ભુજની પાલારા જેલમાં વૃક્ષારોપણ સાથે પુસ્તક અર્પણ કાર્યક્રમ યોજાયો

Printer-friendly version

જેવું વાવેલું હોય એવું લણવાના સમાજના વણલખ્યા નિયમને ધ્યાનમાં લઈને ગુનાહિત કૃત્યોથી દૂર રહેવાની સલાહ આજે પાલારા ખાસ જેલના કેદીઓને પોલીસની બોર્ડર રેન્જના આઇજી શ્રી એ.કે. જાડેજાએ આપી હતી.

કચ્છમિત્ર દ્વારા ખાસ જેલની લાયબ્રેરીને ૨૭૫ જેટલા પુસ્તકોના અર્પણવિધિ અને જેલ સંકુલમાં ૧૧૦૦ વૃક્ષોના વૃક્ષારોપણના આરંભના બેવડા પ્રસંગે આઇજી શ્રી જાડેજાએ પર્યાવરણમાં વૃક્ષોના મહત્વને સરળ ભાષામાં સમજાવ્યું હતું. તેમણે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવીને તેનું જતન કરે તેની ખાસ જરૂરત હોવાનું જણાવીને કચ્છમિત્રના સામાજિક યોગદાનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.બી.જાડેજાએ સમાજની હાલની શિક્ષણ વ્યવસ્થાની ઉણપને યુવાનોમાં ગુનાહિત પ્રવૃતિ માટે જવાબદાર ઠેરવી હતી. નાનો ઝઘડો મોટું સ્વરૂપ ન લે તે માટે તેમણે નાની બાબતોમાં માફી માંગીને વાતના વતેસરને ટાળવાની જરૂરત પર ભાર મૂક્યો હતો.

કચ્છમિત્રના વ્યવસ્થાપક શૈલેષભાઈ કંસારાએ જેલની લાયબ્રેરીને અપાયેલાં પુસ્તકો કેદીઓને ખરા અર્થમાં ઉપયોગી થશે એવી આશા વ્યક્ત કરી હતી. મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયાએ જેલમાં ઉપલબ્ધ સામનો સદુપયોગ કરવા કેદી ભાઈઓને સલાહ આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને કચ્છમિત્રના તાજેતરનાં વિશેષ પ્રકાશન રણમાં રેવા પુસ્તક અર્પણ કરાયાં હતા. આ અગાઉ જેલના સંકુલમાં પ્રિન્સ જળ મંદિરની આસપાસ ત્રણ એકર જગ્યામાં આકાર લઈ રહેલી ઉદય નર્સરીમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. બંને કાર્યક્રમમાં કચ્છ નવનિર્માણ અભિયાનના અધ્યક્ષ અને જળ મંદિરના પ્રણેતા લાલભાઇ રાંભિયા, ભોજય સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી લીલાધરભાઈ ગડા, જેલના તબીબ ડો. કશ્યપભાઈ બુચ અને ભુજ બોલે છે ના જય અંજારિયા હાજર રહ્યા હતા.

જેલ અધિક્ષક વી.પી.ગોહિલે સ્વાગત પ્રવચનમાં જેલ હવે સુધારગૃહ બની ગઈ હોવાની વિગતો આપી હતી. તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ હાથ ધરાઇ રહેલી પ્રવૃતિ અંગે પણ માહિતી આપી હતી. કચ્છમિત્રના પ્રતિનિધિ અને સામાજિક કાર્યકર વસંતભાઈ અજાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જેલર કે.વી.ગઢવી, એમ.જે.હાડા, સૂબેદાર પટેલભાઈ, રવિરાજસિંહ, વાઘેલાભાઈ સહિતે વ્યવસ્થા સંભાળી હતી.

Author
Upasana Gor's picture