાની ભાવના તેમના કાર્યમાં છલકાતી જોવા મળી છે ! આવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં પાયારુપ ભુમિકા ભજવે છે!”

"મિશાલ" ના વિજેતા સ્પર્ધકો સાથે આગામી ૫મી ઓગસ્ટના રોજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવશે જેમાં વિજેતાઓને મહાન બનવાની કેળવણી આપતો કોર્સ, ટ્રેકિંગ શિબિર તેમજ ઓએસિસ પ્રકાશનના પુસ્તકો ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. ત્રણ તબક્કાની સમગ્ર પ્રક્રિયામાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યકરોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 

 

Author
jayanjaria's picture